એક પછી એક દેશો પર ટેરિફ લાગુ કરવા મંડી પડેલા અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (ભારતીય સમયાનુસાર) રાત્રે ભારત પર વધુ 25% ટેરિફ લાગુ કરવાની ઘોષણા કરી, જેની સાથે કુલ ટેરિફ 50% પર પહોંચ્યો છે. આ આદેશ 21 દિવસ પછી એટલે કે 27 ઑગસ્ટથી અમલમાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. સાથે ટ્રમ્પના કાર્યકારી આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખવાના કારણે ભારત વિરુદ્ધ આ વધારાનો કર લાગુ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, ભારત સરકારે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે.
નોંધનીય છે કે આ અગાઉ, 30 જુલાઈના રોજ ટ્રમ્પે અમેરિકા અને ભારત વચ્ચે વેપારી કરારને અંતિમ સ્વરૂપ ન અપાયું હોવાનું કહીને ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે રશિયા પાસેથી તેલ ખરીદીને લઈને હવે ભારત પર કુલ 50% ટેરિફ લાદવામાં આવશે.
વિદેશ મંત્રાલયનું નિવેદન
સોશિયલ મીડિયા માધ્યમ X પર વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કર્યું છે. જેમાં કહેવાયું છે કે, “અમેરિકાએ તાજેતરમાં ભારત દ્વારા રશિયાથી કરવામાં આવતી તેલ આયાતને નિશાન બનાવી છે. અમે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે બજારની સ્થિતિના આધારે તેલ ખરીદીએ છીએ અને તેનો ઉદ્દેશ્ય 140 કરોડ ભારતીયો માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.”
Statement by Official Spokesperson⬇️
— Randhir Jaiswal (@MEAIndia) August 6, 2025
? https://t.co/BNwLm9YmJc pic.twitter.com/DsvRvhd61D
નિવેદનમાં વધુમાં આ અમેરિકાના આ પગલાંને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા લખ્યું હતું કે, “તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમેરિકા ભારત પર વધારાના ટેરિફ લાદી રહ્યું છે, જ્યારે ઘણા અન્ય દેશો પોતાના હિતમાં પણ આવું જ કરી રહ્યા છે. અમે પુનરાવર્તિત કરીએ છીએ કે આ પગલાં અન્યાયી, ગેરકાયદેસર અને ખોટાં છે. ભારત તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે દરેક જરૂરી પગલાં લેશે.”
ટ્રમ્પના કાર્યકારી આદેશમાં શું છે?
ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં લખ્યું છે કે, “ભારત સરકાર રશિયાથી સીધી અને આડકતરી રીતે તેલ આયાત કરી રહી છે. આવી સ્થિતિમાં યુએસમાં પ્રવેશતા ભારતીય માલ પર 25% નો વધારાનો ટેરિફ લાગુ થશે. જોકે, આ ટેરિફમાંથી મુક્તિ ચોક્કસ પરિસ્થિતિઓમાં પણ આપવામાં આવશે જેમ કે જો કોઈ માલ પહેલેથી જ દરિયામાં લોડ થઈ ગયો હોય અને રસ્તામાં હોય, અથવા જો તે નિયત તારીખ પહેલાં યુએસ પહોંચી ગયો હોય.”
તેમાં વધુમાં લખ્યું છે કે, “માર્ચ 2022ની શરૂઆતમાં યુએસએ રશિયન તેલ અને સંબંધિત ઉત્પાદનોની તેના દેશમાં આયાત પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો હતો. હવે ટ્રમ્પ વહીવટીતંત્રને જાણવા મળ્યું છે કે ભારત તે રશિયન તેલ ખરીદી રહ્યું છે, જે રશિયાને આર્થિક રીતે મદદ કરી રહ્યું છે. આ કારણે હવે યુએસએ ભારત પર આ નવો ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે.”
એપ્રિલ 2025માં જારી કરાયેલા અન્ય એક આદેશમાં અમુક ઉત્પાદનોને પહેલાથી જ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી હતી, તે મુક્તિઓ ચાલુ રહેશે. આ માલમાં સેમી-કંડક્ટર, સ્માર્ટફોન, કમ્પ્યુટર, ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોટિવ ભાગો, તાંબુ અને અન્ય ધાતુઓ અને ખનિજોનો સમાવેશ થાય છે. આનો અર્થ એ છે કે ભારતમાંથી આ માલના શિપમેન્ટ પર વધારાના ટેરિફ હજુ પણ લાગુ થશે નહીં. આ આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો ભવિષ્યમાં જરૂર પડે તો રાષ્ટ્રપતિ તેમાં સુધારો કરી શકે છે, એટલે કે ટેરિફ દરમાં ફેરફાર કરી શકે છે અથવા વધુ નવી જોગવાઈઓ ઉમેરી શકે છે.
નોંધનીય છે કે ભારત માટે તેલની ખરીદી એક મહત્વપૂર્ણ મુદ્દો છે કારણ કે તેની 1.4 અબજ વસ્તીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ઉર્જા સુરક્ષા અતિ આવશ્યક છે. રશિયા ભારત માટે સસ્તું તેલ પૂરું પાડે છે, જે ભારતની અર્થવ્યવસ્થા માટે ફાયદાકારક છે. જોકે, અમેરિકા આને યુક્રેન યુદ્ધ સાથે જોડી રહ્યું છે અને ભારત પર દબાણ લગાવી રહ્યું છે કે તે રશિયા પાસેથી ઓઇલ ન ખરીદે. ભારતનું કહેવું છે કે અમેરિકાએ અન્ય દેશો પર પણ આવો ટેરિફ લગાવવો જોઈએ જે રશિયાથી ઓઇલ ખરીદી રહ્યા છે, પરંતુ તેમણે ફક્ત ભારતને લક્ષ્ય બનાવ્યું છે, જે અન્યાયપૂર્ણ છે.


