છેક 17 વર્ષ પછી 31 જુલાઈએ આવેલા માલેગાંવ બ્લાસ્ટ કેસના ચુકાદાએ એ તો સાબિત કર્યું કે સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિત સહિતના એ તમામ સાત કથિત આરોપીઓ સદંતર નિર્દોષ હતા અને તેમને ફસાવવામાં આવ્યા હતા, પણ સાથે-સાથે આ ચુકાદો તત્કાલીન UPA સરકાર અને ઇકોસિસ્ટમના ગાલ પર પણ તમાચો છે, જેમણે આ કેસના જોરે ‘ભગવા આતંકવાદ’ કે ‘સેફરન ટેરર’ની થિયરી ઘડવામાં, એક સુવ્યવસ્થિત નરેટિવ ઘડવામાં કોઈ કસર બાકી નહતી રાખી.
ઘટના બની એ સમય એવો હતો કે આતંકવાદ દુનિયારભરમાં ફૂલ્યોફાલ્યો હતો. અમેરિકાએ 2001માં ઇતિહાસની સૌથી મોટી આતંકવાદી ઘટના જોઈ અને પછી તેની સેના અફઘાનિસ્તાનમાં ઘૂસી. મધ્ય-પૂર્વમાં પણ તણાવના દિવસો શરૂ થયા. ભારતમાં કોંગ્રેસની સરકાર પરત આવ્યા બાદ રાષ્ટ્રીય સુરક્ષા માટે ફરી કપરા દહાડા શરૂ થયા. દરેક આતંકી ઘટનામાં કોઈને કોઈ રીતે સમુદાય વિશેષ જોડાતો હતો. ઇકોસિસ્ટમ ભલે ગમે તેટલા ‘ટેરર હેઝ નો રિલિજિયન’ના પ્રોપગેન્ડા ચલાવે, પણ વાસ્તવિકતા દુનિયા જોતી હતી. આવા વખતે વૉટબેન્ક કબજે કરવા માટે, જાળવી રાખવા માટે બીજા એક સમુદાયને ‘આતંકી’ તરીકે ઉભો કરી દેવો જરૂરી હતો. 2008ની આ ઘટના અને પછીથી 26/11ના હુમલામાં ઇકોસિસ્ટમે તક શોધી કાઢી.
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા, કર્નલ પુરોહિત અને હિંદુવાદી સંગઠનના માણસોને પકડ્યા બાદ ‘ભગવા આતંકવાદ’નો નરેટિવ ચલાવાયો. બ્લાસ્ટ મુસ્લિમ વિસ્તારમાં થયો હતો, રમઝાન દરમિયાન થયો હતો અને આરોપીઓ તરીકે એક સાધ્વી અને અન્ય હિંદુઓને પકડવામાં આવ્યા હતા. સાધ્વી પ્રજ્ઞા પર આરોપ હતો કે જે બાઇકમાં બૉમ્બ બાંધવામાં આવ્યા, એ તેમની હતી. કર્નલ પુરોહિત પર આરોપ લગાવી દેવાયો કે તેમણે RDX લાવીને બૉમ્બ બનાવ્યો હતો. આ આરોપોના જોરે વર્ષો સુધી એક તૂત ચલાવવામાં આવ્યું અને ટ્રાયલને અંતે કોર્ટે જ્યારે ચુકાદો આપ્યો ત્યારે જાણવા મળ્યું કે બંનેમાંથી એક પણ આરોપ સાબિત થઈ શક્યો નથી, ન તેના કોઈ પુરાવા મળ્યા છે.
તેમ છતાં માલેગાંવ કેસ એક પોલિટિકલ નરેટિવ સેટ કરવા માટેનું સાધન બની રહ્યો અને વર્ષો સુધી તેનો ઉપયોગ પણ થતો રહ્યો. સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિત વગેરેએ વર્ષો સુધી એ ‘ગુના’ માટે જેલમાં રહેવું પડ્યું, ભયંકર યાતનાઓ ભોગવવી પડી, જે તેમણે આચર્યો જ ન હતો. તેમને યાતનાઓ આપીને, કેસમાં ફસાવીને કેસના જોરે આતંકવાદની વ્યાખ્યાઓ બદલવાના ભરપૂર પ્રયાસો કરવામાં આવ્યા.
તપાસ કરતી ATSએ દાવો કર્યો હતો કે આરોપીઓએ મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે ષડ્યંત્ર રચ્યું હતું અને UAPA અને MCOCA જેવી કઠોર કલમો હેઠળ કેસ દાખલ કરી દેવાયો. ચાર્જશીટમાં ATSએ ‘અભિનવ ભારત’ને એક ‘ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટ’ ગણાવી દીધું અને આરોપીઓને આતંકવાદ ફેલાવનારાઓ ગણાવી દેવાયા.
દિગ્વિજય સિંઘ જેવા નેતાઓ સતત આ કેસનો ઉપયોગ કરીને હિંદુઓને ટાર્ગેટ કરતા રહ્યા. 2008થી 2011 સુધી તેઓ સતત ‘હિંદુ આતંકવાદ’ અને ‘ભગવા આતંકવાદ’ જેવા શબ્દો વાપરતા રહ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ‘બૉમ્બ બનાવવાની ફેક્ટરી’ કહેવામાં આવ્યો. અહીં સુધી કે બાટલા હાઉસ એનકાઉન્ટર પર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા અને જ્યારે 26/11નો મુંબઈ આતંકવાદી હુમલો થયો ત્યારે પણ ‘ભગવા આતંકવાદ’ સાથે જોડતી ટિપ્પણીઓ કરવામાં આવી.
2010ના ઑગસ્ટમાં તત્કાલીન ગૃહમંત્રી પી. ચિદમ્બરમે ઇન્ટેલિજન્સ અધિકારીઓને કહ્યું હતું કે, ‘ભગવા આતંકવાદ’ જેવું ખરેખર અસ્તિત્વ ધરાવે છે અને અનેક બૉમ્બિંગની ઘટનાઓમાં આ એન્ગલ જોવા મળ્યો છે. ત્રણ વર્ષ પછી સુશીલ કુમાર શિંદે ગૃહમંત્રી બન્યા તો તેમણે RSS અને BJPને આતંકવાદી ટ્રેનિંગ કેમ્પ ચલાવનારાઓ ગણાવી દીધા અને હિંદુ સંગઠનો પર ‘આતંકવાદ ફેલાવવાનો’ આરોપ લગાવી દીધો.
કોંગ્રેસની કરતૂતો આટલે અટકતી નથી. 2010માં સામે આવેલા વિકિલીક્સમાં તત્કાલીન અમેરિકન એમ્બેસેડર સાથે રાહુલ ગાંધીની એક વાતચીતની વિગતો સામે આવી હતી. એમ્બેસેડરે પછીથી કહ્યું હતું કે કઈ રીતે રાહુલ ગાંધીએ તેમને કહ્યું હતું કે, ‘કટ્ટરપંથી હિંદુ જૂથ’ લશ્કર-એ-તૈયબા જેવાં ઇસ્લામી આતંકી સંગઠનો કરતાં પણ મોટું જોખમ છે.
આ ચર્ચના થોડા મહિના પહેલાં ભારતના તત્કાલીન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ. કે નારાણાયને FBI ડાયરેક્ટર સાથેની ચર્ચા વખતે ‘હિંદુ અંતિમવાદી જૂથો’ વિશે ચર્ચા કરી હતી. આ બધી ઘટના માલેગાંવ બ્લાસ્ટ કેસની આસપાસ બની રહી હતી.
આ જ કેસની તપાસ જ્યારે 2011માં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પાસે પહોંચી ત્યારે એજન્સીએ તમામ આરોપીઓ સામેના MCOCA હેઠળના આરોપો જ રદ કરી દીધા. પછીથી મહારાષ્ટ્ર ATSની તપાસમાં ઘણી ખામીઓ પણ દેખાઈ. પછીથી વર્ષો સુધી જેલમાં રહ્યા બાદ આરોપીઓને જામીન પણ મળતા ગયા, છતાં એક કલંક જે કોંગ્રેસ સરકારમાં લગાવી દેવામાં આવ્યું હતું, તે યથાવત રાખવામાં આવ્યું. દૂર થયું છેક 2025ના જુલાઈમાં, જ્યારે સ્પેશિયલ કોર્ટનો ચુકાદો આવ્યો.
આ ચુકાદા સાથે ફરી એક વખત એક ગ્લોબલ ઇકોસિસ્ટમ રચિત ‘ભગવા આતંકવાદ’નું તૂત ધ્વસ્ત થઈ ગયું. બહુ પ્રયાસો થયા, ધમપછાડા થયા, આરોપો-પ્રત્યારોપો થયા, હિંદુઓને ફસાવવા માટે, તેમને આતંકવાદીઓમાં ખપાવી દેવા માટે અઢળક પ્રયાસો થયા, પણ એક ચુકાદાએ આખો નરેટિવ ધ્વસ્ત કરી નાખ્યો. અંતિમ વિજય સત્યનો થયો. સાધ્વી પ્રજ્ઞા, કર્નલ પુરોહિત સહિતની સાત વ્યક્તિઓનો થયો.


