આજથી 17 વર્ષ પહેલાં 26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદમાં થયેલા 22 બૉમ્બ બ્લાસ્ટની (Ahmedabad Bomb Blast 2008) ઘટના ભારતના ઇતિહાસમાં એક ભયાનક આતંકવાદી હુમલા તરીકે નોંધાયેલી છે. વર્તમાનમાં ભારતની આતંકવાદ પ્રત્યેની ઝીરો ટોલરન્સની નીતિ એ બાબતની સાક્ષી છે કે આ ઘટનાએ ગુજરાતના નેતાઓના મન-મસ્તિષ્કમાં કેવી છાપ છોડી હશે. કારણ કે આ હુમલામાં 56 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા.
કદાચ આવા આતંકી હુમલાઓએ જ ભારતના નેતૃત્વને આતંકવાદ વિરુદ્ધ કડક વલણ અપનાવવા માટે દ્રઢ મનોબળ આપ્યું હશે. અમદાવાદ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુજાહિદ્દીન (IM) નામના આતંકવાદી સંગઠને લીધી હતી, જે પ્રતિબંધિત ‘સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા’નું (SIMI) એક સ્વરૂપ હોવાનું માનવામાં આવે છે. આ હુમલાની તપાસ ગુજરાત પોલીસે (Gujarat Police) અસાધારણ રીતે હાથ ધરી હતી. ઝીણવટભરી તપાસ, ઇન્ટેલિજન્સનો ઉપયોગ અને આંતર-રાજ્ય સહયોગથી આ કેસને ઉકેલવામાં સફળતા મળી હતી.
બૉમ્બ બ્લાસ્ટની ઘટના
26 જુલાઈ, 2008ના રોજ, સાંજે 6:41 વાગ્યે, અમદાવાદમાં 70 મિનિટના ટૂંકા ગાળામાં 22 બૉમ્બ બ્લાસ્ટ થયા હતા. આ બૉમ્બ હુમલાઓ શહેરના વિવિધ વિસ્તારોમાં, જેમ કે સરકારી સિવિલ હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ, બસો, સાયકલો અને કારમાં થયા હતા. આ હુમલાઓનો હેતુ મહત્તમ નુકસાન પહોંચાડવાનો હતો, જેનું લક્ષ્ય ખાસ કરીને ગીચ વસ્તીવાળા વિસ્તારો અને જાહેરસ્થળો હતા. આ બ્લાસ્ટ ઓછી તીવ્રતાના હોવા છતાં, તેની યોજના અને અમલ અત્યંત ચોકસાઈથી કરવામાં આવ્યા હતા.
આ હુમલાના પાંચ મિનિટ પહેલાં ઇન્ડિયન મુજાહિદ્દીન દ્વારા મીડિયા હાઉસને એક 14 પાનાંનો ઇ-મેઇલ મોકલવામાં આવ્યો હતો, જેનું શીર્ષક હતું: ‘Await 5 minutes for the revenge of Gujarat’. આ ઇ-મેઇલમાં 2002ના ગુજરાત રમખાણો અને બાબરી મસ્જિદના ધ્વંસનો બદલો લેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઇ-મેઇલ નવી મુંબઈથી મોકલવામાં આવ્યો હતો, જે પાછળથી તપાસનો મહત્વનો ભાગ બન્યો હતો.
ગુજરાત પોલીસની તપાસની શરૂઆત
બૉમ્બ બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. આ હુમલો ગુજરાત પોલીસ માટે એક મોટો પડકાર હતો, કારણ કે શરૂઆતના પાંચ દિવસ સુધી કોઈ નક્કર સુરાગ મળ્યો નહોતો. હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ મુજબ, આ તપાસનું નેતૃત્વ અમદાવાદ પોલીસના ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, ખાસ કરીને જિતેન્દ્ર યાદવ અને અભય ચુડાસમાએ કર્યું હતું. જોકે, પ્રારંભિક સમયમાં પોલીસે તપાસ દરમિયાન ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
કારણ કે બૉમ્બ બ્લાસ્ટના તાત્કાલિક પછી કોઈ નક્કર પુરાવા કે સુરાગ ઉપલબ્ધ નહોતા, જેના કારણે તપાસની શરૂઆત ધીમી રહી. ઇન્ડિયન મુજાહિદ્દીનનું નેટવર્ક વિવિધ રાજ્યોમાં ફેલાયેલું હતું, જેના કારણે તપાસ માટે આંતર-રાજ્ય સહયોગની આવશ્યકતા હતી. આ સિવાય આ હુમલા પછી તરતના દિવસોમાં જ સુરતમાંથી પણ બૉમ્બ મળી આવ્યા હતા. સદનસીબે ઓછા વોલ્ટેજવાળી બેટરીના કારણે આ બૉમ્બ ફૂટ્યા નહોતા. પરંતુ આ ઘટનાના કારણે સમગ્ર રાજ્યમાં અને અમદાવાદ શહેરમાં ભય અને અફવાઓનું વાતારણ સર્જાયું હતું, જેના કારણે પોલીસ પર ઝડપથી પરિણામ લાવવાનું દબાણ હતું.
પોલીસની અસરકારક કામગીરી
રેડિફના અહેવાલ અનુસાર, તપાસકર્તાઓમાંના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સ્થાનિકોની મદદ વિના ચોક્કસ સ્થળોએ આટલી સચોટ રીતે બૉમ્બ મૂકવા અશક્ય હતા, તેથી IM ઇ-મેઇલનો ટેક્સ્ટ બરોડા, ભરૂચ અને સુરત સહિત તમામ અધિકારીઓને મોકલવામાં આવ્યો હતો, જ્યાં યુદ્ધના ધોરણે તપાસ જરૂરી હતી. વિસ્ફોટો પછી માત્ર ગણતરીની કલાકોમાં 11થી વધુ ટીમો બનાવવામાં આવી હતી.
એક ટીમને બૉમ્બમાં વપરાતી સામગ્રીની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. અન્ય એક ટીમને સાયકલના ઉપયોગની તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. વિસ્ફોટો પહેલાં અને પછી અમદાવાદના ચોક્કસ વિસ્તારોમાંથી કરવામાં આવેલા તમામ ફોન કોલ્સની સંપૂર્ણ તપાસ માટે અલગ ટીમની રચના કરવામાં આવી હતી. બધા પોલીસ બાતમીદારોનો સંપર્ક કરવા અને વિસ્ફોટો વિશે તેમના મંતવ્યો અને માહિતી એકત્રિત કરવા માટે અલગ ટીમની રચના કરવામાં આવી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી તપાસ
એક ટીમે કેસના સાયબર ક્રાઇમ પાસાની તપાસ કરી. કેસની સમગ્ર તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી, જ્યાં 100થી વધુ લોકોએ 26 જુલાઈની મધ્યરાત્રિથી જ જે પણ નાના-મોટા સંકેતો મળી શકે તેના પર કામ કરવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત બધા અધિકારીઓને સ્પષ્ટ સૂચના હતી કે અમદાવાદમાં કોમી રમખાણો ફાટી ન નીકળે એનું પણ ધ્યાન રાખવાનું છે.
સિનિયર્સ જોઈન્ટ કમિશનર ઑફ પોલીસ આશિષ ભાટિયા અને બરોડા પોલીસ કમિશનર રાકેશ અસ્થાના સાથે મળીને બૉમ્બ વિસ્ફોટ પાછળના કાવતરાનો ખુલાસો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અભય ચુડાસમાએ રેડિફને જણાવ્યું હતું કે “26 જુલાઈથી 16 ઑગસ્ટ (જ્યારે તપાસ સફળતાપૂર્વક પૂર્ણ થઈ) સુધીના 22 દિવસોમાં અમારામાંથી કોઈ ઘરે સૂવા ગયા નથી. અમેં બધા દરરોજ સવારે 7 વાગ્યે ઘરે જઈએ છીએ અને નાહીને સ્વચ્છ કપડાં પહેરીને પાછા ફરીએ છીએ. દિવસ દરમિયાન અમે અમારી ખુરશીઓ પર જ સૂઈ જઈએ છીએ. હજુ સુધી અમે પથારી જોઈ નથી.” નોંધનીય છે કે આ નિવેદન ચુડાસમાએ 19 ઑગસ્ટ 2008ના રોજ આપ્યું હતું.
ગુજરાત સરકારે પણ આ તપાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેની સાક્ષી એ બાબત પરથી પૂરી શકાય છે કે, ગુજરાત પોલીસે એવો પણ દાવો કર્યો હતો કે 27 જુલાઈથી 16 ઑગસ્ટ જ્યાં સુધી આ બૉમ્બ બ્લાસ્ટની તપાસ ચાલી રહી હતી તે દરમિયાન રાજકીય નેતૃત્વને અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે સવારે 4 વાગ્યે બ્રિફિંગ આપવામાં આવતું હતું. ગુજરાત પોલીસે કહ્યું હતું કે, કદાચ પહેલીવાર સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યૂરો સાથે આતંકવાદી કેસમાં પૂરક ટીમ તરીકે કામ કર્યું છે અને કેટલાક સારા પરિણામો પ્રાપ્ત કર્યા છે.
તપાસની રણનીતિ અને પદ્ધતિઓ
ગુજરાત પોલીસે આ કેસને ઉકેલવા માટે બહુ-પરિમાણીય અભિગમ અપનાવ્યો, જેમાં ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ, ફોરેન્સિક વિશ્લેષણ અને આંતર-રાજ્ય સહયોગનો સમાવેશ થતો હતો.
ઇન્ટેલિજન્સ અને ઇન્ફોર્મર નેટવર્ક
ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર અભય ચુડાસમા પાસે એક મજબૂત ઇન્ફોર્મર નેટવર્ક હતું. રિપોર્ટ મુજબ, બૉમ્બ બ્લાસ્ટના 5 દિવસ પછી ચુડાસમાને ભરૂચ નજીક આતંકવાદીઓના એક બેઝ વિશે માહિતી મળી. જોકે, ટીમ ત્યાં પહોંચી ત્યાં સુધીમાં આતંકવાદીઓ નાસી ગયા હતા. ગુજરાત પોલીસે SIMIના બેન્ડ નેટવર્કની ગતિવિધિઓ પર નજર રાખી હતી. આ નેટવર્કના સભ્યો અમદાવાદ, વડોદરા, જયપુર અને ઉજ્જૈનમાં બેઠકો યોજતા હતા, જેની માહિતી ઇન્ટેલિજન્સ દ્વારા મળી હતી.
ટેકનિકલ સર્વેલન્સ
બૉમ્બ બ્લાસ્ટમાં વપરાયેલી બે કારો નવી મુંબઈના સાનપાડા અને વાશી વિસ્તારમાંથી 7 અને 15 જુલાઈ, 2008ના રોજ ચોરી કરવામાં આવી હતી. પછીથી વડોદરામાં આ કારોમાં વિસ્ફોટકો ભરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે પૂણે નજીકના ટોલ બૂથ પરથી એક કારના ડ્રાઇવરનો CCTV ફૂટેજ મેળવ્યો, જે તપાસમાં મહત્વનો પુરાવો બન્યો હતો.
ઇ-મેઇલની તપાસમાં જાણવા મળ્યું કે તે નવી મુંબઈના સાયબર કાફેમાંથી મોકલાયો હતો. આ ઇ-મેઇલ અમેરિકન પાદરી કેનેથ હેવુડના હેક કરેલા લેપટોપથી મોકલાયો હતો. આ દિશામાં વધુ તપાસ ન થઈ, જે વિવાદનું કારણ બન્યું.
ફોરેન્સિક વિશ્લેષણ
હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ મુજબ, બૉમ્બમાં એમોનિયમ નાઇટ્રેટ અને ફ્યુઅલ ઓઇલનો (ANFO) ઉપયોગ થયો હતો, જે ખેતીમાં વપરાતા ખાતરમાંથી બનાવવામાં આવે છે. આ બૉમ્બની ડિઝાઇન ઓછી તીવ્રતાની હોવા છતાં, તેની રચના અત્યંત ચોકસાઈવાળી હતી. આ સિવાય સુરતમાં મળેલી બે કારમાંથી વિસ્ફોટકો, ડિટોનેટર્સ અને ટાઇમર્સ મળી આવ્યા, જેનું ફોરેન્સિક વિશ્લેષણ કરવામાં આવ્યું. નૂપુર હોસ્પિટલ નજીક એક લાકડાના બોક્સમાંથી વાયર, બેટરી અને શ્રાપનેલ મળ્યા, જેનું વિશ્લેષણ પણ તપાસમાં મદદરૂપ થયું હતું.
આંતર-રાજ્ય સહયોગ
ગુજરાત પોલીસે મુંબઈ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકની પોલીસ સાથે સંકલન કર્યું હતું. ત્યારપછી મુંબઈ ATS અને ગુજરાત પોલીસે સંયુક્ત રીતે નવી મુંબઈમાંથી ચોરાયેલી કારોની ઓળખ કરી અને આરોપીઓની શોધ શરૂ કરી હતી. 13 ઑગસ્ટ, 2008ના રોજ, IPS હિમાંશુ શુક્લા અને DSP મયૂર ચાવડાએ લખનૌમાં મુફ્તી અબુ બશીરની ધરપકડ કરી, જે આ કેસની સૌથી મોટી સફળતા હતી. બશીરને ખાસ વિમાન દ્વારા ગુજરાત લાવવામાં આવ્યો હતો.
ઝડપી ધરપકડો
બૉમ્બ બ્લાસ્ટના 15 દિવસની અંદર ગુજરાત પોલીસે પ્રથમ ધરપકડ કરી લીધી હતી અને નવેમ્બર 2008 સુધીમાં મોટાભાગના આરોપીઓ પકડાઈ ગયા હતા. જેમાં મુફ્તી અબુ બશીર, નાસિર રંગરેઝ અને મોહમ્મદ અબરાર બાબુ ખાન, સફદર નાગોરી, અતીફ અમીન, મુખતર અહમદ જેવા મુખ્ય આરોપીઓનો સમાવેશ થાય છે.
તપાસના મુખ્ય પરિણામો
આ તપાસે દેશમાં ઉભરી રહેલ અને ભવિષ્યમાં ખતરો બનનાર આતંકવાદી સંગઠનોનો પર્દાફાશ કરવામાં ઘણી મદદ કરી.
ઇન્ડિયન મુજાહિદ્દીનનું નેટવર્ક
તપાસમાં જાણવા મળ્યું કે ઇન્ડિયન મુજાહિદ્દીન એ SIMIનું નવું સ્વરૂપ હતું, જે 2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ, 2007ના હૈદરાબાદ બ્લાસ્ટ અને 2008ના જયપુર બ્લાસ્ટમાં પણ સંડોવાયેલું હતું. ગુજરાત પોલીસની તપાસે આ નેટવર્કના મુખ્ય સભ્યો, જેમ કે રિયાઝ ભટકલ, યાસીન ભટકલ અને સફદર નાગોરીની ઓળખ કરી હતી.
આરોપીઓની ધરપકડ
2008થી 2017 સુધીમાં, 78 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. એક આરોપી આયાઝ સઈદ, પ્રોસિક્યુશનનો સાક્ષી બન્યો અને તેને માફી આપવામાં આવી હતી.
ન્યાયિક પ્રક્રિયા
2009માં શરૂ થયેલી ટ્રાયલ 2021માં પૂર્ણ થઈ હતી. ફેબ્રુઆરી 2022માં અમદાવાદની વિશેષ અદાલતે 49 આરોપીઓમાંથી 38ને મૃત્યુદંડ અને 11ને આજીવન કેદની સજા ફટકારી હતી.
નેતૃત્વ તરફથી મળ્યો હતો સહકાર
નોંધનીય બાબત છે કે ગુજરાત પોલીસની તપાસે ઇન્ડિયન મુજાહિદ્દીનના નેટવર્કને ઉજાગર કરીને દેશની આતંકવાદ વિરોધી લડાઈમાં મહત્વનું યોગદાન આપ્યું. આ તપાસમાં તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નેતૃત્વ મહત્વનું હતું, જેમણે પોલીસને તમામ સંસાધનો પૂરા પાડ્યા હતા. 15 ઑગસ્ટ, 2008ના રોજ, સ્વતંત્રતા દિવસે ગુજરાત પોલીસે મુખ્ય આરોપીઓને પકડી લીધા, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે એક મોટી સફળતા હતી.
2008ના અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટની તપાસ ગુજરાત પોલીસની ક્ષમતા, નિશ્ચય અને રણનીતિનું પ્રતીક છે. ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ, ફોરેન્સિક વિશ્લેષણ અને આંતર-રાજ્ય સહયોગના સંયોજનથી પોલીસે આ કેસને ઝડપથી ઉકેલીને ઇન્ડિયન મુજાહિદ્દીનના નેટવર્કને નષ્ટ કર્યું હતું. આ સફળતાએ ભારતની આતંકવાદ વિરોધી લડાઈમાં ગુજરાત પોલીસની ભૂમિકાને મજબૂત કરી અને રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાને વધુ સશક્ત બનાવી હતી.


