ગુજરાતમાં બનતી મોટાભાગની ઘટનાઓ પર ટીવી ચેનલો અને યુટ્યુબ ચેનલો પર આવીને જ્ઞાન આપવા માટે જાણીતા ‘પત્રકાર’ જગદીશ મહેતા (Jagdish Mehta) વિવાદમાં સપડાયા છે. તેમણે નિર્ભય ન્યૂઝ નામની એકાદ યુટ્યુબ ચેનલ પર વાતચીત દરમિયાન આદિવાસી સમુદાય (Tribal Community) વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ થઈ રહ્યો છે. વિરોધ બાદ રેલો આવતાં જગદીશ મહેતાએ માફી માંગી લીધી હતી.
નિર્ભય ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર ગુજરાતના રાજકારણ વિશે ચર્ચા દરમિયાન વખતે જગદીશ મહેતાએ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીને ટાર્ગેટ કરવા જતાં આદિવાસી સમુદાય પર ટિપ્પણી કરી હતી.
મહેતા કહે છે, “અમરસિંહ ચૌધરીના દીકરા તુષાર ચૌધરીમાં ક્યાંય આદિવાસીપણું લાગે છે ખરું? કોઈ એન્ગલથી આદિવાસી દેખાય છે? તમે એનાં મકાન જુઓ, એની પ્રોપર્ટી જુઓ, રહેણીકરણી જુઓ… ક્યાં આદિવાસી કાળા-ભમ્મર, હાથમાં તીર-કામઠાં, પહેરવા અડધાં વસ્ત્રો, ઉઘાડા પગ માથાં પર જુઓ તો ફાળિયું બાંધેલું, જંગલમાં રહે, જાનવરો સાથે જીવ સટોસટ લડવાનું…ક્યાં એ આદિવાસી અને ક્યાં આ ભાઈ? આમાં ક્યાંય મેળ પડે આદિવાસીનો?”
આગળ મોહનદાસ ગાંધીનો ઉલ્લેખ કરીને કહે છે કે તેઓ પણ સૂટ-બુટ પહેરીને ફરી શક્યા હોત, પણ તમારે લોકોની સમસ્યા જાણવી હોય, તેમની વચ્ચે રહેવું હોય તો તેમના જેવા બનવું પડે. આગળ તુષાર ચૌધરીનો ફરી ઉલ્લેખ કરીને જગદીશ મહેતા કહે છે કે, “કોઈ એન્ગલથી એને અને આદિવાસીને હજાર ગાઉંનું છેટું. તેના બંગલા જુઓ. તેના બંગલા, ગાડીના ફોટા પાડીને પૂછવું જોઈએ કે આને આદિવાસી કહેવાય? આવા આદિવાસી હોય તો ભગવાન અમને આદિવાસી બનાવે, હું તો એમ કહું.”
આ વાતચીત દરમિયાન હોસ્ટ ‘પત્રકાર’ ગોપી મણિયાર ઘાંઘર પર ક્યાંય જગદીશ મહેતાને અટકાવતાં જોવા મળ્યાં નથી અને હા-હા કરતાં જાય છે. વિવાદ બાદ તેમના તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી હોવાનું આ પ્રકાશિત થઈ રહ્યું છે ત્યાં સુધીમાં ધ્યાને આવ્યું નથી.
છોટાઉદેપુરમાં જગદીશ મહેતા વિરુદ્ધ કાયદેસર ફરિયાદ
આવી આપત્તિજનક ટિપ્પણીઓનો સોશિયલ મીડિયા પર ખૂબ વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ છોટાઉદેપુરના બોડેલીમાં આદિવાસી સમુદાય દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદન આપીને કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

‘સમસ્ત આદિવાસી સમાજ’ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં પોલીસ ઇન્સ્પેક્ટરને સંબોધીને જણાવવામાં આવ્યું હતું કે, ડિબેટમાં જગદીશ મહેતાએ કરેલી ટિપ્પણીના કારણે સમગ્ર આદિવાસી સમાજના લોકોનાં અપમાન અને લાગણી દુભાઈ છે અને તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. તેમણે મહેતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવા માટે માંગ કરી હતી.
બોડેલીના આદિવાસી સમુદાયના આગેવાન ઉમેશ રાઠવાએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “નિર્ભય ન્યૂઝ નામની યુટ્યુબ ચેનલમાં એક ડિબેટ દરમિયાન પત્રકાર જગદીશ મહેતાએ આદિવાસી સમુદાયને ટાર્ગેટ કરીને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી, જેના વિરોધમાં બોડેલી પોલીસ મથકે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. રાજકારણ પર કોઈ ગમે તે ટિપ્પણીઓ કરે, પરંતુ તેમાં કોઈ સમુદાયને ઘસડવો ન જોઈએ. અમારી પોલીસ અને તંત્ર સમક્ષ માંગ છે કે આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરીને એક દાખલો બેસાડવામાં આવે, જેથી ભવિષ્યમાં આદિવાસી કે અન્ય કોઈ પણ સમુદાય પર આ પ્રકારની ટિપ્પણીઓ કરવામાં ન આવે.”
સોશિયલ મીડિયા પર પણ પત્રકારનો ખાસ્સો વિરોધ થઈ રહ્યો છે.
આવી સડકછાપ પત્રકારત્વ બંધ કરો
— SKY ? (@AakashRathva31) July 22, 2025
તુષાર ચૌધરી ટાર્ગેટ કરતા કરતા આખા આદિવાસી સમાજ વિશે ટીપ્પણી કરી નાખી તથાકથિત જનર્લીસ્ટ જગદીશ મહેતા એ માફી માંગવી પડશે@gopimaniar @nirbhaynews1 @AnantPatel1Mla @dhaval241086 @TusharAmarsinh1 @devanshijoshi71 pic.twitter.com/UzFMmZZrdm
વિરોધ બાદ જગદીશ મહેતાએ માફી માંગી, પણ વિરોધ કરનારાઓ પર જ લગાવી દીધો સમજફેરનો આરોપ
વિરોધ બાદ જગદીશ મહેતાએ માફી માંગી લીધી છે. નિર્ભય ન્યૂઝે એક ક્લિપ અપલોડ કરી છે, જેનું શીર્ષક છે– ‘જગદીશ મહેતાએ આદિવાસી સમાજની માફી માંગી.’
ક્લિપમાં જગદીશ મહેતાએ કહ્યું, “બે-ત્રણ દિવસ પહેલાં નિર્ભય ન્યૂઝની એક ડિબેટ પર મેં કહ્યું હતું કે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને આદિવાસીના નેતા બનાવ્યા તેમાં હું આદિવાસીઓનું ભલું જોતો નથી. જો કોંગ્રેસ કે કોઈ પણ પક્ષે આદિવાસીઓને સુખી કરવાની ઈચ્છા રાખી હોત તો એવા લોકોને આગળ કરવા જોઈતા હતા, જે હજુ દુઃખી છે અને એ દુઃખી કેવા પ્રકારના છે તે દર્શાવવા માટે મેં કહ્યું હતું કે હજારો આદિવાસીઓ હજુ એવા છે, જેઓ જંગલમાં જીવે છે, ઉઘાડા પેજ તીર-કામઠાં લઈને ફરે છે, કપડાં ઓછાં પહેરવા મળે છે અથવા કાળા-ભમ્મર છે. એ કોઈ વાનની ટીકા ન હતી, તેમની ગરીબી કેવા પ્રકારની છે, હજુ એ કેટલા વંચિત છે, તેમને વિકાસની કેટલી અધૂરપ છે એ દર્શાવવા માટે કહ્યું હતું.”
આગળ કથિત પત્રકાર કહે છે કે, “મેં કહ્યું હતું કે તમે તુષાર ચૌધરીને જુઓ, કોઈ એન્ગલથી તેઓ આદિવાસી લાગે છે? ખરા આદિવાસી તો આ લોકો છે, જેઓ હજુ મુશ્કેલીમાં જીવે છે. આ મારો કહેવાનો આશય એ હતો કે કોઈ પણ રાજકીય પક્ષ આદિવાસી સમાજનું ભલું ઇચ્છતા હોય તો તેમણે જે લોકો હજુ ગરીબીમાં જીવે છે તેવા લોકોને આગળ લાવવાની જરૂર છે.”
માફી માંગતા અંતે ઉમેર્યું, “…તેમ છતાં જેટલા આદિવાસી આગેવાનો, ભાઈઓ-બહેનોને લાગ્યું હોય કે મેં આદિવાસીઓની ટીકા કરી છે કે તેમને વિનમ્રતાપૂર્વક કહેવું છે કે સમજણફેર તમારી છે. ટીકા કરે શું કામ?આદિવાસી સાથે અમારે કોઈ વૉટબેન્કનો પ્રશ્ન નથી. અમે પત્રકાર છીએ, અમારે શું મતલબ હોય? આમ છતાં કોઈને લાગતું હોય કે તેમની લાગણી દુભાઈ હોય તો હું ક્ષમાયાચના કરું છું.”
ઉલ્લેખનીય છે કે આ ક્લિપમાં પણ જગદીશ મહેતા માફી તો માંગે છે પણ પોતાનો કક્કો ખરો કરવાના પ્રયાસ કરીને વિરોધ કરનારાઓ પર જ સમજફેરનો આરોપ લગાવી દે છે. બીજું, જનજાતીય સમુદાય હજુ અભાવમાં જીવતો હોવાનો એજન્ડા પણ આડકતરી રીતે ચલાવી દે છે, જ્યારે હકીકત એ છે કે સમય સાથે ગુજરાતનો દરેક વિસ્તાર, દરેક સમુદાય આગળ આવી રહ્યો છે.


