ઓડિશાના (Odisha) પુરીમાં (Puri) એક ગંભીર ઘટના સામે આવી છે, એક 15 વર્ષીય સગીરાને ત્રણ ઇસમોએ પકડીને બાંધીને પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી, જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. ઘટના બાદ સ્થાનિકોએ તેને હોસ્પિટલ પહોંચાડી હતી, જ્યાં તેની સારવાર હાલ ચાલી રહી છે. બીજી તરફ, આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી, જેના આધારે ગુનો દાખલ કરીને પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનામાં ઉપમુખ્યમંત્રી પ્રવતિ પરીદાએ કડક તપાસના આદેશો આપ્યા છે.
ઘટના શનિવારે (19 જુલાઈ) સવારે પુરીના બલાંગા વિસ્તારમાં આવેલા એક ગામમાં બની હતી. સગીરા વહેલી સાવરે 8:30 વાગ્યાના અરસામાં મિત્રના ઘરે જવા માટે નીકળી હતી ત્યારે ત્રણ ઈસમોએ તેનો પીછો કરીને એક નદીના કિનારે અવાવરુ જગ્યાએ પકડી લીધી હતી. આરોપો અનુસાર, ત્યારબાદ આ ઇસમોએ સગીરાને પકડીને બાંધીને પેટ્રોલ છાંટી દીધું હતું અને પછીથી આગ ચાંપી દીધી હતી.
ગંભીર રીતે દાઝી ગયેલી સગીરાએ બૂમાબૂમ કરતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા, જેના કારણે આરોપીઓ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. સ્થાનિકોએ સગીરાને તાત્કાલિક નજીક હોસ્પિટલ ખસેડી હતી, જ્યાંથી ભુવનેશ્વર AIIMSમાં રિફર કરવામાં આવી, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું કે, ઘટનામાં સગીરા 40%થી વધારે દાઝી ગઈ છે. જોકે હાલ તેની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પરિવારે કોઈ દુશ્મનાવટ કે પ્રેમના એન્ગલનો પણ ઇનકાર કર્યો છે. આરોપીઓની ઓળખ હજુ થઈ શકી નથી, જેમને હાલ પોલીસ શોધી રહી છે.
ઘટનામાં ઓડિશાનાં ઉપમુખ્યમંત્રી પ્રવતી પરિદાએ તપાસના આદેશો આપ્યા છે. એક્સ પર પોસ્ટ કરીને તેમણે લખ્યું, “બલંગા જિલ્લામાં અમુક બદમાશોએ જાહેરમાં પંદર વર્ષીય સગીરાને આગ લગાવી દીધી હોવાનું જાણીને દુઃખી અને સ્તબધ છું. પીડિતાને તરત ભુવનેશ્વરની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેની સારવારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. પોલીસ પ્રશાસનને દોષીઓને તરત પકડીને કડક કાર્યવાહી કરવાના નિર્દેશો આપવામાં આવી ચૂક્યા છે.”
ବଳଙ୍ଗା ଅଂଚଳ ରେ କିଛି ଦୁର୍ବୁତ୍ତ ଏକ ପନ୍ଦର ବର୍ଷୀୟା ଝିଅ କୁ ରାସ୍ତା ରେ ପେଟ୍ରୋଲ ଢାଳି ନିଆଁ ଲଗାଇଦେବା ଖବର ଶୁଣି ମୁଁ ବ୍ୟଥିତ ଓ ମର୍ମାହତ। ଝିଅ କୁ ଭୁବନେଶ୍ୱର ସ୍ଥିତ AIIMS ହସ୍ପିଟାଲ କୁ ତୁରନ୍ତ ସ୍ଥାନାନ୍ତରିତ କରାଯାଇଛି ଓ ତାହାର ଚିକିତ୍ସା ର ସମସ୍ତ ବ୍ୟବସ୍ଥା କରାଯାଉଛି। ଚିକିତ୍ସା ର ସମସ୍ତ ଖର୍ଚ୍ଚ ସରକାର ବହନ କରିବେ।…
— Pravati Parida (@PravatiPOdisha) July 19, 2025
બાલાસોરમાં કોલેજની વિદ્યાર્થિનીએ કર્યો હતો આત્મદાહ
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં ઓડિશાના જ બાલાસોરમાં એક કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીએ કેમ્પસમાં જ આત્મદાહનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. ત્યારબાદ તેને હૉસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ બચાવી શકાઈ ન હતી અને થોડા દિવસની સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા હતા. તેના મૃત્યુથી રાજ્યભરમાં શોક વ્યાપી ગયો અને ઠેરઠેર ન્યાયની માંગ ઉઠી હતી.
યુવતીએ કૉલેજના જ એક અધ્યાપક વિરુદ્ધ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો અને તેની ફરિયાદ પર કોઈ કાર્યવાહી ન થતાં આ પગલું ભર્યું હતું. ઘટના બાદ આરોપી શિક્ષક અને પ્રિન્સિપાલની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ઘટના હજુ તાજી છે ત્યાં ઓડિશામાં જ અન્ય એક ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે, જેની તપાસ હાલ ચાલી રહી છે.


