ઓડિશામાં વિદ્યાર્થિનીએ કોલેજ કેમ્પસમાં કર્યો આત્મદાહનો પ્રયાસ: યૌનશોષણની ફરિયાદ પર કાર્યવાહી ન થતાં પગલું ભર્યું હોવાના અહેવાલ, આરોપી શિક્ષકની ધરપકડ

ઓડિશાના બાલાસોરમાં એક કોલેજના કેમ્પસમાં એક વિદ્યાર્થિનીએ આત્મદાહનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ. વાસ્તવમાં તેણે એક શિક્ષક વિરુદ્ધ યૌનશોષણની ફરિયાદ કરી હતી. સંભવતઃ કાર્યવાહી ન થવાના કારણે તેણે આ પગલું ભર્યું હોય શકે. 

આત્મદાહ કરવા જતાં વિદ્યાર્થિની 90% જેટલી દાઝી ગઈ હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે. તેને બચાવવા જતાં એક વિદ્યાર્થી પણ દાઝી ગયો હતો. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. યુવતીની હાલત ગંભીર છે. 

મામલો ફકીર મોહન કોલેજનો છે. વિદ્યાર્થિની અહીં બીએડનો અભ્યાસ કરી રહી હતી. સહપાઠીઓનું કહેવું છે કે તે ઘણા સમયથી માનસિક તણાવમાં હતી. કારણ એ હતું કે HoD દ્વારા સતત હેરાન કરવામાં આવી રહી હતી. તે અઘટિત માંગણીઓ કરતો હતો અને જો નહીં માને તો અભ્યાસમાં નુકસાન કરવાની ધમકીઓ આપતો હતો. 

આ મામલે વિદ્યાર્થિનીએ કોલેજ પ્રિન્સિપાલ અને સ્થાનિક પોલીસ બંનેને ફરિયાદ કરી હોવાનું કહેવાય છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી. આ મામલે એક આંતરિક સમિતિ પણ બનાવવામાં આવી હતી, પણ તેનો પણ કોઈ વધુ ફેર ન પડ્યો. 

ઘટનાના દિવસે પીડિત કોલેજ પ્રિન્સિપાલને મળવા માટે જ ગઈ હતી. ત્યારબાદ તેણે આ પગલું ભર્યું. ઘટનાને પગલે ઓડિશાના શિક્ષણ વિભાગે કાર્યવાહીના આદેશ આપ્યા હતા અને આરોપી HoDની ધરપકડ કરી લેવામાં આવી હતી. પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ માટે સરકારે એક ટીમ પણ બનાવી છે, જે તપાસ કરીને રિપોર્ટ સોંપશે.