ઓરિસ્સા હાઇકોર્ટે (Orissa High Court) 1 જુલાઈ 2025ના રોજ બહુચર્ચિત ચાંદીપુર જાસૂસી કેસમાં (Chandipur Espionage Case) બસંત કુમાર બેહેરા નામના આરોપીના જામીન મંજૂર કર્યાં છે. તેના પર DRDOની બાલાસોરના ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) ખાતે મિસાઈલ પરીક્ષણથી સંબંધિત ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડવાનો આરોપ છે. જસ્ટિસ જી. સતપથીની એકલ ખંડપીઠે આ નિર્ણય આરોપીની લાંબી અટકાયત, ટ્રાયલમાં વિલંબ અને બંધારણીય અધિકારોના રક્ષણને જેવી બાબતોને ધ્યાને રાખીને લીધો છે.
જસ્ટિસ ગૌરીશંકર સતપથીએ જામીન આદેશ આપતા કહ્યું છે કે, બેહેરા લગભગ ચાર વર્ષથી જેલમાં અન્ડરટ્રાયલ કેદી તરીકે છે અને ટ્રાયલ હજુ પૂર્ણ થવાની બાકી છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે, “જો રાજ્ય આરોપીને ઝડપી ટ્રાયલ પૂરી પાડવામાં અસમર્થ હોય તો તે ગુનાની ગંભીરતાના આધારે જામીનનો વિરોધ ન કરી શકે. ભારતના બંધારણની કલમ 21 હેઠળનો ઝડપી ટ્રાયલનો અધિકાર ગુનાની પ્રકૃતિથી નિરપેક્ષ છે.”
સાથે કોર્ટે એવું પણ કહ્યું છે કે, બેહેરાને અગાઉ બે વખત વચગાળાના જામીન (એક વખત તેની માતાના અવસાન અને બીજી વખત લગ્ન માટે) આપવામાં આવ્યા હતા અને બંને વખતે તેણે જામીનની શરતોનું પાલન કર્યું હતું, જેમાં પોલીસ સ્ટેશનમાં નિયમિત હાજરી આપવી અને કોઈ અનધિકૃત પ્રવૃત્તિમાં સામેલ ન થવું સામેલ છે. કોર્ટે એ પણ જણાવ્યું કે ટ્રાયલમાં 28માંથી 19 સાક્ષીઓની પૂછપરછ થઈ ચૂકી છે, પરંતુ ટ્રાયલની પૂર્ણાહુતિ હજુ દૂર દેખાય છે, જે આરોપીના ઝડપી ન્યાયના અધિકારનું ઉલ્લંઘન કરે છે.
આરોપી બેહેરા પર ભારતીય દંડ સંહિતાની કલમ 120-B (ગુનાહિત કાવતરું), 121 (ભારત સરકાર સામે યુદ્ધ માટે ઉશ્કેરણી ), 121-A (121 હેઠળના ગુના માટે કાવતરું) અને 34 (સામાન્ય ઇરાદાથી કરવામાં આવેલા કૃત્યો), કલમ 3 (જાસૂસી માટે દંડ), 4 (ચોક્કસ ગુનાઓના પુરાવા તરીકે વિદેશી એજન્ટો સાથે વાતચીત) અને કલમ 5 (ખોટી વાતચીત, ઉપયોગ, જાળવણી અથવા સત્તાવાર માહિતીને સુરક્ષિત રાખવામાં નિષ્ફળતા) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગયા વર્ષે બેહેરાએ નિયમિત જામીન માટે ઓરિસ્સા હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. તેના વકીલે દલીલ કરી હતી કે, તપાસ અધિકારીઓ સંરક્ષણ રહસ્યોના કથિત લીક સાથે આરોપીને સીધી રીતે જોડતા કોઈ નિર્ણાયક પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા છે. વધુમાં રાજ્ય તરફથી ગુનો ગંભીર હોવાની વાત પણ કહેવામાં આવી હતી. જે બાદ કોર્ટે કહ્યું હતું કે, “ગુનાની ગંભીરતા એકમાત્ર માપદંડ ન હોય શકે. આરોપીની લાંબી અટકાયત અને ટ્રાયલની ધીમી ગતિ એ બંધારણીય અધિકારોનું હનન છે.”
કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, જો આરોપી જામીનની શરતોનું ઉલ્લંઘન કરે તો રાજ્ય તેના જામીન રદ કરવા માટે અરજી કરી શકે છે. કોર્ટના આદેશ મુજબ, બેહેરાને બે નક્કર જામીનદારો સાથે 5 લાખ રૂપિયાના જામીન બોન્ડ અને છ મહિના માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પખવાડિયામાં હાજરી અને પરવાનગી વિના ટ્રાયલ કોર્ટના અધિકારક્ષેત્ર છોડવા પર પ્રતિબંધ સહિત અનેક શરતોનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
શું હતો કેસ?
ITRમાં કોન્ટ્રાક્ટ એસી ઑપરેટર તરીકે કામ કરતા બેહેરાની સપ્ટેમ્બર 2021માં ધરપકડ કરવામાં આવી હતી. હનીટ્રેપનો ભોગ બન્યા બાદ પાકિસ્તાની હેન્ડલર માટે જાસૂસી કરવાના આરોપી ઘણા લોકોમાં તે પણ સામેલ હતો. આ કેસની તપાસ પહેલા ઓડિશા પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને બાદમાં રાજ્ય ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. હાલમાં તેની સુનાવણી બાલાસોરની ત્રીજી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી રહી છે.
ન્યાયાધીશે કહ્યું છે કે, આરોપો ગંભીર હોવા છતાં ટ્રાયલ હજુ આગળ વધી શકી નથી અને સચિન કુમાર છતા અને તાપસ રંજન નાયક જેવા અન્ય આરોપીઓને પહેલાં જ જામીન મળી ચૂક્યા છે. કોર્ટે નોંધ્યું કે, બંધારણની કલમ 21 હેઠળ કોઈ વ્યક્તિને ફક્ત એટલા માટે જેલમાં રાખી શકાય નહીં કારણ કે કેસ ગંભીર છે.


