હોમપેજગુજરાત‘પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન જોઇન્ટ તૂટવાના લીધે…’: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પ્રાથમિક તપાસમાં...

‘પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન જોઇન્ટ તૂટવાના લીધે…’: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પ્રાથમિક તપાસમાં જણાવાયું કારણ– સમજો આ બંને શું છે, તૂટવા પાછળ શું કારણ હોય શકે

પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન બ્રિજના બે નાના પણ બહુ અગત્યના ભાગો છે. તે તૂટી પડવાના કારણે પુલ તૂટી પડ્યો હતો તેવું પ્રાથમિક અહેવાલમાં જણાવવામાં આવી રહ્યું છે. 

- Advertisement -

તાજેતરમાં સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતને જોડતો વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજ (Gambhira Bridge) તૂટી પડતાં 18 વ્યક્તિઓનાં કરુણ મોત નીપજ્યાં. આ ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક સમિતિ નીમવામાં આવી હતી, જેની પ્રાથમિક તપાસમાં પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન ક્રશિંગના કારણે ઘટના બની હોવાનું કહેવામાં આવ્યું છે. 

આમ તો આ સમિતિ વિગતવાર તપાસ કરીને તમામ કારણોની તલસ્પર્શી ચકાસણી કરશે, પરંતુ પ્રાથમિક અનુમાન આ પ્રકારનું છે. વિસ્તૃત રિપોર્ટ 30 દિવસમાં સુપરત કરવા માટે રાજ્ય સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે. આ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તે પહેલાં સરકાર ચાર ઇજનેરોને બરતરફ કરી ચૂકી છે. 

પેડેસ્ટલ શું છે? 

પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન બ્રિજના બે નાના પણ બહુ અગત્યના ભાગો છે. તે તૂટી પડવાના કારણે પુલ તૂટી પડ્યો હતો તેવું પ્રાથમિક અહેવાલમાં જણાવવામાં આવી રહ્યું છે. 

- Advertisement -

પેડેસ્ટલ એ બ્રિજના થાંભલા પર આવેલા એક નાના કોંક્રિટ બ્લૉક હોય છે. એક એવું પ્લેટફોર્મ જે બ્રિજને તેના પિલર સાથે જોડે છે. જોકે બહારથી આ ભાગ દેખાતો નથી, એટલે બહારથી જોતાં પિલર જ છેક સુધી ઊભો હોય તેવું લાગી શકે, પણ પિલરની ઉપર નાનકડો કોંક્રિટ બ્લૉક હોય છે, જેને પેડેસ્ટલ કહેવાય છે. 

તેનું મૂળ કામ બ્રિજ બેરિંગને જકડી રાખવાનું છે. તે બેરિંગ માટે એક ફ્લેટ લેવલ સરફેસ પણ તૈયાર કરી આપે છે. ઉપરાંત તે ઉપરથી નીચે સુધી બ્રિજનું વજન પણ સરખા ભાગે વહેંચવાનું કામ કરે છે. વજનદાર સપાટી અને મજબૂત પાયા વચ્ચે એક ગાદી મૂકી દઈએ એ રીતે. બ્રિજને સ્થિર રાખવામાં પેડેસ્ટલનું કામ બહુ અગત્યનું હોય છે. 

આર્ટિક્યુલેશન શું છે? 

આર્ટિક્યુલેશન એટલે બેરિંગ કે જોઇન્ટ. બ્રિજના ડેક અને પેડેસ્ટલ વચ્ચે તેનું સ્થાન હોય છે. બ્રિજને સ્થિતિસ્થાપકતા આપવાનું મૂળ કામ આ બેરિંગનું છે. સુરક્ષામાં પણ તેની ભૂમિકા અવગણી ન શકાય. 

બ્રિજ પર ટાઢ-તાપની અસર થાય એ જાણીતી બાબત છે. તાપમાં બ્રિજ થોડો વિસ્તરે છે અને ઠંડીમાં અવળું થાય છે. ઉપરાંત મોટાં-વજનદાર વાહનો પસાર થાય ત્યારે ધ્રુજારી ઉત્પન્ન થાય કે થોડો વળે છે. આ ફેરફારો એવા હોતા નથી કે નરી આંખે જોઈ શકાય, પણ વૈજ્ઞાનિક રીતે સતત થતા રહે છે. આ પરિસ્થિતિમાં બ્રિજ અત્યંત સજ્જડ બનાવી દેવામાં આવે તો તૂટી શકે, કારણ કે આ ફેરફારો ન થઈ શકે. અહીં બેરિંગનું કામ પડે છે. 

બ્રિજ અને તેના થાંભલા વચ્ચે આર્ટિક્યુલેશન કે બેરિંગ હોય છે, જે સ્થિતિસ્થાપકતા આપે છે. તે આગળ-પાછળ અને ઉપર-નીચે ખસી શકે તેમ હોય છે. જ્યારે ટ્રાફિક વધારે હોય ત્યારે ધ્રુજારી ઉત્પન્ન થાય તેને પણ તે સાચવી શકે છે. માનવ શરીરનું ઉદાહરણ લઈએ તો તેને ઘૂંટણના જોઇન્ટ સાથે સરખાવી શકાય. એ જ રીતે આર્ટિક્યુલેશન એ બ્રિજનો જોઇન્ટ છે. 

જો આર્ટિક્યુલેશન તૂટે તો તિરાડો પડી શકે અને વધુ નુકસાન થાય તો બ્રિજ પડી શકે છે. જે આ કિસ્સામાં થયું હતું. 

રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હોવાનું કહેવાય છે કે પેડેસ્ટલ અને જોઇન્ટ ક્રશ થઈ ગયાં હતાં. જ્યારે આ બંને તૂટે ત્યારે બ્રિજ તૂટી જ પડે એ વિજ્ઞાન છે. 

બ્રિજ તૂટવા પાછળ શું કારણો હોય શકે? 

પેડેસ્ટલ અને બેરિંગ તૂટવા પાછળ કારણો ઘણાં હોય શકે અને વિસ્તૃત તપાસમાં સામે આવશે, પરંતુ નબળી ગુણવત્તાનું બાંધકામ એક મોટું કારણ હોવાની શક્યતા છે. બાંધકામ દરમિયાન મટિરિયલ સરખું વાપરવામાં ન આવ્યું હોય તો પેડેસ્ટલ કે બેરિંગ બરાબર કામ ન કરી શકે. ખામી ડિઝાઇનિંગમાં પણ હોય શકે. જેમકે પેડેસ્ટલનું પણ બ્રિજ પ્રમાણે કદ હોય છે. એ જ રીતે બેરિંગના પણ પ્રકારો હોય છે. 

ઓવરલોડિંગ પણ કારણ હોય શકે. બ્રિજની ક્ષમતા કરતાં વધુ વજનવાળાં વાહનો પસાર થયા કરે અને સતત વાહન પડે તો દબાણ વધી શકે છે. આ કિસ્સામાં જોકે આ બાબત વધુ કારણભૂત હોય તેમ લાગતું નથી. બ્રિજ સેંકડો વર્ષો જૂનો હોય એવું પણ નથી, ઉપરાંત ઓવરબ્રિજ જેવાં બાંધકામો પાંચ-દસ નહીં સો વર્ષ માટે થતાં હોય છે. સો વર્ષ સુધીના વાહનવ્યવહારને જોઈને જ નિર્માણ કરવામાં આવ્યું હોય. આ બ્રિજ 1986માં બન્યો હતો.

બરાબર મેન્ટેનન્સ ન થવું એ પણ એક મોટું કારણ હોય શકે. બ્રિજ બની ગયા પછી પણ તેનું નિયમિત ચેકઅપ થવું આવશ્યક છે. જો તિરાડો, કાટ વગેરેને અવગણવામાં આવે તો લાંબા ગાળે બ્રિજને નુકસાન થવું સ્વાભાવિક છે. મેન્ટેનન્સ કામમાં પણ ગુણવત્તા જળવાવી જરૂરી છે. 

અહીં ઉલ્લેખ કરવો રહ્યો કે ગંભીરા બ્રિજ જર્જરિત હાલતમાં છે તેવી ફરિયાદો ભૂતકાળમાં સ્થાનિકો ઘણી વખત કરી ચૂક્યા હતા અને અધિકારીઓના ધ્યાન પર પણ લાવવામાં આવ્યું હતું. જોકે અધિકારીઓએ ગત વર્ષે સમારકામ પણ કરાવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પણ એ કામ કેવું હતું અને કામ થયા છતાં કેમ બ્રિજ તૂટ્યો એ વિગતવાર તપાસ પછી જ જાણવા મળશે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં