વક્ફ કાયદાની (Waqf Act) અમર્યાદિત સત્તાઓને રોકવા માટે કેન્દ્રની મોદી સરકારે વક્ફ સુધારા બિલ રજૂ કર્યું, જે સંસદના બંને ગૃહોમાં પસાર થઈ ગયું છે. હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ તે કાયદો બનશે. દરમિયાન, મુસ્લિમોના (Muslims) વિરોધને (Protest) લઈને સરકારો સતર્ક જોવા મળી રહી છે. ખાસ કરીને તાજેતરના ભૂતકાળમાં રામનવમી પર હિંદુઓ વિરુદ્ધ થયેલી હિંસાને (Violence Against Hindus) ધ્યાનમાં લેતા આ તકેદારી જરૂરી છે. કારણ કે, આ વખતે પણ રામનવમી પર હિંસા ભડકી શકે છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે પોલીસ કર્મચારીઓની રજા રદ કરી છે. તેમને સેવામાં પરત ફરવાનું કહેવામાં આવ્યું છે. હકીકતમાં, મુસ્લિમોના મજહબી નેતાઓથી લઈને મુસ્લિમ સંગઠનોના વડાઓ સુધીના દરેક વ્યક્તિ વક્ફ બિલ વિશે અફવાઓ ફેલાવી રહ્યા છે અને એક રીતે તેઓ મુસ્લિમોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો ધમકી પણ આપી છે કે કૃષિ કાયદાની જેમ આ પણ પાછું ખેંચવું પડશે.
વકફ સુધારા બિલ પર ચર્ચા દરમિયાન તેલંગાણાની રાજધાની હૈદરાબાદના સાંસદ અને AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ગૃહમાં બિલની નકલ ફાડી ચૂક્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ બિલ દ્વારા સરકાર ફક્ત મુસ્લિમોની મિલકતો જ નહીં પરંતુ તેમના મજહબી સ્થળો – મસ્જિદો, દરગાહ, કબ્રસ્તાન વગેરે પણ કબજે કરશે. તેમણે આ બિલનો આકરો વિરોધ કરવાની વાત પણ કરી હતી.
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વધુમાં કહ્યું હતું કે, “આ બિલ મુસ્લિમો સાથે અન્યાય છે. આ એક જંગની જાહેરાત છે. અમારા મદરેસાઓ અને મસ્જિદોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ બિલ દ્વારા મુસ્લિમોના અધિકારો છીનવી લેવામાં આવી રહ્યા છે. તેના દ્વારા મુસ્લિમોને બીજા વર્ગના નાગરિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.”
ઇસ્લામી નેતા ઇસહાક ગોરાએ કહ્યું હતું કે, આ બિલ મુસ્લિમોની ધાર્મિક સ્વતંત્રતા અને કાનૂની અધિકારો પર સીધો હુમલો છે. તેનાથી મુસ્લિમોની વક્ફ મિલકતો પર સરકારી નિયંત્રણ આવશે. ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના (AIMPLB) પ્રવક્તા સૈયદ કાસિમ રસૂલ ઇલ્યાસે કહ્યું હતું કે, “જો બિલ પસાર થશે તો અમે તેની સામે દેશવ્યાપી આંદોલન શરૂ કરીશું. અમે ચૂપ બેસીશું નહીં.”
આ સાથે જ જમિયત ઉલેમા-એ-હિંદે આ બિલને બહુમતીવાદી માનસિકતા ધરાવતું ગણાવ્યું છે. સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ કહ્યું છે કે, સરકાર આ બિલને બળજબરીથી સંસદમાં લાવી છે. જમિયત ઉલેમા-એ-હિંદ મુંબઈના પ્રમુખ મૌલાના સિરાજ ખાને તો ધમકી પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે, “સરકાર ધ્યાનથી સાંભળી લે, અમને જેલ જવાનો ડર નથી.”
સિરાજે કહ્યું હતું કે, “જો સરકાર અમારી કોઈપણ બાબતમાં દખલ કરશે તો અમે જેલોને આબાદ કરીશું. અમે અમારી આઝાદી માટે કંઈ પણ કરવા તૈયાર છીએ. અમે અમારા નબીએ જે રીતે જીવવાનું કહ્યું છે તે રીતે જીવવાનો પ્રયાસ કરીએ છીએ. દિલ્હીના શાહીન બાગની જેમ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં પણ શાહીન બાગની જેમ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.”
શાહીન બાગની જેમ હિંસા ભડકાવવાના પ્રયાસ
મુસ્લિમ નેતાઓ અને મૌલાનાઓ જે રીતે નિવેદનો આપી રહ્યા છે, તે ભડકાઉ છે. જે રીતે નાગરિકતા સુધારા બિલ અંગે અફવા ફેલાવવામાં આવી હતી કે CAA અને NRC કાયદા દ્વારા મુસ્લિમોની નાગરિકતા છીનવી લેવામાં આવશે. તે જ રીતે વકફ બિલ અંગે પણ અફવાઓ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સરકાર મુસ્લિમોની મિલકતો, મસ્જિદો અને દરગાહો પર કબજો કરશે.
જો મુસ્લિમ નેતાઓથી લઈને ઇસ્લામી મજહબી નેતાઓના નિવેદનો પર નજર કરવામાં આવે તો તેઓ વકફ સુધારા બિલ અંગે અફવાઓ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી તેઓ મુસ્લિમોને ભ્રમિત કરી શકે અને તેમનું મહત્તમ સમર્થન મેળવી શકે. નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) અંગે પણ આવી જ અફવાઓ ફેલાવવામાં આવી હતી.
તે સમયે બધા નેતાઓએ પણ એવું જ કર્યું હતું. જેલમાં બંધ શરજીલ ઇમામે જામિયાથી લઈને દેશના અન્ય ભાગોમાં આ અંગે અફવાઓ ફેલાવી હતી. શરજીલ ઇમામે પેમ્ફ્લેટ છાપીને ઘણી મસ્જિદો અને યુનિવર્સિટીઓમાં વહેંચાવ્યાં હતા અને પોતે પણ તેનો પ્રચાર કર્યો હતો. પેમ્ફલેટમાં લખ્યું હતું કે, મુસ્લિમોએ નાગરિકતા સુધારો અધિનિયમ અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરનો (CAA-NRC) વિરોધ કરવો જોઈએ.
આ પેમ્ફ્લેટમાં બધા મુસ્લિમોને સાથે આવીને વિરોધ કરવા અપીલ કરવામાં આવી હતી. મુસ્લિમોને ઉશ્કેરવા માટે તેમાં કાશ્મીરથી લઈને બાબરી માળખા સુધીની દરેક બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં લખ્યું હતું કે, પહેલાં કાશ્મીર, પછી બાબરી મસ્જિદ અને હવે CAA થયું. આ પેમ્ફલેટમાં દિલ્હીને ડિસ્ટર્બ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જેથી વિશ્વભરના મીડિયાનું ધ્યાન તેના તરફ ખેંચાય.
આ પેમ્ફલેટના વિતરણના એક દિવસ પછી 15 ડિસેમ્બર 2020ના રોજ ઘણી જગ્યાએ હિંસા ફાટી નીકળી હતી. જેમાં દિલ્હીની જામિયા મિલિયા યુનિવર્સિટીમાં થયેલી હિંસાનો પણ સમાવેશ થાય છે. બાદમાં, CAA-NRCના નામે થયેલા વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા અને આખરે ફેબ્રુઆરી 2020માં પૂર્વ દિલ્હીના ઘણા ભાગોમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી. આ હિંસામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા.
રામનવમી અને હનુમાન જયંતિને લઈને સતર્કતા
શાહીન બાગની જેમ જ વક્ફ સુધારા બિલના વિરોધના નામે દિલ્હી અને અન્ય સ્થળોએ ફરી એકવાર આતંક મચાવવાનો પ્રયાસ થઈ શકે છે. છેલ્લા ઘણા વર્ષોથી રામનવમી પર આયોજનબદ્ધ રીતે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આ હુમલાઓ ફક્ત દિલ્હીમાં જ નથી થઈ રહ્યા, પરંતુ યુપી-બિહાર અને ઝારખંડથી લઈને કર્ણાટક અને મહારાષ્ટ્ર સુધી પણ થઈ રહ્યા છે.
આ વર્ષે પણ કટ્ટરપંથીઓ દ્વારા વક્ફ સુધારા બિલના વિરોધના નામે રામનવમી પર હિંસાની આ પરંપરાને પુનરાવર્તિત કરવાનો પ્રયાસ થઈ શકે છે. મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં મૂર્તિપૂજક હિંદુઓ પર હુમલાની ઘટનાઓ સામાન્ય છે, પરંતુ વર્ષ 2019 પછી રામનવમી અને હનુમાન જયંતિની શોભાયાત્રાઓ પર હુમલાની ઘટનાઓ અણધારી રીતે વધી છે.
નોંધનીય છે કે, 2019નું વર્ષ ભારતીય રાજકારણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું હતું. તે જ વર્ષે 5 ઑગસ્ટના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 કાયમ માટે નાબૂદ કરી દીધી હતી. તેનાથી કેટલાક કટ્ટરપંથીઓના હૃદયમાં ઘા પણ પડ્યા હતા. દરમિયાન, 9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટે લગભગ 140 વર્ષથી પેન્ડિંગ રહેલા અયોધ્યા વિવાદ પર હિંદુઓના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.
આ કટ્ટરપંથીઓ માટે બેવડો ફટકો હતો. હજુ તો એક મહિનો પણ નહોતો થયો ને, 11 ડિસેમ્બર 2019ના રોજ ભારત સરકારે નાગરિકતા સુધારો બિલ (CAA) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) અધિનિયમ પસાર કરી દીધો હતો. આ એક એવો કાયદો હતો જેમાં પડોશી ઇસ્લામી દેશોમાં રહેતા લઘુમતીઓને ભારતમાં નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.
આ અંગે પણ કટ્ટરપંથી મુસ્લિમો અને ભારતવિરોધી શક્તિઓએ મુસ્લિમોને ઉશ્કેરવાનું શરૂ કર્યું હતું કે, તેનાથી મુસ્લિમોની નાગરિકતા છીનવાઈ જશે. આ પછી મોટાપાયે હિંસા શરૂ થઈ ગઈ હતી. રામનવમી જેવી ધાર્મિક શોભાયાત્રાઓ પર હુમલો કરીને પોતાના હૃદયમાં રહેલા ઘાને કટ્ટરપંથીઓને તાજા કર્યા હતા. આ વખતે પણ તે કંઈક આવું જ કરવાનું વિચારી રહ્યા છે. તેને લઈને સાવધાની રાખવાની જરૂર છે.


