Saturday, November 23, 2024
More
    હોમપેજદેશ‘મોદીને મત એ જ અમારા માટે આપની ભેટ’: લગ્નની આમંત્રણ પત્રિકા પર...

    ‘મોદીને મત એ જ અમારા માટે આપની ભેટ’: લગ્નની આમંત્રણ પત્રિકા પર છપાવ્યું તો કર્ણાટક પોલીસે દાખલ કરી દીધી FIR, હાઈકોર્ટે સ્થગિત કરી કાર્યવાહી

    FIR રદ કરતાં હાઇકોર્ટે કહ્યું કે, ફરિયાદી વ્યક્તિને અત્યંત વિચિત્ર પ્રકારના ગુના માટે આરોપી બનાવવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. ગત 11 નવેમ્બરે (સોમવાર) કર્ણાટક હાઈકોર્ટે તમામ કાર્યવાહી પર રોક લગાવી દીધી અને કર્ણાટક રાજ્ય સરકાર અને પોલિંગ ઑફિસરને નોટિસ પણ પાઠવી હતી. 

    - Advertisement -

    કર્ણાટક હાઈકોર્ટે (Karnataka High Court) એક 29 વર્ષીય વ્યક્તિ સામે કરવામાં આવેલી FIR પર કાર્યવાહી સ્થગિત કરી દીધી. FIR થવાનું કારણ એ હતું કે તેમણે લગ્નના આમંત્રણ માટે છપાવેલી પત્રિકા  (Wedding Invitation) પર લખ્યું હતું, ‘નરેન્દ્ર મોદીને મત આપવો એ જ મારા લગ્ન પર આપે આપેલી ભેટ સમાન હશે.’

    FIR રદ કરતાં હાઇકોર્ટે કહ્યું કે, ફરિયાદી વ્યક્તિને અત્યંત વિચિત્ર પ્રકારના ગુના માટે આરોપી બનાવવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. ગત 11 નવેમ્બરે (સોમવાર) કર્ણાટક હાઈકોર્ટે તમામ કાર્યવાહી પર રોક લગાવી દીધી અને કર્ણાટક રાજ્ય સરકાર અને પોલિંગ ઑફિસરને નોટિસ પણ પાઠવી હતી. 

    આ મામલે પત્રિકા છપાવનાર વ્યક્તિ અને જ્યાં તે છપાઈ તે પ્રિન્ટિંગ પ્રેસના માલિક વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. બંને વિરુદ્ધ ગત એપ્રિલ મહિનામાં IPC 188 (જાહેરનામા ભંગનો ગુનો) અને રિપ્રેઝન્ટેશન ઑફ પીપલ એક્ટની કલમ 127A હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, પત્રિકા પર ‘મોદીને મત આપવો એ જ મારા લગ્નની ભેટ હશે’ લખાવીને લોકસભા ચૂંટણી માટે લાગુ આદર્શ આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે. આ મામલે એક ચૂંટણી અધિકારીએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે FIR દાખલ કરી હતી. 

    પત્રિકા 1 માર્ચે છપાઈ, આચારસંહિતા 16 માર્ચે લાગુ થઈ, ગુનો કરી રીતે?- ફરિયાદી

    બીજી તરફ, બચાવમાં ફરિયાદીનું કહેવું છે કે તેમના લગ્નની પત્રિકા 1 માર્ચના રોજ છપાવવામાં આવી હતી, જ્યારે આચારસંહિતા લાગુ ન હતી. આચારસંહિતા 16 માર્ચના રોજ લાગુ કરવામાં આવી હતી અને જે-તે અધિકારીએ લગભગ એક મહિના પછી 19 એપ્રિલના રોજ આ બાબતે ફરિયાદ દાખલ કરાવી હતી. 

    ફરિયાદીએ કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ એમ પણ દલીલ કરી હતી કે, મેજિસ્ટ્રેટ કોર્ટે પણ નિયત પ્રક્રિયા અનુસર્યા વગર અને કોઈ મગજ વાપર્યા વગર અરજદાર અને પ્રિન્ટિંગ પ્રેસના માલિક વિરુદ્ધ FIR દાખલ કરવાના આદેશ આપી દીધા હતા. કારણ કે RP એક્ટ ત્યારે જ લાગુ પાડી શકાય, જ્યારે આદર્શ આચારસંહિતા લાગુ હોય. સાથે એમ પણ કારણ આપવામાં આવ્યું કે મેજિસ્ટ્રેટ CrPCનું પાલન કરવામાં પણ નિષ્ફળ રહ્યા છે, જેથી આ FIR કાયદાથી તદ્દન વિપરીત છે. 

    બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આખરે હાઈકોર્ટે તમામ કાર્યવાહી આગામી સુનાવણી સુધી સ્થગિત કરી દીધી હતી. 

    કોર્ટે કહ્યું કે, “અરજદારે કોર્ટ સમક્ષ રજૂ કરેલા દસ્તાવેજોમાં જણાવ્યું છે કે આમંત્રણ પત્રિકા ચૂંટણી જાહેર થયા પહેલાં જ છપાવી દેવામાં આવી હતી, જેથી RP એક્ટ હેઠળ ગુનો ન ગણી શકાય, કારણ કે એક્ટ ચૂંટણી દરમિયાન જ લાગુ પાડી શકાય છે, ચૂંટણી પહેલાં નહીં. જેથી આગલી સુનાવણી ન થાય ત્યાં સુધી તમામ કાર્યવાહી સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવે છે.”

    આ મામલે 12 ડિસેમ્બરના રોજ આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં