કેરળમાં (Kerala) કોઝિકોડ ખાતે 15 વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કાર (Gang Rape) મામલે પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ 15 વર્ષની બાળકી પર લાંબા સમયથી બળાત્કાર કરતા હતા, જેના કારણે તે 6 માસથી ગર્ભવતી બની હતી. ધરપકડ (Arrested) કરાયેલા આરોપીઓની ઓળખ મોહમ્મદ અનસ, યુસુફ અને મોમેન અલી તરીકે થઈ છે. ત્રણેય આરોપીઓ પીડિતાની માતા સાથે પહેલાથી જ પરિચિત હતા, જેનો ફાયદો ઉઠાવીને તેઓ યુવતીને પોતાની હવસનો શિકાર બનાવતા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના કેરળમાં કોઝિકોડ ખાતે મુક્કમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અહીં 15 વર્ષની બાળકીની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ જણાવ્યું કે તેની પુત્રી હાઈસ્કૂલની વિદ્યાર્થીની છે. તેને કેટલાક દિવસોથી પેટમાં દુખાવો થતો હતો. જ્યારે પીડિતાની માતાએ તેની પુત્રીની સારવાર કરાવી ત્યારે તે 6 માસની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. પૂછપરછ કરવા પર, પુત્રીએ તેની માતાને જણાવ્યું કે તે મોહમ્મદ અનસ, યુસુફ અને મોમેન અલીનો હાથ છે, જેઓ અગાઉથી તેની માતાના પરિચયમાં હતા. તથા લાંબા સમયથી તેના પર સામૂહિક બળાત્કાર ગુજારી રહ્યા હતા.
ત્રણેય ઘણા સમયથી પીડિતા પર બળાત્કાર કરતા હતા. આરોપીઓમાં મોહમ્મદ અનસ અને યુસુફ કેરળના મલપ્પુરમના એરીકોડ ઉરંગાગીરીના રહેવાસી છે. ત્રીજો આરોપી મોમેન આસામનો રહેવાસી છે જે કેરળમાં મજૂરી કામ કરવા આવ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. તેમની સામે પોક્સો એક્ટની (POCSO) સાથે યોગ્ય કલમો હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ત્રણેય આરોપીઓને થામરસેરી કોર્ટમાં રજૂ કર્યા હતા.
કોર્ટે ત્રણેયને વિગતવાર પૂછપરછ માટે પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. પીડિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. તેને સારવાર માટે તિરુવનંતપુરમ ચાઈલ્ડ કેરમાં મોકલવામાં આવ્યો છે. આ ગેંગ રેપમાં વધુ લોકો સામેલ હોવાની પણ આશંકા છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને અન્ય જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.