હોમપેજદુનિયા7 ઑક્ટોબરના હુમલામાં હમાસ આતંકીઓએ નિર્દોષ ઇઝરાયેલીઓ પર ગુજાર્યો હતો અમાનવીય અત્યાચાર,...

7 ઑક્ટોબરના હુમલામાં હમાસ આતંકીઓએ નિર્દોષ ઇઝરાયેલીઓ પર ગુજાર્યો હતો અમાનવીય અત્યાચાર, યૌન શોષણનો હથિયાર તરીકે કર્યો ઉપયોગ: રિપોર્ટ

આ ઘટનાઓનું દસ્તાવેજીકરણ એટલા માટે પણ જરૂરી હતું જેથી દુનિયા આ અત્યાચારોની ગંભીરતા સમજી શકે અને પીડિતોનો અવાજ દબાઈ ન જાય.

- Advertisement -

7 ઑક્ટોબર 2023ના દિવસે ઇઝરાયેલ પર ઇસ્લામી આતંકવાદી સંગઠન હમાસે કરી દીધેલા ઓચિંતા હુમલા અને તેમાં હમાસના આતંકવાદીઓએ જે બર્બરતા આચરી હતી તે માત્ર ઇઝરાયેલ જ નહીં પણ દુનિયા પણ ભૂલી શકી નથી. સેંકડો નિર્દોષ ઇઝરાયેલીઓને મારી નાખવામાં આવ્યા, તેમના ઘરમાં ઘૂસીને નરસંહાર કરવામાં આવ્યો, તેમનાં બાળકો-પાલતુ પ્રાણીઓને પણ બક્ષવામાં ન આવ્યાં. જાહેર ઉજવણીનાં સ્થળોએ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. તેનાં દૃશ્યોએ દુનિયાને હચમચાવી મૂકી હતી. સાથે હમાસ આતંકવાદીઓ અમુક ઇઝરાયેલીઓને પોતાની સાથે લઈ ગયા હતા, જેમને કેટલાય મહિનાઓ સુધી ગાઝામાં બંધક બનાવીને રાખવામાં આવ્યા.

આ બંધકોની હમાસના આતંકવાદીઓની કેદમાં હાલત શું થઈ હતી અને તેમણે શું યાતનાઓ ભોગવવી પડી એ હવે દુનિયા સમક્ષ આવી રહ્યું છે. તાજેતરમાં ઇઝરાયેલની એક બિનલાભકારી સંસ્થા ‘ધ સિવિલ કમિશન’એ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો, જેનું શીર્ષક છે– ‘સાયલન્સ્ડ નો મોર.’

લગભગ ત્રણસો પાનાંના આ વિસ્તૃત રિપોર્ટમાં હમાસના આતંકવાદીઓએ આચરેલી હિંસા, અત્યાચારો અને યૌન શોષણના ગુનાઓનું વિવરણ છે. આ રિપોર્ટ લગભગ બે વર્ષોના સંશોધન, 10,000થી વધુ તસવીરો અને વિડીયો અને 430થી વધુ સાક્ષાત્કારો, સરકારી દસ્તાવેજો, પ્રત્યક્ષદર્શીઓ, ડૉક્ટરો અને મુક્ત થયેલા બંધકોનાં નિવેદનો પર આધારિત છે.

- Advertisement -

એ નોંધવું રહ્યું કે ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે લગભગ બે વર્ષ બાદ થયેલા શસ્ત્રવિરામમાં બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે અનેકની હમાસ આતંકીઓની કેદમાં જ હત્યા કરી નાખવામાં આવી હતી.

7 ઑક્ટોબરના રોજ હમાસ આતંકવાદીઓએ ઇઝરાયેલ-ગાઝા સરહદ પરના વિસ્તારો, સુરક્ષા ઠેકાણાં અને ત્યારે ચાલતા એક સંગીત સમારોહ પર હુમલો કર્યો હતો. જેમાં લગભગ 1200 લોકો માર્યા ગયા અને 251ને બંધક બનાવીને લઈ જવામાં આવ્યા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હુમલા દરમ્યાન મહિલાઓ, બાળકો, વૃદ્ધો વિરુદ્ધ યૌન હિંસા અને અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યાં અને આ બધું આકસ્મિક ન હતું પરંતુ સુનિયોજિત ષડ્યંત્રનો ભાગ માત્ર હતું.

રિપોર્ટમાં હમાસ આતંકવાદીઓએ આચરેલી યૌન હિંસાનો ઉલ્લેખ છે. પીડિતો સાથે બળાત્કાર, બળજબરીથી નિર્વસ્ત્ર કરવા, સાર્વજનિક અપમાન કરવું, યાતનાઓ આપવી, મૃતદેહો સાથે દુર્વ્યવહાર કરવા જેવી ઘટનાઓ આમાં સામેલ છે. અનેક મામલામાં પરિવાર સામે જ યૌન ઉત્પીડન કરવામાં આવ્યું, હત્યા જેવી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો. અનેક લોકોને બંધક બનાવીને લાંબા સમય સુધી શારીરિક અને માનસિક યાતનાઓ આપવામાં આવી.

આ બધાં કૃત્યોને રેકોર્ડ કરીને પ્રચારિત પણ કરવામાં આવ્યાં અને તેના માટે ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવ્યો. આતંકવાદીઓ ગોપ્રો કેમેરા, બોડી કેમેરા વગેરેનો ઉપયોગ કરતા હતા. આ યૌન શોષણ, હિંસા વગેરેનું રેકોર્ડિંગ કરીને તેના વિડીયો ફેલાવવામાં આવતા હતા. અનેક પરિવારોને તેમનાં સ્વજનોનાં મૃત્યુ કે અપહરણની જાણકારી આવા વિડીયોના માધ્યમથી જ મળી હતી.

રિપોર્ટમાં આ બધાં કૃત્યોનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે આ બધું ‘સાયકોલોજિકલ વૉરફેર’નો ભાગ હતું અને ઉદ્દેશ્ય માત્ર પીડિતો નહીં પરંતુ આખા એક સમાજને ભયભીત કરી દેવાનો હતો.

રિપોર્ટમાં નોવાના સંગીત સમારોહમાં થયેલા હુમલાના પ્રત્યક્ષદર્શીઓનાં નિવેદનો પણ ટાંકવામાં આવ્યા છે. જેમણે જણાવ્યું કે હુમલા દરમ્યાન મહિલાઓ સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યા હતા, લોકોને મારી નાખ્યા બાદ તેમના મૃતદેહો ક્ષતવિક્ષત કરવામાં આવ્યા. એટલું જ નહીં આ કૃત્યોને ફિલ્માવવામાં આવ્યાં અને ઉજવણી કરવામાં આવી. કેટલાય લોકોનાં કપડાં ફાટેલી હાલતમાં હતાં, પ્રાઇવેટ પાર્ટ પર ઈજાનાં નિશાન જોવા મળ્યાં હતાં.

ગાઝામાં જે બંધકોને રાખવામાં આવ્યા હતા, જેમાં મહિલાઓ અને સગીરો પણ મોટી સંખ્યામાં સામેલ હતા, તેમને સતત યાતનાઓ આપવામાં આવી. યૌન ઉત્પીડન કરવામાં આવ્યું. હિંસા આચરવામાં આવી. જાહેરમાં અપમાન કરવામાં આવ્યું અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. છૂટી ગયેલા અનેક બંધકોએ પછીથી જણાવ્યું કે તેમને નગ્ન કરીને માર મારવામાં આવતો હતો, ધાકધમકીઓ આપવામાં આવી હતી.

હમાસના આતંકવાદીઓ કેટલી હદે ક્રૂરતા આચરતા હતા તે આ અહેવાલ પરથી જાણવા મળે છે. બંધકો અનુસાર અનેક કિસ્સાઓમાં પરિવારના સભ્યો સામે તેમના સ્વજન સાથે, મહિલાઓ સાથે યૌન શોષણ આચરવામાં આવતું, જેમાં સગીરો પણ સામેલ હતાં એટલું જ નહીં પરિવારના સભ્યોને એકબીજા સાથે યૌન ક્રિયા કરવા માટે મજબૂર કરવામાં આવતા.

આ બધું હમાસના આતંકવાદીઓ તો કરતા જ હતા પરંતુ રિપોર્ટ અનુસાર ગાઝાના નાગરિકોએ પણ આમાં હમાસ આતંકવાદીઓનો સાથ આપ્યો હતો અને આ બધાં કૃત્યોમાં તેઓ પણ સામેલ હતા. બંધકોએ જણાવ્યું કે અનેક ઠેકાણે મહિલાઓના નગ્ન મૃતદેહો પડેલા તેને જોયા હતા, જેમના શરીર પર ઈજાનાં નિશાન હતાં. બંધકોનું કહેવું છે કે એક પણ મૃતદેહ એવો જોવા મળ્યો ન હતો જેની ઉપર આ બર્બરતા અને યાતનાનાં નિશાન ન હોય. લોકોને માત્ર ગોળી મારીને છોડી દેવામાં ન આવ્યા, પરંતુ તેમ મૃતદેહને અને મહિલાઓના મૃતદેહને ક્ષતવિક્ષત કરવામાં આવ્યા. આ હમાસ આતંકીઓની માનસિકતા દર્શાવે છે.

રિપોર્ટમાં એ શાની લૌક નામની મહિલાનો પણ ઉલ્લેખ છે, જેની સાથે કેમેરાની સામે બર્બરતા આચરવામાં આવી હતી. બહારના દેશથી આવેલી મહિલાને નગ્ન કરીને ટ્રકમાં ફેરવવામાં આવી અને આ દરમ્યાન હમાસના આતંકવાદીઓએ ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવ્યા હતા. પછીથી તેની હત્યા કરી નાખવામાં આવી હતી.

લગભગ ત્રણસો પાનાંમાં ઇઝરાયેલીઓ સાથે હમાસના આતંકવાદીઓએ આચરેલી ક્રૂરતાનો ઉલ્લેખ કરીને રિપોર્ટમાં નિષ્કર્ષ આપવામાં આવ્યો છે કે 7 ઑક્ટોબરનો હુમલો માત્ર એક સામાન્ય આતંકવાદી હુમલો ન હતો પરંતુ તેમાં યૌન હિંસાનો એક હથિયારની જેમ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ઇઝરાયેલીઓ સાથે એવી બર્બરતા આચરવામાં આવી હતી કે આખા સમાજમાં ભય ઉત્પન્ન થાય. આયોગનાં અધ્યક્ષનું નિવેદન પણ રિપોર્ટમાં સામેલ છે, જેઓ જણાવે છે કે આ ઘટનાઓનું દસ્તાવેજીકરણ એટલા માટે પણ જરૂરી હતું જેથી દુનિયા આ અત્યાચારોની ગંભીરતા સમજી શકે અને પીડિતોનો અવાજ દબાઈ ન જાય.

(રિપોર્ટ વિશે વધુ વિગતો સાથે અહીંથી વાંચી શકાશે.)

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં