અમેરિકામાં (America) ટ્રમ્પ (Donald Trump) સરકાર બન્યા બાદ ચીનની (China) ચાલ બદલાતી જોવા મળી રહી છે. 19 નવેમ્બરે ટોચના ભારત-કેન્દ્રિત યુએસ ટ્રેડ લોબીસ્ટ અને વ્યૂહાત્મક જૂથના વડાએ જણાવ્યા અનુસાર ચીન હવે ભારત (Indo-China Relations) સાથેના સંબંધ સુધારવાના પ્રયાસો કરી રહ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે તેમના પ્રમુખપદના પ્રચાર દરમિયાન, ચીનથી આવતા માલ પર 60 ટકા ટેરિફ લાદવાની દરખાસ્ત કરી હતી. ઉપરાંત તેમણે અન્ય તમામ અમેરિકન આયાત પર 20 ટકા સુધી ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે ટ્રમ્પ શાસન બાદ ચીન પર વધી રહેલ દબાણને ઓછુ કરવા માટે ચીન ભારત સાથે સંબંધ સુધારવાના પ્રયાસો કરી રહ્યું છે.
ભારત-અમેરિકા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF)ના પ્રમુખ મુકેશ અધીએ મામલે વાત કરતા કહ્યું હતું કે, “અમે ટ્રમ્પ વહીવટીતંત્રની શરૂઆતની અસર જોઈ રહ્યા છીએ, જેણે ચીન પર ભારત સાથેના વ્યવહારને સરળ બનાવવા માટે દબાણ કર્યું છે. એના લીધે જ સરહદ પર પેટ્રોલિંગ મામલે સહમતી બની છે. ઉપરાંત ડાયરેક્ટ ફ્લાઈટ્સ પર પણ સહમતી બની શકી છે.” તેમણે આગળ કહ્યું કે, “તેઓ ભારત આવનારા ચીની લોકો માટે વધુ વિઝા પણ આપશે. જોઈ શકાય છે કે ટ્રમ્પના આવવાથી ભારત-ચીન સંબંધ પર સકારાત્મક અસર પડી રહી છે.”
ઉલ્લેખનીય છે કે ગત મહિને, ભારતે જાહેરાત કરી હતી કે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પેટ્રોલિંગ માટે ચીન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે ચાર વર્ષથી વધુ લાંબા સૈન્ય અવરોધને સમાપ્ત કરવાની દિશામાં એક મોટી સફળતા છે. અઘીએ પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “ચીન તરફથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ટ્રમ્પ આવી રહ્યા છે. આનાથી અમેરિકા સાથેના સંબંધોમાં તણાવ આવશે. તો આ તણાવપૂર્ણ સંબંધ માટે વિવિધ મોરચા ખોલવા કરતા માત્ર ભારત સાથે તો સબંધોને સરળ બનાવી શકાય.”
નોંધનીય છે કે તેમણે કહ્યું હતું કે જિયોપોલિટિક્સ ક્ષેત્રે અમેરિકા અને ભારત ચીન સાથે જોડાયેલા છે. ઉપરાંત ટ્રમ્પ સરકાર આવ્યા બાદ ભારતના સંબંધ અમેરિકા સાથે આર્થિક અને વેપારી ક્ષેત્રમાં વિસ્તરી શકે અને ચીન તથા અમેરિકાના સંબંધમાં તણાવ ઉભો થઇ શકે છે. ત્યારે ચીન બંનેમાંથી કોઈ દેશ સાથે તો સારાસબંધો બનાવી રાખે એવા પ્રયાસો કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને ભારત-ચીન વચ્ચે થયેલ સૈન્ય પેટ્રોલિંગ કરાર બાદ બંને દેશોના સંબંધમાં આવતો સકારાત્મક બદલાવ જોઈ શકાય છે.