કેનેડા (Canada) અને ભારત વચ્ચે ખટરાગ ઉભો કરનાર અને ખાલિસ્તાનીઓને સમર્થન આપનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ (Justin Trudeau) આખરે રાજીનામું (Resignation) આપી દીધું છે. તેમણે તાજેતરમાં કરેલા કારસ્તાનો બાદ તેમની વ્યક્તિગત અને પોતાની જ પાર્ટીના નેતાઓની આલોચના અને દબાણ બાદ આ નિર્ણય લીધો છે. તેમણે પોતે જ રાજીનામું આપવાનો જાહેરાત કરીને કહ્યું હતું કે, “હું વડાપ્રધાન પદ અને પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યો છું, મારા સ્થાને અન્ય નેતાને લાવીને હું પદ છોડી દઈશ.”
પ્રાપ્ત માહિતી અનુસાર જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીએ વડાપ્રધાન પદ માટે નેતાનું સિલેકશન શરૂ પણ કરી દીધું છે. જોકે જ્યાં સુધી કોઈ નવો ચહેરો ન મળે, ત્યાં સુધી જસ્ટિન ટ્રુડો કાર્યવાહક વડાપ્રધાન તરીકે કાર્ય કરતા રહેશે. આમ તો ટ્રુડોના રાજીનામાં બાદ પાર્ટી પાસે એવો કોઈ ચહેરો નથી કે જે લોકો વચ્ચે પકડ ધરાવતો હોય,પરંતુ વિદેશ મંત્રી મેલાની જોલી, ડોમિનિક લેબ્લાંક અને માર્ક કાની જેવા કેટલાક નામ છે જેમના પર આગામી વડાપ્રધાન પદ માટે પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે.
ભારત સામે શત્રુતા ભારે પડી, અમેરિકાએ પણ બતાવી હતી લાલ આંખ
માનવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી જસ્ટિન ટ્રુડોએ વધારી દીધેલી ભારત વિરોધી ગતિવિધિ વધારી દીધી હતી. તેમની આવી હરકતોથી તેઓ પોતાની જ પાર્ટીમાંથી આલોચનાનો સામનો કરી રહ્યા હતા. બીજી તરફ અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરીફ ધમકીઓ બાદ આખરે તેમને રાજીનામું આપવું પડ્યું. સોમવારે (6 જાન્યુઆરી 2025) તેમણે કહ્યું કે, “આગામી ચૂંટણીઓમાં દેશ એક સારા વાસ્તવિક વિકલ્પનો હકદાર છે, મારે આંતરિક લડાઈ લડવી પડી રહ છે. આથી હું ચૂંટણીઓ માટે સારો વિકલ્પ ન હોઈ શકું.”
I will always fight for this country, and do what I believe is in the best interest of Canadians. pic.twitter.com/AE2nSsx5Nu
— Justin Trudeau (@JustinTrudeau) January 7, 2025
નોંધવું જોઈ કે જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યું તે પહેલા તેમની જ લિબરલ પાર્ટીના સાંસદો લાંબા સમયથી આ રાજીનામાની માંગ કરી રહ્યા હતા. જસ્ટિન ટ્રુડો પોતાની જ પાર્ટીમાં અતડા પડી ગયા હતા. બીજી તરફ કેનેડાના ઉપવડાપ્રધાન અને નાણામંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે ગત 16 ડિસેમ્બરના રોજ જસ્ટિન ટ્રુડોથી નારાજ થઈને રાજીનામું આપી દીધું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે જસ્ટિન ટ્રુડોએ તેમને પોતાનું પદ છોડીને અન્ય મંત્રાલયની જવાબદારી સંભાળવા દબાણ કરી રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી તેઓ PM સાથે કાર્યોને લઈને સહમતી નહોતા સાધી શકતા. નોંધનીય છે કે ક્રિસ્ટિયા ટ્રુડોના સહુથી વફાદાર અને પ્રભાવશાળી મંત્રી માનવામાં આવતા હતા.
એક માહિતી અનુસાર લિબરલ પાર્ટીના એકલ-દોકલ નહીં, પરંતુ 152 સાંસદો પૈકીના અનેક નેતાઓ ટ્રુડોનું રાજીનામું માંગી રહ્યા હતા. પાર્ટીના 24 સાંસદોએ તો ઓકટોબર મહિનામાં જાહેરમાં તેમની પાસે રાજીનામું માંગેલું. તેની પાછળનું કારણ છે કે ટ્રુડો પર ભારત વિરુદ્ધ પાયાવિહોણા આરોપો નાખીને ખાલિસ્તાની વોટબેંક મેળવવાના રાજકીય લાભ માટેના પ્રયાસોના આરોપો લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે, પોતાની રાજકીય નિષ્ફળતાને ઢાંકવા માટે ટ્રુડો સતત ભારત પર આરોપો લગાવીને ધ્યાન ભટકાવવાના પ્રયાસો કરતાં રહ્યા છે.