કેનેડાના (Canada) વડાપ્રધાન (PM) જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) બુધવાર પહેલાં પોતાના પદ પરથી રાજીનામું (Resignation) આપી દેશે તેવા અહેવાલ સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, કેનેડાના PM ભારત (India) સાથે શત્રુતા અને આંતરિક વિરોધ બાદ આ નિર્ણય લેવા માટે મજબૂર થયા છે. કેનેડિયન મીડિયાને (Canadian Media) ટાંકીને આ માહિતી સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેનેડિયન વડાપ્રધાન ટૂંક સમયમાં જ રાજીનામું આપી દેવાની જાહેરાત કરી શકે છે. જોકે, જસ્ટિન ટ્રુડોએ આ અંગે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. પરંતુ ટ્રુડો સાથે સંકળાયેલા એક સૂત્ર તરફથી રવિવારે (5 જાન્યુઆરી) આ અંગેની જાણકારી આપવામાં આવી છે.
TRU-DONE? Prime Minister Justin Trudeau is expected to resign from his position as early as Monday, according to Canadian media. https://t.co/BtmM0RLnBm pic.twitter.com/7IyrEuuyOT
— Fox News (@FoxNews) January 6, 2025
જસ્ટિન ટ્રુડો સાથે સંકળાયેલા એક વિશ્વાસુ સૂત્રએ રોયટર્સને (Reuters) આ અંગેની માહિતી આપી છે. સૂત્ર દ્વારા આપવામાં આવેલું આ નિવેદન ‘ગ્લોબ એન્ડ મેલ’ના (Globe And Mail) તે રિપોર્ટ બાદ સામે આવ્યું છે, જેમાં કહેવાયું હતું કે, કેનેડિયન PM ટૂંક સમયમાં જ રાજીનામું આપી શકે છે. બીજી તરફ આ વર્ષે જ ઑક્ટોબરના અંતમાં કેનેડામાં ચૂંટણી થવા જઈ રહી છે. જો આવી સ્થિતિમાં જસ્ટિન ટ્રુડો રાજીનામું આપે છે તો તેમની લિબરલ પાર્ટી કોઈપણ સ્થાયી નેતા વગર વિરોધ પક્ષની સામે હારી શકે છે.
ભારત સાથે શત્રુતા અને સતત આંતરિક વિરોધ બાદ રાજીનામાં સુધી પહોંચ્યા ટ્રુડો
અહીં એ પણ મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી કેનેડામાં જ જસ્ટિન ટ્રુડો સામે વિરોધનું વંટોળ ફરી રહ્યું છે. તેમની પોતાની પાર્ટીના સાંસદોએ પણ ટ્રુડોના રાજીનામાંની માંગણી કરી હતી. તેનું મુખ્ય કારણ હતું ભારત સાથેની શત્રુતા. ટ્રુડો પર ભારત વિરુદ્ધ પાયાવિહોણા આરોપો નાખીને ખાલિસ્તાની વોટબેંક મેળવવાના રાજકીય લાભ માટેના પ્રયાસોના આરોપો લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે, પોતાની રાજકીય નિષ્ફળતાને ઢાંકવા માટે ટ્રુડો સતત ભારત પર આરોપો લગાવીને ધ્યાન ભટકાવવાના પ્રયાસો કરતાં રહ્યા છે.
કેનેડિયન અખબાર ‘ધ ગ્લોબ એન્ડ મેલ’ના રિપોર્ટ અનુસાર, બુધવારે (8 જાન્યુઆરી) લિબરલ પાર્ટીની નેશનલ કોક્સની બેઠક થવા જઈ રહી છે, ટ્રુડો આ બેઠક પહેલાં જ રાજીનામું સોંપી શકે છે. ભારત સાથે શત્રુતા અને આંતરિક વિરોધના કારણે ટ્રુડો રાજીનામું આપવા મજબૂર થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. તે સિવાય અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના દબાણના કારણે પણ તેમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હોય શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ ટ્રુડો પર સતત દબાણ વધી રહ્યું હતું. ટ્રમ્પ સતત તેમના પર નિશાન સાધતાં હતા. ઈલોન મસ્કે પણ ટ્રમ્પની જીત બાદ તરત જ કહ્યું હતું કે, હવે ટ્રુડોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ તમામ કારણો અને આંતરિક વિરોધ બાદ ટ્રુડો રાજીનામું આપી શકે છે. જોકે, હજુ સુધી તેની આધિકારિક પુષ્ટિ થઈ શકી નથી.