વર્તમાનમાં ભારત (Bharat) અને બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, જોકે ભારતીય વિદેશ સચિવે બાંગ્લાદેશના વિદેશ સચિવ સાથે મુલાકાત કરી હતી અને શાંતિપૂર્ણ સંબંધો આગળ વધારવા પણ કહ્યું હતું. જોકે આ મુલાકાતના બીજા દિવસે જ એવા સમાચાર આવી રહ્યા છે કે બાંગ્લાદેશ ભારતના દુશ્મન દેશ પાકિસ્તાન (Pakistan) સાથે નિકટતા વધારી રહ્યું છે. બાંગ્લાદેશે તેના બેવડાં ધોરણોનો પરિચય આપી દીધો છે. એક તરફ ભારતીય વિદેશ સચિવ સાથે મળીને વાતાવરણ સુધારવાની વાત ચાલી રહી છે તો બીજી તરફ પાકિસ્તાનને હથિયારો (Pakistani Weapons) , આરડીએક્સ અને ટેન્કના શેલનો ઓર્ડર આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાની નિષ્ણાત સાજિદ તરારે તેને ભારત વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યું છે અને ભારતને સતર્ક રહેવાની સલાહ આપી છે.
નોંધનીય છે કે આ ખુલાસો અમેરિકાના બાલ્ટીમોરમાં રહેતા એક અગ્રણી પાકિસ્તાની-અમેરિકન બિઝનેસમેન સાજિદ તરાર દ્વારા કરવામાં આવ્યો હતો. તરાર પાકિસ્તાની મુદ્દાઓના નિષ્ણાત છે. તેમણે આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે ભારતે ચિંતિત થવાની જરૂર છે કારણ કે ભારતની બંને સરહદો પર અલ-જેહાદના નારાઓ લાગી રહ્યા છે. બાંગ્લાદેશ ભારતને અવગણીને પાકિસ્તાન સાથે નિકટતા વધારી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશે પકિસ્તાનને 25,000 ટન ખાંડનો ઓર્ડર આપ્યો છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર ડો. મોહમ્મદ યુનુસે પાકિસ્તાનને માત્ર 25,000 ટન ખાંડનો ઓર્ડર જ નથી આપ્યો, પરંતુ મોટા પાયે હથિયારોનો પણ ઓર્ડર આપ્યો છે. બાંગ્લાદેશે પાકિસ્તાનને આપેલ હથિયારોના ઓર્ડર અંગે તેમણે માહિતી આપી હતી. તથા તેમણે આ મામલે ભારતે ચિંતિત થવાની આવશ્ક્યતા છે એમ પણ કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, “બાંગ્લાદેશ દ્વારા પાકિસ્તાન પાસેથી 40 ટન આરડીએક્સ મંગાવવામાં આવ્યું છે, 28,000 હાઈ ઈન્ટેન્સિવ પ્રોજેક્ટાઇલ્સનો ઓર્ડર આપવામાં આવ્યો છે, 2,000 ટેન્ક શેલનો ઓર્ડર આપવામાં આવ્યો છે અને 40,000 રાઉન્ડ આર્ટિલરીનો ઓર્ડર આપવામાં આવ્યો છે.” આ ઉપરાંત વચગાળાની સરકારના નેતા મહોમ્મદ યુનુસે બાંગ્લાદેશ માટે પાકિસ્તાનીઓને વિઝા આપવાની શરતો પણ હટાવી દીધી હતી.
તરારે આ મામલે ભારતને ચેતવ્યું હતું અને દેશને હાઈ એલર્ટ પર રહેવાની સલાહ આપી હતી. તેઓ આ મામલા ને ભારત વિરુદ્ધ કાવતરું ગણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતે સંપૂર્ણ રીતે તૈયાર રહેવું પડશે અને આતંકવાદી ગતિવિધિઓ સામે કડક કાર્યવાહી કરવી પડશે, કારણ કે ભારતીય સરહદની બંને તરફ જેહાદના નારા લગાવવામાં આવી રહ્યા છે. મહત્વની બાબત છે કે પાકિસ્તાન સાથે સંબંધો વધારતા કદાચ મહોમ્મદ યુનુસ એ ભૂલી ગયા છે કે આ જ એ જ પાકિસ્તાન છે જેની સેનાએ 1970-71 દરમિયાન બાંગ્લાદેશી નાગરિકોનું કત્લેઆમ કર્યું હતું અને હજારો મહિલાઓ સામૂહિક બળાત્કારનો ભોગ બની હતી.
નોંધનીય છે કે ભરતા-બાંગ્લાદેશ તણાવ મામલે 9 ડિસેમ્બરે જ ભારતીય વિદેશ સચિવે બાંગ્લાદેશના વિદેશ સચિવ સાથે મુલાકાત કરીને બંને દેશના સબંધો સુધારવાની અને વચગાળાની સરકાર સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બાંગ્લાદેશે પણ વિદેશ સચિવની વાતમાં સુર પરોવ્યા હતા, જેના બીજા જ દિવસે પાકિસ્તાન પાસેથી હથિયારો મંગાવ્યા હોવાનો મામલો સામે આવ્યો હતો.