બાંગ્લાદેશના (Bangladesh) પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ (Former PM Sheikh Hasina) રાજીનામું આપ્યા બાદ વચગાળાની સરકારની (Interim Government) રચના થઇ, જે પછી હિંદુઓનો નરસંહાર વધી ગયો હતો. ત્યારે આ મામલે ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ (Vikram Misry) સોમવારે 9 ડિસેમ્બર 2024 ઢાકામાં તેમના બાંગ્લાદેશી સમકક્ષ મોહમ્મદ તૌહીદ હુસૈન (Mh. Tauhid Husain) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓની અને તેમના ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ મામલે પણ વાતચીત કરી હતી.
વિદેશ સચિવે બાંગ્લાદેશના વિદેશ સચિવ સાથે કરેલ મુલાકાત દરમિયાન હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અંગે વાંધો ઉઠાવ્યો હતો. વાસ્તવમાં હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસની એક રેલી દરમિયાન કથિત રીતે બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાના મામલે દેશદ્રોહનો આરોપ લગાવીને ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડથી તેમના સમર્થકો અને સુરક્ષાદળો સાથે હિંસક અથડામણ થઈ હતી.
#WATCH | Dhaka, Bangladesh | Foreign Secretary Vikram Misri says, "…Today's discussions have given both of us the opportunity to take stock of our relations and I appreciate the opportunity today to have had a frank, candid and constructive exchange of views with all my… https://t.co/fSx7p5UDpw pic.twitter.com/ZGqJNqkXKy
— ANI (@ANI) December 9, 2024
વિદેશ સચિવ મિસ્રીએ કહ્યું કે, “મેં અનુભવ્યું છે કે, ભારત તેના પાડોશી બાંગ્લાદેશ સાથે સકારાત્મક, રચનાત્મક અને પરસ્પર લાભકારી સંબંધ ઇચ્છે છે, જે આપણે ભૂતકાળમાં જોયું છે અને ભવિષ્યમાં પણ જોતા રહીશું. આ સંબંધ લોકો-કેન્દ્રિત અને લોકો-લક્ષી સંબંધો પર આધારિત છે, જેનો કેન્દ્રિય ધ્યેય તમામ લોકોનો લાભ છે.”
તેમણે કહ્યું કે, બાંગ્લાદેશમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સમાં બંને વચ્ચેનો સંબંધ દેખાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે “આ વેપાર, વાણિજ્ય, કનેક્ટિવિટી, પાવર, પાણી, ઉર્જા, વિકાસ, સહકાર અને સાંસ્કૃતિક સહકાર જેવા મુદ્દાઓ પરના અમારા પરસ્પર ફાયદાકારક સંબંધોમાં પણ પ્રતિબિંબિત થાય છે.” તેમણે કહ્યું કે, એવું કોઈ કારણ નથી કે જેના કારણે બંને દેશોના લોકો વચ્ચે પરસ્પર ફાયદાકારક સહયોગ ચાલુ ન રહે.
ભારતીય વિદેશ સચિવે કહ્યું કે, તેમણે બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે “અમે તાજેતરના વિકાસની પણ ચર્ચા કરી અને મેં લઘુમતીઓની સલામતી અને કલ્યાણ સહિતની મારી તમામ ચિંતાઓ જણાવી. અમે સાંસ્કૃતિક અને ધાર્મિક સંપત્તિઓ પર હુમલાની ખેદજનક ઘટનાઓની પણ ચર્ચા કરી હતી.” તેમણે બાંગ્લાદેશી હિંદુઓની અને તેમના ધાર્મિક સ્થળોની સુરક્ષા અંગે પણ વાત કરી હતી.
નોંધનીય છે કે, 5 ઓગસ્ટે શેખ હસીનાને રાજીનામું આપ્યું હતું. જે પછી બાંગ્લાદેશમાં 8 ઓગસ્ટના રોજ મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી. ત્યારપછી બાંગ્લાદેશી હિંદુઓની સ્થિતિ કફોડી બની હતી જેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા ઘણા હિંદુ સંગઠનો માંગ કરી રહ્યા હતા. ત્યારે મહોમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના બાદ બંને દેશો વચ્ચે આ પ્રથમ ઉચ્ચસ્તરીય વાતચીત છે. ભારતીય વિદેશ સચિવ અને તેમના સમક્ષની બેઠક બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સરકારી ગેસ્ટ હાઉસ જમુના ખાતે યોજાઈ હતી.