Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ઝોમેટો’ની જાહેરાતને લઈને વિવાદ: મહાકાલ મંદિરના પૂજારીઓનો વિરોધ, કહ્યું- અન્ય સમુદાય હોત...

    ‘ઝોમેટો’ની જાહેરાતને લઈને વિવાદ: મહાકાલ મંદિરના પૂજારીઓનો વિરોધ, કહ્યું- અન્ય સમુદાય હોત તો કંપની ફૂંકી મારી હોત, કાર્યવાહીની ચીમકી આપી

    ફૂડ ડિલિવરી એપની એક જાહેરાતમાં 'મહાકાલ'નો ઉલ્લેખ થતાં મંદિરના પૂજારીઓએ વિરોધ નોંધાવ્યો છે.

    - Advertisement -

    ફૂડ ડિલિવરી એપ ઝોમેટોની એક ટીવી જાહેરાતને લઈને વિવાદ થયો છે. જાહેરાતમાં ‘મહાકાલ’નો ઉલ્લેખ થવાના કારણે મંદિરના પૂજારીઓએ વિરોધ નોંધાવ્યો છે અને ઝોમેટો અને કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બૉલીવુડ અભિનેતા રિતિક રોશનની માફીની માંગ કરી છે. બીજી તરફ, કાર્યવાહી કરવાની પણ તૈયારી ચાલી રહી છે. 

    આ વિવાદ ઝોમેટો કંપનીની એક જાહેરાતને લઈને શરૂ થયો છે. આ જાહેરાત યુ-ટ્યુબ પર ઘણી વખત જોવા મળે છે. જાહેરાત બૉલીવુડ અભિનેતા રિતિક રોશને કરી છે. જેમાં તેઓ કહેતા જોવા મળે છે કે- ‘થાલી કા મન કિયા. ઉજ્જૈન મેં હૈ તો મહાકાલ સે મંગા લિયા.’ ઝોમેટોની આ જાહેરાતને લઈને વિવાદ શરૂ થયો છે અને મહાકાલ મંદિરના પૂજારીઓએ વિરોધ શરૂ કર્યો છે. 

    રિપોર્ટ અનુસાર મંદિરના પૂજારીએ જણાવ્યું કે, કંપનીએ પોતાની જાહેરાતમાં મહાકાર મંદિરને લઈને ભ્રામક પ્રચાર કર્યો છે. કંપનીએ આવી જાહેરાતો બનાવતાં પહેલાં વિચાર કરવો જોઈએ. હિંદુઓ સહિષ્ણુ છે, તેઓ ક્યારેય ઉગ્ર થતા નથી. જો કોઈ બીજો સમુદાય હોત તો આવી કંપનીઓને આગ લગાડી દીધી હોત. તેમણે કહ્યું કે, ઝોમેટોએ અમારી ભાવનાઓ સાથે ખિલવાડ કરવી ન જોઈએ. 

    - Advertisement -

    પૂજારીએ આગળ કહ્યું કે, મહાકાલ મંદિર અન્ન ક્ષેત્રમાં ભક્તોને ભોજન આપવામાં આવે છે પરંતુ થાળીનું ભોજન મંગાવવા પર ડિલિવરી થતી નથી. જે કંપની માંસાહાર પણ ડિલિવર કરતી હોય તેણે મહાકાલ થાળી અંગે ભ્રામક જાહેરાત બંધ કરી દેવી જોઈએ. કંપનીએ હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. અમે તેનો વિરોધ કરીએ છીએ. 

    મંદિરના પૂજારીએ હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ઝોમેટો કંપનીની માફીની માંગ કરી હતી તેમજ કહ્યું હતું કે જો તેઓ માફી નહીં માંગે તો તેઓ કોર્ટમાં જશે અને કાયદાકીય રસ્તો અપનાવશે. 

    બીજી તરફ, વિરોધ બાદ ઉજ્જૈનના કલેક્ટર અને મહાકાલ મંદિર સમિતિ અધ્યક્ષ આશિષ સિંહે જાહેરાતને ભ્રામક ગણાવી હતી અને કહ્યું કે, મહાકાલ મંદિરમાં માત્ર અન્નક્ષેત્રમાં પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે. અહીંથી થાળી મોકલવામાં આવતી નથી. આ પ્રકારની ભ્રામક જાહેરાતોને બંધ કરાવવા માટે કાર્યવાહી કરીશું.

    ઉલ્લેખનીય છે કે મહાકાલેશ્વર મંદિરના અન્નક્ષેત્રમાં હજારો શ્રદ્ધાળુઓને રોજ પ્રસાદ આપવામાં આવે છે. અને આ પ્રસાદ નિઃશુલ્ક હોય છે. શ્રદ્ધાળુઓ સવારે 11 થી બપોરે 2 અને સાંજે પાંચથી 8 વાગ્યા સુધીમાં અન્ન ક્ષેત્રમાં ભોજનગ્રહણ કરી શકે છે. છેલ્લાં અનેક વર્ષોથી આ પરંપરા અવિરતપણે ચાલતી આવી છે. 

    એ પણ નોંધવું જોઈએ કે ભગવાન શિવના પવિત્ર 12 જ્યોતિર્લિંગમાં ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો સમાવેશ થાય છે. અહીં મહાકાલનો વાસ હોવાનું કહેવાય છે. દરરોજ લાખો લોકો ભગવાનના દર્શને આવે છે. 

    ઝોમેટોની જાહેરાતને પગલે વિવાદમાં આવેલા અભિનેતા રિતિક રોશન હાલમાં જ અન્ય એક વિવાદમાં ફસાયા હતા. તેમણે આમિર ખાનની ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢાની તરફેણમાં એક ટ્વિટ કરીને ફિલ્મના વખાણ કર્યાં હતાં. જે બાદ લોકોએ તેમની પણ આગામી ફિલ્મનો બહિષ્કાર શરૂ કરી દીધો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં