Monday, July 15, 2024
More
  હોમપેજમંતવ્યઆમિર ખાનની ફિલ્મ બચાવવા અન્ય અભિનેતાઓએ પણ જોર લગાવ્યું, પણ તેની પણ...

  આમિર ખાનની ફિલ્મ બચાવવા અન્ય અભિનેતાઓએ પણ જોર લગાવ્યું, પણ તેની પણ કોઈ અસર ન થઇ: ‘લાલ સિંઘ ચઢ્ઢા’નું ફ્લૉપ જવું બૉલીવુડ માટે મોટી શીખ

  આમ જોવા જઈએ તો આ બહિષ્કાર માત્ર એક ફિલ્મનો નથી, પરંતુ બૉલીવુડની હિંદુવિરોધી, ભારતવિરોધી માનસિકતાનો છે.

  - Advertisement -

  સોશિયલ મીડિયા પર શરૂ થયેલી બહિષ્કારની માંગ વચ્ચે બૉલીવુડ અભિનેતા આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંઘ ચઢ્ઢા’ ગત ગુરુવારે દેશભરનાં થીયેટરોમાં રીલીઝ થઇ હતી. ફિલ્મ રજાના દિવસે રિલીઝ કરવામાં આવી હતી, હજુ મંગળવાર સુધી રજા રહેશે. પણ તેમ છતાં ફિલ્મ ખાસ ઉકાળી શકી નથી અને લોકોએ કરેલો બહિષ્કાર માત્ર સોશિયલ મીડિયા પર ન રહીને ગ્રાઉન્ડ ઉપર પણ જોવા મળ્યો છે.

  ફિલ્મને બચાવવા માટે આમિર ખાન, કરીના કપૂર વગેરે શરૂઆતથી જ મથતાં રહ્યાં છે. તમારે ફિલ્મ ન જોવી હોય તો ન જુઓ કહેનાર કરીનાએ પણ હવે એમ કહેવા માંડ્યું છે કે લોકો તેમની ફિલ્મ બોયકોટ ન કરે અને જુએ, કારણ કે તેમાં ઘણા લોકોની મહેનત હોય છે. આમિર ખાને બહુ પહેલાથી શસ્ત્રો હેઠાં મૂકી દીધાં હતાં. પણ તે પણ કંઈ કામ આવ્યું નહીં. 

  ‘લાલ સિંઘ ચઢ્ઢા’ને ત્રણ દિવસે પણ કોઈ ખાસ પ્રતિસાદ ન મળતાં હવે બૉલીવુડના અભિનેતાઓ મોડા મોડા જાગ્યા છે અને ફિલ્મનો પ્રચાર કરવા માંડ્યા છે. જોકે, તેની પણ કંઈ અસર થતી દેખાઈ રહી નથી અને લોકો તેમની પણ આગામી ફિલ્મનો બહિષ્કાર કરવાનું વિચારવા માંડ્યા છે! 

  - Advertisement -

  બૉલીવુડના અભિનેતાઓએ એક પછી એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આમિર ખાનની ફિલ્મનાં વખાણ કર્યા છે અને એટલું જ નહીં પરંતુ લોકોને આ ફિલ્મ જોવા જવા માટે અપીલ પણ કરી છે. આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરીને કહ્યું કે દરેકે આ ફિલ્મ જોવી જોઈએ. રણવીર સિંહે આમિર ખાન સાથેની તસ્વીર પોસ્ટ કરીને લાંબો નિબંધ લખ્યો હતો. જેનો ટૂંકસાર એ નીકળે છે કે લાલ સિંઘ ચઢ્ઢા સિનેમાની એક મહાન કૃતિ છે અને સંપૂર્ણ ફિલ્મ છે. 

  અભિનેતા જાવેદ જાફરીએ પણ ટ્વિટ કરીને લાલ સિંઘ ચઢ્ઢા અને આમિર ખાનનાં વખાણ કરીને કહ્યું કે દરેકે આ ફિલ્મ જોવી જ જોઈએ. સાથે તેમણે આ ફિલ્મ મોટા પડદે થીએટરમાં જ જોવામાં આવે તેવો ભાર મૂક્યો હતો. 

  રિતિક રોશને પણ હાલમાં જ ફિલ્મનાં ભરપૂર વખાણ કર્યાં હતાં અને કહ્યું કે આ ફિલ્મ દરેક વ્યક્તિએ ચોક્કસપણે જોવી જોઈએ. જોકે, તેમના ટ્વિટ નીચે લોકોના જવાબ જોઈને લાગે છે કે હવે લોકોએ આ ફિલ્મ અભિનેતાઓની વાતોને બહુ ગંભીરતાથી લેવાનું માંડી વાળ્યું છે. ઉપરથી લોકો પૂછી રહ્યા છે કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ વખતે તેઓ ક્યાં હતા? 

  ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને લઈને કોઈ કથિત મોટા બૉલીવુડ સ્ટારે ફિલ્મ વિશે એક શબ્દ તો લખ્યો ન હતો પણ ઉપરથી ફિલ્મને વધુ સ્ક્રીન નહીં મળે અને લોકો ફિલ્મ વિશે જાણે જ નહીં તે માટે એક આખી ઇકોસિસ્ટમ સક્રિય થઇ ગઈ હતી. ત્યારે પણ ફિલ્મના બહિષ્કારની વાતો ચાલી હતી. જોકે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ કરનારાઓ હવે ‘લાલ સિંઘ ચઢ્ઢા’ના થતા બહિષ્કારનો વિરોધ કરે ત્યારે હાસ્યાસ્પદ લાગે છે. 

  જોકે, તેમ છતાં લોકોએ સ્વયંભૂ બીડું ઝડપી લીધું હતું અને પછી જે થયું એ ઇતિહાસ છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ આ વર્ષની સૌથી સફળ ફિલ્મો પૈકીની એક સાબિત થઇ અને જે ક્રાંતિ સર્જી તેનાં પરિણામો આજે દેખાઈ રહ્યાં છે. લોકો ફિલ્મો અને મનોરંજનના નામે થતી બદમાશી સમજવા માંડ્યા છે, સોશિયલ મીડિયાના કારણે પ્રોપેગેન્ડા ખુલ્લો પડે છે, લોકો ચર્ચા કરે છે અને સારા-ખરાબ વચ્ચેનો ભેદ પારખતા જાય છે. 

  અને આમ જોવા જઈએ તો આ બહિષ્કાર માત્ર એક ફિલ્મનો નથી, પરંતુ બૉલીવુડની હિંદુવિરોધી, ભારતવિરોધી માનસિકતાનો છે. તેમાં આમિર ખાનના જૂના નિવેદનો અને અમૂક કરતૂતો પણ ઉમેરાઈ અને માંગ વધુ તેજ બની. પરંતુ આ ફિલ્મને ફ્લૉપ બનાવીને લોકોએ એક સંદેશ આપ્યો છે કે મનોરંજનના નામે પ્રોપેગેન્ડા ક્યારેય સહન કરવામાં નહીં આવે. ભલે ફિલ્મમાં ‘મોટા’ સ્ટાર પણ કેમ ન હોય કે તેની પડખે વર્ષોથી મૂળિયાં જડ બનાવીને બેઠેલી ઈકોસિસ્ટમ પણ કેમ ન હોય.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં