Monday, March 17, 2025
More
    હોમપેજરાજકારણકોણ છે ગૌરવ ગોગોઇનાં પત્ની એલિઝાબેથ અને પાકિસ્તાન-તૌકીર શેખ સાથે શું છે...

    કોણ છે ગૌરવ ગોગોઇનાં પત્ની એલિઝાબેથ અને પાકિસ્તાન-તૌકીર શેખ સાથે શું છે કનેક્શન: આસામ સીએમએ કેમ કહ્યું- આખી ઇકોસિસ્ટમનાં મૂળ ખોદીશું

    CM હિમંતા બિસ્વાએ ગૌરવ ગોગોઈની પાકિસ્તાની હાઈ કમિશનર અબ્દુલ બાસિત સાથેની મુલાકાત અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે તેમના પત્ની એલિઝાબેથ કોલબર્નની એક જૂની X પોસ્ટ બતાવી છે.

    - Advertisement -

    કોંગ્રેસના સાંસદ (Congress MP) ગૌરવ ગોગોઈની (Gaurav Gogoi) બ્રિટિશ પત્ની એલિઝાબેથ કોલબર્ન ગોગોઈના (Elizabeth Colburn Gogoi) ISI સાથે લિંક હોવાના આરોપો પર SIT તપાસ થઈ શકે છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ SIT તપાસ જરૂરી ગણાવી છે. તેમણે દાવો કર્યો છે કે, ગોગોઈનાં પત્ની લગ્ન પછી પણ પાકિસ્તાન ગયાં હોવાના પુરાવા છે. આ દરમિયાન, એલિઝાબેથ કોલબર્નના પાકિસ્તાની સુપરવાઇઝર વિશે પણ નવા ખુલાસા પણ થયા છે. ગૌરવ ગોગોઈની પાકિસ્તાની હાઈ કમિશનર સાથેની મુલાકાત અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

    શું કહ્યું આસામ CMએ?

    આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શનિવારે (15 ફેબ્રુઆરી, 2025) કહ્યું છે કે, “અમારી પાસે નક્કર માહિતી છે કે, એલિઝાબેથ ગોગોઈ તેમનાં લગ્ન પછી પણ પાકિસ્તાન ગયાં હતાં. તેઓ સાંસદ સાથે ગયાં હતાં કે એકલાં, આ બાબતોની પુષ્ટિ પણ થઈ જશે. ઘણી નવી માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે.”

    તેમણે કહ્યું કે, રવિવારે યોજાનારી કેબિનેટ બેઠકમાં આ મામલાની SIT તપાસ માટે ચર્ચા થશે. CM સરમાએ સ્પષ્ટતા કરી છે કે, આ તપાસ ફક્ત એલિઝાબેથ કોલબર્ન પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ તેમની સાથે સંકળાયેલા લોકો અને બાકી ઇકોસિસ્ટમને પણ આવરી લેવામાં આવશે.

    - Advertisement -

    તેમણે કહ્યું કે, તપાસ માટે કેસ નોંધવામાં આવશે, ત્યારબાદ તેમના પાસપોર્ટ અને વિઝાની વિગતો એકત્રિત કરવામાં આવશે. તેમણે એ પણ ચિંતા વ્યક્ત કરી છે કે, જ્યારે ગૌરવ ગોગોઈના પિતા તરુણ ગોગોઈ મુખ્યમંત્રી હતા ત્યારે ISIની મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ હતી કે કેમ. તેમણે એમ પણ કહ્યું છે કે, આ અંગે પણ તપાસ કરવામાં આવશે.

    CM હિમંતા બિસ્વાએ ગૌરવ ગોગોઈની પાકિસ્તાની હાઈ કમિશનર અબ્દુલ બાસિત સાથેની મુલાકાત અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે તેમના પત્ની એલિઝાબેથ કોલબર્નની એક જૂની X પોસ્ટ બતાવી છે, જેમાં તેઓ ઇસ્લામાબાદમાં હોવા વિશે કહી રહ્યા છે.

    કોણ છે એલિઝાબેથ કોલબર્ન?

    ગૌરવ ગોગોઈ પર ઉઠેલા વિવાદના કેન્દ્રમાં તેમના પત્ની એલિઝાબેથ કોલબર્ન ગોગોઈ છે. કોલબર્ન અને ગૌરવ ગોગોઈ 2010માં સંયુક્ત રાષ્ટ્ર સચિવાલયમાં કામ કરતી વખતે મળ્યા હતા. આ પછી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. કોલબર્ન અને ગોગોઈએ 2013માં લગ્ન પણ કરી લીધાં હતાં.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૌરવ ગોગોઈના પિતા અને આસામના તત્કાલીન મુખ્યમંત્રી તરુણ ગોગોઈ શરૂઆતમાં આ લગ્ન માટે તૈયાર નહોતા. જોકે, પાછળથી તેમણે આ માટે સંમતિ આપી દીધી હતી. એલિઝાબેથ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભણેલા છે અને તેમણે પોતાની કારકિર્દીનો મોટાભાગનો સમય એક NGO માટે કામ કરવામાં વિતાવ્યો છે.

    કોલબર્ન હાલમાં ઓક્સફર્ડ પોલિસી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરે છે. આ સંસ્થા પર્યાવરણ પર કામ કરે છે. એલિઝાબેથ કોલબર્ન અગાઉ CDKN નામના NGOમાં કામ કરી ચૂક્યા છે. આ NGOમાં પાકિસ્તાની દખલગીરીના આરોપો પણ છે.

    શું છે કોલબર્ન પર આરોપો?

    એલિઝાબેથ કોલબર્નની નાગરિકતા અંગે સૌથી પહેલાં CM બિસ્વા સરમાએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું હતું કે, લગ્નનાં 12 વર્ષ પછી પણ કોલબર્ન પાસે ભારતીય નાગરિકતા કેમ નથી અને તેઓ પોતાની બ્રિટિશ નાગરિકતા કેમ જાળવી રાખી રહ્યા છે. લગ્ન પહેલાં અને પછી પણ કોલબર્ન જે સંસ્થાઓ સાથે કામ કરતા હતા તેના પર પણ પ્રશ્નો ઉભા થયા છે.

    કોલબર્ને 2011-15 દરમિયાન ક્લાઇમેટ એન્ડ ડેવલપમેન્ટ નોલેજ નેટવર્ક (CDKN) માટે કામ કર્યું હતું. એવો દાવો કરવામાં આવે છે કે, આ સમયગાળા દરમિયાન તેઓ મોટાભાગનો સમય પાકિસ્તાનમાં જ રહ્યા હતા. તેઓ પાકિસ્તાનમાં CDKN સાથે સંકળાયેલી સંસ્થા LEAD માટે કામ કરતા હતા. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, તેમને પાકિસ્તાન સરકારના એક ટાસ્ક ફોર્સમાં પણ સામેલ કરવામાં આવ્યા હતા.

    આ ટાસ્ક ફોર્સ કથિત રીતે પાકિસ્તાન માટે પૈસા એકઠા કરતી હતી. તેના પર ISIનું એક મુખોટું હોવાનો આરોપ પણ છે. આ કારણે જ તેમના પર ISI લિંક હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પાકિસ્તાન અને ભારતમાં કામ કરતી વખતે કોલબર્નનો સુપરવાઇઝર પાકિસ્તાની અલી તૌકીર શેખ હતો. તેના ભારતવિરોધી પ્રોપગેન્ડા પણ હવે સામે આવ્યા છે.

    CDKNના એક અન્ય સંગઠન ICLEI સાથે સંકળાયેલ હોવાનું પણ સામે આવ્યું છે. ભારતવિરોધી જ્યોર્જ સોરોસ દ્વારા ICLEIને $2.1 મિલિયનની (આશરે ₹17 કરોડ) રકમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, કોલબર્ન પર પાકિસ્તાન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા અમેરિકન સેન્ટર ટોમ ઉડાલ સાથે સંકળાયેલા હોવાનો પણ આરોપ છે.

    સુપરવાઇઝર કરી રહ્યો હતો ભારતને બદનામ

    અલી તૌકીર શેખ પોતાને પર્યાવરણ અને પાણી સંબંધિત મુદ્દાઓનો નિષ્ણાત તરીકે વર્ણવે છે. તેણે ઘણી NGO સાથે કામ કર્યું છે. હવે શેખ ભારતવિરોધી એજન્ડા ચલાવી રહ્યો હોવાના પુરાવા બહાર આવ્યા છે. તેણે પોતાના X હેન્ડલ દ્વારા ભારતની ખોટી છબી દુનિયા સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.

    એલિઝાબેથ સાથે કામ કરતા શેખે એવી અફવાઓ ફેલાવી હતી કે, ભારતીય મુસ્લિમોની નાગરિકતા છીનવાઈ જશે અને તેમને ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવશે.

    શેખે લવ જેહાદ અને તબલીગી જમાતના મુદ્દાઓ પર પણ ઝેર ફેલાવ્યું હતું. તેણે સંસદમાં દિલ્હી રમખાણોનો મુદ્દો ઉઠાવવા બદલ કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈની પણ પ્રશંસા કરી હતી. તેણે આ અંગે X પર પોસ્ટ પણ કરી હતી. આ ઉપરાંત, અલી શેખે અનેક વખત ભારતવિરોધી પોસ્ટ પણ કરી હતી.

    તેણે ભારતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની સમસ્યા સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે, ભાજપ તેને હિંદુ-મુસ્લિમ વિવાદ તરીકે રજૂ કરી રહી છે. અલી તૌકીર શેખે આસામ સંબંધિત મુદ્દાઓ પર સરકાર અથવા ભાજપ વિરુદ્ધ સતત પોસ્ટ કરી હતી. જોકે, પાકિસ્તાની નાગરિક હોવાના કારણે તેનો આસામ સાથે કોઈ સીધો સંબંધ પણ નહોતો.

    ગૌરવ ગોગોઈ પર પણ સવાલ

    એલિઝાબેથ કોલબર્ન ઉપરાંત તેમના પતિ ગૌરવ ગોગોઈને પણ CM હિમંતા બિસ્વા સરમાએ ઘેરી લીધા છે. સીએમ બિસ્વા સરમાએ કહ્યું હતું કે, 2015માં પાકિસ્તાની હાઈ કમિશનર અબ્દુલે ગૌરવ ગોગોઈને બોલાવ્યા હતા. ગૌરવ ગોગોઈ આ મીટિંગમાં 50-60 વિદ્યાર્થીઓને સાથે લઈ ગયા હતા. સીએમ સરમાએ પૂછ્યું છે કે, શું ગૌરવ ગોગોઈએ તે સમયે વિદેશ મંત્રાલય પાસેથી પરવાનગી લીધી હતી?

    સીએમ સરમાએ એક પોસ્ટમાં કહ્યું છે કે, અબ્દુલ બાસિતને મળ્યાના થોડા દિવસો પછી ગૌરવ ગોગોઈએ ભારતીય કોસ્ટ ગાર્ડ વિશે ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. ગૌરવ ગોગોઈએ પૂછ્યું હતું કે, કોસ્ટ ગાર્ડ કયા નવા રડાર સ્ટેશન સ્થાપિત કરી રહ્યું છે અને સર્વેલન્સ સાધનો કોણ ખરીદી રહ્યું છે. તેમણે તેને માત્ર એક સંયોગ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

    સીએમ સરમાએ આ પ્રશ્નોના સમય અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. સાંસદ ગૌરવ ગોગોઈના NGOમાં પ્રકાશિત એક લેખમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પ્રત્યે દયા બતાવવાની હાકલ કરવામાં આવી હતી. તેમાં BSF પર માનવાધિકાર ઉલ્લંઘનની વાત કરવામાં આવી હતી. તેને લઈને પણ ઘણા પ્રશ્નો ઊભા થયા હતા.

    આ સાથે જ લોકસભામાં કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ આ બધા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે, તેઓ આવા આરોપો પર કાનૂની કાર્યવાહી કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, જો તેમની પત્ની ISI એજન્ટ છે તો તેઓ પોતે R&AWના એજન્ટ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં