ગત 3 જાન્યુઆરીએ લખનૌ સ્થિત વિશેષ NIA કોર્ટે વર્ષ 2018ના બહુચર્ચિત ચંદન ગુપ્તા હત્યા કેસમાં (Chandan Gupta Murder Case) દોષી સાબિત થયેલા 28 ગુનેગારોને ભારતીય દંડ સંહિતાની (IPC) કલમ 302 તથા અન્ય કલમો હેઠળ આજીવન કેદની સજા ફટકારી. ઉત્તર પ્રદેશના કાસગંજમાં 26 જાન્યુઆરી, 2018ના રોજ તિરંગા યાત્રા દરમિયાન થયેલી હિંસા દરમિયાન ચંદનની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવી હતી. આ મામલે કોર્ટે 28 મુસ્લિમ શખ્સોને ગુનેગાર ઠેરવ્યા અને સજા ફટકારી. કેસની ટ્રાયલ 6 વર્ષ સુધી ચાલી. આ કેસ સંબંધિત દસ્તાવેજો અને FIR પરથી ઘણી બધી બાબતો જાણવા મળી છે.
કોર્ટના દસ્તાવેજો અનુસાર, 26મી જાન્યુઆરી, 2018ના રોજ સવારે 10:30 વાગ્યે કાસગંજમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિષેક ગુપ્તા ઉર્ફે ચંદન તેના ભાઈ વિવેક અને અન્ય મિત્રો સાથે દેશભક્તિના આ કાર્યક્રમમાં ભાગ લેવા ગયો હતો. આ દરમિયાન તે તમામ લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ પકડીને ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ જેવા દેશભક્તિના નારા લગાવતા તિરંગા યાત્રામાં આગળ વધી રહ્યા હતા.
જ્યારે આ શોભાયાત્રા ગવર્નમેન્ટ ગર્લ્સ ઇન્ટર કોલેજના ગેટ સુધી પહોંચી ત્યારે હથિયારબંધ ટોળાએ અચાનક જ આ યાત્રા પર હુમલો કરી દીધો હતો. કહેવામાં આવી રહ્યું હતું કે, આ ટોળું તિરંગા યાત્રા પર હુમલો કરવા માટે પહેલાથી જ અહીં તૈયારી કરીને બેઠું હતું. સલીમ, વસીમ, નસીમ (બરકતઉલ્લાના દીકરાઓ), ઝાહિદ ઉર્ફે જગ્ગા, આસિફ કુરૈશી ઉર્ફે હિટલર સહિતના આરોપીઓએ શોભાયાત્રા રસ્તો રોકીને બળજબરીથી ભારતીય ધ્વજ ઝૂંટવી લીધો હતો. તેમણે દાદાગીરી કરીને ધ્વજને જમીન પર ફેંકી દીધો હતો અને ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ અને ‘હિન્દુસ્તાન મુર્દાબાદ’ જેવા નારા લગાવ્યા હતા.
ત્યારબાદ આરોપીઓએ શોભાયાત્રામાં ભાગ લેનારાઓને ધમકી આપી હતી અને માંગ કરી હતી કે જો તેઓ તે વિસ્તારમાંથી પસાર થવા માંગતા હોય તો તેઓ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવવા પડશે. દેશભક્ત ચંદને તેમનો વિરોધ કરતા ટોળાએ હુમલો કરી દીધો, અહીં પથ્થરમારો અને ફાયરિંગ કરવામાં આવ્યું. હુમલા દરમિયાન કેટલાક લોકો ‘બધાને મારી નાખો’ જેવી બૂમો પાડી રહ્યા હતા, જેના કારણે અંધાધૂંધી ફેલાઈ ગઈ. હિંસા દરમિયાન સલીમે હત્યા કરવાના ઈરાદે ચંદનને ગોળી મારી દીધી હતી. ગોળીબાર અને પથ્થરમારામાં શોભાયાત્રામાં જોડાયેલા અન્ય લોકો પણ ઘાયલ થયા હતા.
ચંદનનો ભાઈ વિવેક અને તેમના કેટલાક મિત્રો ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા ચંદનને કાસગંજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જોકે તેઓ હોસ્પિટલ પહોંચ્યા તે સમયે ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે દેશભરના હિંદુઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો, સ્થાનિકોમાં પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી. ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતા જોઈ પ્રશાસને તરત જ કાર્યવાહી હાથ ધરી હતી અને કાસગંજ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ મામલે બે FIR નોંધવામાં આવી હતી, જેમાંથી એકમાં ચંદન ગુપ્તાની હત્યાની વિગતો આપવામાં આવી હતી.
શું હતું FIRમાં?
ચંદન ગુપ્તા હત્યા કેસમાં એફઆઈઆર તેના પિતા સુશીલ ગુપ્તાએ નોંધાવેલી ફરિયાદના આધારે દાખલ કરવામાં આવી હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર ચંદન, તેનો ભાઈ વિવેક અને અન્ય લોકો તિરંગા યાત્રામાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે સશસ્ત્ર આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે તેમના પર હુમલો કર્યો હતો. તેઓએ શોભાયાત્રામાં અવરોધ ઊભો કર્યો, રાષ્ટ્રધ્વજ આંચકી લીધો અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. જ્યારે ચંદને તેનો પ્રતિકાર કર્યો ત્યારે આરોપીએ તેમના પર હિંસક હુમલો કર્યો હતો, જેના કારણે તેને જીવલેણ ઈજાઓ પહોંચી હતી.
FIR ભારતીય દંડ સંહિતાની (IPC) અનેક કલમો હેઠળ નોંધવામાં આવી હતી, જેમાં કલમ 147 (રમખાણો કરવાં), 148 (ઘાતક હથિયારો સાથે હુલ્લડ મચાવવું), 149 (એક જ ઉદ્દેશ્યથી ગેરકાયદેસર મંડળી રચવી), 341 (ખોટી રીતે અવરોધ ઊભો કરવો), 336 (અન્યના જીવન અથવા વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકતાં કૃત્યો કરવાં), 307 (હત્યાનો પ્રયાસ), 302 (હત્યા), 504 (શાંતિભંગને ઉશ્કેરવાના ઇરાદાથી અપમાન), 304 (બિનઇરાદાપૂર્વક હત્યા), 506 (ગુનાહિત ધાકધમકી) અને 124એ (રાજદ્રોહ). આ ઉપરાંત રાષ્ટ્રીય ધ્વજના અપમાન નિવારણ અધિનિયમ, 1950 ની કલમ 3, રાષ્ટ્રધ્વજના અનાદરને લગતી કલમો પણ ઉમેરવામાં આવી હતી.
આ મામલે જાહિદ ઉર્ફે જગ્ગા (32), નસરુદ્દીન (68), અકરમ (20), તૌફીક (24), ખિલાન (45), રાહત (32), મોહસીન ઉર્ફે અલી (25), આસિફ જીમ વાલા (28), બબલુ (22) , વસીફ (25), સલીમ (45), સલમાન (25), વસીમ (28), નસીમ (27), નિશુ ઉર્ફે ઝીશાન (21), ઈમરાન (28), સાકીર (30), શમશાદ (32), ઝફર (23), સાકીર (24), ખાલિદ પરવેઝ (23), ફૈઝાન (21), અઝીઝુદ્દીન (55), ઈમરાન (24) , આસિફ કુરેશી ઉર્ફે હિટલર (25), અસલમ કુરેશી (30), અસીમ કુરેશી (26), શબાબ (29), સાકિબ (22), મુનાઝીર રફી (32), અને આમિર રફી (42)- તમામ વિરુદ્ધ આ FIR નોંધાઈ હતી.
આખો કેસ કાસગંજ કેવી રીતે ટ્રાન્સફર થયો?
ચંદન ગુપ્તા હત્યા કેસ કાસગંજ કોર્ટમાં ચાલી જતાં તેના પિતા સુશીલ ગુપ્તાએ અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી કરીને આ કેસ ટ્રાન્સફર કરવાની માગણી કરી હતી. પોતાની અરજીમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, આ કેસના એક આરોપી મુનાઝીર રફી અને તેના મળતિયાઓ તેમના પર સમાધાન કરવા માટે દબાણ કરી રહ્યા હતા. વધુમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે કાસગંજના કેટલાક વરિષ્ઠ વકીલોએ મુનાઝીરના ડરથી અને ધાકધમકીના કારણે પીડત પક્ષનું પ્રતિનિધિત્વ કરવાનો ઇનકાર કર્યો હતો.
ગુપ્તાએ કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક કાનૂની સમુદાયના એક નોંધપાત્ર વર્ગ સહિતના મુનાઝીરના સમર્થકોએ ચંદનના પરિવારનું જીવવું હરામ કરી નાખ્યું હતું. તેમના વિરુદ્ધ દ્વેષપૂર્ણ વાતાવરણ ઉભું કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે તેમના માટે યોગ્ય કાનૂની પ્રતિનિધિત્વ મેળવવું અશક્ય બની ગયું હતું. આ પરિસ્થિતિએ સુશીલને કાસગંજમાં નિષ્પક્ષ સુનાવણીની સંભાવના અંગે આશંકા વ્યક્ત કરી હતી.
હાઈકોર્ટમાં આ મામલાની સુનાવણી દરમિયાન સુશીલે દલીલ કરી હતી કે, કાસગંજમાં તેના પુત્રની હત્યાનો કેસ પ્રતિકૂળ વાતાવરણ અને આરોપીઓના ધાકધમકીભર્યા અયોગ્ય પ્રભાવને કારણે યોગ્ય રીતે નહીં ચલાવી શકાય. તેમણે જણાવ્યું હતું કે જિલ્લાના કોઈ પણ વરિષ્ઠ વકીલે તેમના વતી વકાલતનામું દાખલ ન કર્યું, જેના કારણે તેઓ તેમના પુત્રને ન્યાય અપાવવામાં વધુ હેરાન થઈ રહ્યા છે. બીજી તરફ આરોપીના વકીલે સુશીલના આરોપો પાયાવિહોણા હોવાનો દાવો કર્યો હતો.
આ કેસની ઝીણવટપૂર્વક તપાસ કર્યા બાદ જસ્ટિસ અનિલકુમાર ઓઝાની આગેવાની હેઠળની હાઇકોર્ટની બેન્ચે એવું તારણ કાઢ્યું હતું કે કાસગંજમાં તેમના પક્ષપાતની આશંકા વાજબી હતી. તેમાં નોંધવામાં આવ્યું હતું કે મુનાઝીર રફીના પ્રભાવ, વરિષ્ઠ વકીલો દ્વારા ગુપ્તાનું પ્રતિનિધિત્વ કરવાનો ઇનકાર સાથે મળીને, એક એવું વાતાવરણ ઉભું કર્યું હતું જ્યાં નિષ્પક્ષરીતે ન્યાય મળી શકે તેમ નહોતું.
10 માર્ચ, 2022ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે કેસની ટ્રાન્સફર અરજીને મંજૂરી આપી હતી અને કાસગંજના જિલ્લા ન્યાયાધીશને બે અઠવાડિયાની અંદર કેસ એટાના જિલ્લા ન્યાયાધીશને સ્થાનાંતરિત કરવા નિર્દેશ આપ્યો હતો. તેણે એટાના જિલ્લા ન્યાયાધીશને આ કેસ સક્ષમ અદાલતને સોંપવાની સૂચના આપી હતી.
એટાથી કેસ લખનૌ કેવી રીતે ટ્રાન્સફર થયો?
કેસ એટા ટ્રાન્સફર કરવામાં આવ્યા પછી એક નિર્ણાયક વળાંક લીધો, જેના કારણે ફરી ટ્રાન્સફરની જરૂર પડી. આ કેસમાં ભારતીય દંડ સંહિતાની (રાજદ્રોહ) કલમ 124-એ હેઠળ આરોપોનો સમાવેશ થાય છે, જે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અધિનિયમ- 2008 હેઠળ નિર્ધારિત અપરાધ છે. આ જોગવાઈ કેટલાક ગુનાઓ માટે NIA એક્ટ હેઠળ નિયુક્ત વિશેષ અદાલત દ્વારા સુનાવણીની જરૂર પડે છે.
NIAએ એક્ટની કલમ 22 મુજબ જ્યારે કલમ 124-એ હેઠળ કોઈ પર આરોપ મૂકવામાં આવે ત્યારે વિશેષ અદાલત દ્વારા સુનાવણી હાથ ધરવી ફરજિયાત બની જાય છે. જેના કારણે રાજ્ય સરકારે એક જાહેરનામું બહાર પાડીને આ કેસને લખનૌની વિશેષ NIA કોર્ટમાં સ્થાનાંતરિત કર્યો હતો. ત્યારબાદ આ કેસની સુનાવણી 21મી એપ્રિલ, 2022થી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વિવેકાનંદ શરણ ત્રિપાઠીની અધ્યક્ષતાવાળી કોર્ટમાં કરવામાં આવી હતી
સમગ્ર સુનાવણી દરમિયાન આરોપી પક્ષે કેસને વધુ લંબાવવા માટે દરેક કાનૂની દાવપેચ અપનાવી જોયા. તેઓએ કેસ ટ્રાન્સફર કે બરતરફી માટે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં પિટિશનો કરી હતી, પરંતુ સંબંધિત કોર્ટ દ્વારા અરજીઓને ફગાવી દેવામાં આવી હતી.
કેસને ફરી કાસગંજ સ્થાનાંતરિત કરવા માટે આવેદન રદ કરવામાં આવ્યું
સુનાવણી શરૂ થતાંની સાથે જ અને વિશેષ NIA કોર્ટે 2024ના અંતમાં ચુકાદો અનામત રાખ્યો હતો, ત્યારે આરોપીઓએ સુનાવણીને કાસગંજ સ્થાનાંતરિત કરવાની માંગ સાથે અલ્હાબાદ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેઓએ દલીલ કરી હતી કે કેસની પ્રકૃતિ સ્થાનિક હતી, જેમાં સાક્ષીઓ, પુરાવા અને સંજોગો સીધા કાસગંજ સાથે જોડાયેલા હતા. તેઓએ દલીલ કરી હતી કે લખનૌમાં સુનાવણી યોજવાથી, ઘટનાસ્થળથી દૂર પક્ષકારો અને સાક્ષીઓ બંને માટે બિનજરૂરી પડકારો ઉભા થયા છે. આરોપી પક્ષે વિશેષ NIA કોર્ટના અધિકાર ક્ષેત્ર પર પણ સવાલો ઉભા કર્યા હતા. વાસ્તવમાં તેમણે સુપ્રીમકોર્ટના SG વોમ્બટકેરે વર્સીસ ભારત સંઘ (2022) કેસના આદેશનો રેફરન્સ આપ્યો હતો.
ફરિયાદી પક્ષ અને તેમના સલાહકારે ટ્રાન્સફર અરજીનો સખત વિરોધ કર્યો હતો. તેઓએ દલીલ કરી હતી કે કલમ 124-એ આઈપીસી હેઠળના આરોપો, સ્ટે હોવા છતાં માન્ય રહ્યા છે, અને એનઆઈએ કોર્ટમાં ટ્રાન્સફર એનઆઈએ એક્ટની જોગવાઈઓ અનુસાર છે. ફરિયાદી પક્ષે તે બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે સુપ્રીમ કોર્ટે આરોપીને કોઈ પૂર્વગ્રહ ન થાય તો અન્ય કલમો હેઠળ સુનાવણીને આગળ વધારવાની મંજૂરી આપી હતી.
તેઓએ દલીલ કરી હતી કે લખનૌની એનઆઈએ કોર્ટ તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષાની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને આ કેસને હેન્ડલ કરવા માટે સારી રીતે સજ્જ છે અને સુનાવણી કાસગંજ રિટર્ન કરવાથી ન્યાયિક પ્રક્રિયાની અખંડિતતાને નુકસાન થશે. તેઓએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્થાનિક વ્યક્તિઓ દ્વારા પક્ષપાત અને પ્રભાવની આશંકાને કારણે આ કેસ અગાઉ કાસગંજની બહાર એટામાં સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો. તેઓએ દલીલ કરી હતી કે કેસને કાસગંજમાં પાછો લાવવાથી ફરી પીડિત ફરિયાદી માટે મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે.
કોર્ટે ફગાવી દીધી અરજી, કરી મહત્વપૂર્ણ ટિપ્પણી
આખરે જસ્ટિસ રાજીવ સિંઘની આગેવાની હેઠળની હાઇકોર્ટની ખંડપીઠે 20મી ડિસેમ્બરે આરોપી પક્ષની કેસ ટ્રાન્સફર કરવાની અરજીને ફગાવી દીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું કે આરોપીઓએ ટાંકેલા આધારો ટ્રાન્સફરને લાયક નથી. કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે કલમ 124-એ આઈપીસી હેઠળના આરોપોને કારણે એનઆઈએ કોર્ટમાં સ્થાનાંતરિત કરવાની જરૂર પડી હતી અને તે કાર્યવાહી પરના સ્ટેથી વિશેષ અદાલતના અધિકારક્ષેત્રને અમાન્ય ઠેરવવામાં આવ્યું નથી.
કોર્ટે એ દાવાને પણ નકારી કાઢ્યો હતો કે એનઆઈએ કોર્ટના અધિકારક્ષેત્રનો અભાવ છે. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે એનઆઈએ એક્ટ હેઠળ, વિશેષ એનઆઈએ કોર્ટને અનુસૂચિત ગુનાઓ સાથે સંકળાયેલા કેસોની સુનાવણી કરવાની સત્તા આપવામાં આવી હતી, અને કલમ 124-એ આઈપીસી પરના સ્ટેથી સંબંધિત આરોપો નક્કી કરવાની તેની સત્તાને અસર થઈ નથી. આ ઉપરાંત લખનઉમાં ચાલી રહેલી સુનાવણીથી આરોપીઓ સાથે પક્ષપાત થયો હોવાના કોઈ પુરાવા પણ કોર્ટને મળ્યા નથી. તેમાં નિરીક્ષણ કરવામાં આવ્યું છે કે તેઓએ કાર્યવાહીમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને અગાઉ કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો.
આરોપીએ આ મામલે સર્વોચ્ચ ન્યાયાલયનો દરવાજો પણ ખખડાવ્યો, પરંતુ ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ પ્રસન્ના બી વર્લેની પીઠે અરજી ફગાવી દીધી હતી.
આ દરમિયાન કેસમાં પ્રત્યદર્શી અને સાક્ષીઓની જુબાની લેવામાં આવી, જેમાં તેના ચંદન ગુપ્તાના ભાઈ તેમજ મિત્ર અને અન્ય લોકોના નિવેદનો કોર્ટમાં લેવામાં આવ્યાં. આ નિવેદનોએ પણ કેસની સુનાવણીઓમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તારણો
ચંદનની હત્યાના મેડિકલ પુરાવા અને પોસ્ટ-મોર્ટમ રિપોર્ટે પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો સમર્થન આપવામાં અને મૃત્યુનું કારણ સ્થાપિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે ચંદનને એક જ ગોળી જ ગોળી વાગી હતી જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. તે એ બાબતની પુષ્ટિ કરે છે કે તેને ખૂબજ નજીકથી ધડના ભાગમાં ગોળી મારવામાં આવી હતી. રિપોર્ટમાં સંકેત આપવામાં આવ્યો છે કે ગોળી તેના શરીરના મહત્વના ભાગે મારવામાં આવી હતી.
ચંદનને બચાવવા તબીબી પ્રયાસો
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ચંદનની સારવાર કરનારા ડોક્ટરોએ રજૂ કરેલા રિપોર્ટ મુજબ તેને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર પૂરી પાડવાના તમામ પ્રયત્નો છતાં તેને ન બચાવી શકાયો અને અંતે ચંદનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ફરજ પર હાજર રહેલા ડોક્ટરે મેડિકલ રિપોર્ટમાં નોંધ્યું હતું કે, ગોળીથી થયેલા વધુ પડતા આંતરિક નુકસાનને કારણે તેનો જીવ બચાવવો અશક્ય થઈ પડ્યો હતો.
ચંદન ગુપ્તા હત્યા કેસમાં કોર્ટનો નિર્ણય
સ્પેશિયલ એનઆઈએ કોર્ટે પોતાના વિસ્તૃત ચુકાદામાં આઈપીસીની કલમ 302 હેઠળ 30માંથી 28 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. આરોપીઓ – સલીમ, વસીમ, નસીમ, નસીમ, ઝાહિદ ઉર્ફે જગ્ગા, આસિફ કુરેશી ઉર્ફે હિટલર, અસલમ કુરેશી, અકરમ, તૌફીક, ખિલાન, શાવાબ, રાહત, સલમાન, મોહસીન, આસિફ જિમવાલા, સાકિબ, બબલુ, નિશ, વાસિફ, ઇમરાન, શમશાદ, ઝફર, સાકીર, ખાલિદ પરવેઝ, ફૈઝાન, ઇમરાન, સાકીર, મુનાઝીર રફી અને અમીર રફીને આ સજા મળી. સાથે તેમને 50-50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડ ન ભરવાના કિસ્સામાં, તેઓ વધારાના નવ મહિનાની કેદની સજા ભોગવવાની રહેશે.
આ ઉપરાંત, તેમને અન્ય કલમો હેઠળ પણ સજા ફટકારવામાં આવી હતી જેમાં કલમ 147 (રમખાણો), કલમ 148 (ઘાતક હથિયારો સાથે હુલ્લડ), કલમ 341 (ખોટી રીતે રોકવા), કલમ 336 (જીવન અથવા વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકવી), કલમ 307 (હત્યાનો પ્રયાસ), કલમ 504 (શાંતિનો ભંગ ઉશ્કેરવા માટે ઇરાદાપૂર્વક અપમાન કરવું), અને કલમ 506 (ગુનાહિત ધાકધમકી) સહિતની કલમો હેઠળ સજા ફટકારવામાં આવી હતી. આ કલમના આધારે છ મહિનાથી દસ વર્ષ સુધીની સજાઓ હતી.
છ આરોપીઓ – મોહસીન, રાહત, વસીમ, બબલુ, નસીમ અને સલમાનને આર્મ્સ એક્ટની કલમ 3/25 હેઠળ ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી અને સાથે સાથે ₹10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ચુકવણી ન કરવાના કિસ્સામાં તેઓ વધારાના ત્રણ મહિના સજા કાપશે. સલીમને આર્મ્સ એક્ટની કલમ 25/27 હેઠળ સાત વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી અને તેને ₹20,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જો તેમ ન થાય તો તે લકો વધુ છ મહિનાની સજા ભોગવશે.
કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આરોપીઓએ તમામ સજાઓ એક સાથે ભોગવવાની રેહશે, કારણ કે જેલમાં પહેલેથી જ વિતાવેલો સમય એકંદર સજામાંથી કાપી લેવામાં આવશે.
નોંધ: ચંદન ગુપ્તા હત્યા કેસ પરનો આ રિપોર્ટ કાસગંજ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સ્પેશિયલ એનઆઈએ કોર્ટ લખનૌ અને અલ્હાબાદ હાઇકોર્ટના દસ્તાવેજો પર આધારિત છે.