Saturday, January 11, 2025
More
    હોમપેજરાજકારણસરકારને થયું ₹2026 કરોડનું નુકસાન, અમલીકરણમાં અનેક ખામીઓ: જે એક્સાઈઝ પોલિસીના કારણે...

    સરકારને થયું ₹2026 કરોડનું નુકસાન, અમલીકરણમાં અનેક ખામીઓ: જે એક્સાઈઝ પોલિસીના કારણે કેજરીવાલ-સિસોદિયાએ ખાવી પડી જેલની હવા, તેના વિશે CAGના રિપોર્ટમાં અનેક મોટા ઘટસ્ફોટ

    CAGનો આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે, જ્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ભાજપે તેને મોટો મુદ્દો બનાવ્યો છે અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે જવાબ માંગ્યો છે. જોકે, આમ આદમી પાર્ટીએ આ અહેવાલને સંપૂર્ણપણે ફગાવી દીધો છે.

    - Advertisement -

    કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના (CAG) રિપોર્ટમાં દિલ્હી સરકારના (Delhi Government) લિકર પોલિસી કૌભાંડને (Excise Policy Scam) લઈને અનેક ઘટસ્ફોટ થયા છે. CAGના રિપોર્ટ અનુસાર, અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સરકારની આ લિકર પોલિસીના કારણે દિલ્હી સરકારને ₹2026 કરોડનું મોટું નુકસાન થયું છે. આ નીતિ નવેમ્બર 2021માં લાગુ કરવામાં આવી હતી અને તેનો હેતુ દારૂના વેચાણ દ્વારા આવક વધારવા અને સિસ્ટમમાં સુધાર કરવાનો હતો. જોકે, રિપોર્ટમાં તેને ભ્રષ્ટાચાર, અનિયમિતતા અને કમિશનખોરીથી ભરેલી નીતિ ગણવામાં આવી છે. આ મામલામાં મનીષ સિસોદિયા, અરવિંદ કેજરીવાલ સહિત ઘણા મોટા નેતાઓને જેલની હવા પણ ખાવી પડી હતી, કારણ કે દારૂ કૌભાંડમાંથી એકઠા કરાયેલા નાણાંથી મની લોન્ડરિંગનો મામલો પણ સામે આવ્યો હતો.

    આ ઉપરાંત CAGના રિપોર્ટમાં દિલ્હી લિકર પોલિસીના અમલીકરણમાં પણ ખૂબ મોટી ખામીઓ જણાવવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, આખરે કરદાતાઓને જ ગેરવહીવટની કિંમત ચૂકવવી પડી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના (AAP) નેતાઓને ભ્રષ્ટાચારનો લાભ થયો હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ મુદ્દાના મૂળમાં દિલ્હીના પૂર્વ મંત્રી મનીષ સિસોદિયાના નેતૃત્વવાળું મંત્રીઓનું ગ્રુપ છે.

    કરોડોના કૌભાંડ થયા ઉજાગર

    વધુમાં CAG રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દારૂની દુકાનોને લાયસન્સ આપવામાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. એવી ઘણી કંપનીઓને લાયસન્સ આપવામાં આવ્યા હતા જે ખોટમાં હતી અથવા જેની સામે ફરિયાદો નોંધાયેલી હતી. નિયમો તોડનારાઓને સજા કરવાને બદલે તેમને છૂટ આપવામાં આવી રહી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેબિનેટ અને લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી વિના દારૂ નીતિના ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

    - Advertisement -

    એટલું જ નહીં, રિપોર્ટમાં કહેવાયું છે કે, દિલ્હી લિકર પોલિસી કૌભાંડ દરમિયાન એક્સપર્ટ પેનલની ભલામણોને અવગણીને મનસ્વી રીતે નિર્ણયો લેવામાં આવ્યા હતા. લાયસન્સધારકો અને જથ્થાબંધ વેપારીઓ વચ્ચે અયોગ્ય કરારો થયા હતા. દિલ્હી સરકારે કોવિડ-19ના નામે ₹144 કરોડની લાયસન્સ ફી માફ કરી દીધી હતી, જ્યારે તેમ કરવાની કોઈ જરૂર પણ નહોતી.

    CAGએ તેના વિશ્લેષણમાં જણાવ્યું હતું કે, લિકર પોલિસી હેઠળ ઘણા મોરચે નુકસાન થયું છે.- જેમાં નીચેની તમામ બાબતોનો સમાવેશ થાય છે.

    • લાયસન્સ પરત ખેંચી લેવામાં આવ્યા હતા, પરંતુ ફરીથી ટેન્ડર કરવામાં ન આવ્યા, પરિણામે ₹890 કરોડનું નુકસાન થયું હતું.
    • ઝોનલ લાયસન્સધારકોને આપવામાં આવેલી છૂટને કારણે ₹941 કરોડનું નુકસાન થયું હતું.
    • કોવિડ-19ના નામે ₹144 કરોડની માફીથી આવક વધુ નબળી પડી.
    • સિક્યોરિટી ડિપોઝિટને વસૂલવામાં ₹27 કરોડનું નુકસાન થયું હતું.

    અમલીકરણ અને ક્વોલિટીમાં પણ થયો ભ્રષ્ટાચાર- રિપોર્ટ

    આ ઉપરાંત CAG રિપોર્ટમાં લિકર પોલિસીના અમલીકરણની ટીકા પણ કરવામાં આવી છે. સાથે કહેવામાં આવ્યું છે કે, આ નીતિ દ્વારા ઘોષિત ઉદ્દેશ્યો પણ પાર નથી પડ્યા. ઉપરાંત વધુમાં કહેવાયું છે કે, બિડર્સની નાણાકીય સ્થિતિ અને વ્યવસ્થાપક કુશળતા પર ચકાસણીનો અભાવ પણ હતો, જેના કારણે સિસ્ટમ નબળી પડી હતી. ટેસ્ટિંગ લેબ સહિત ક્વાલિટી એશ્યૉરન્સ ફેસીલીટીની સ્થાપના જેવા મુખ્ય પગલાં પણ અમલમાં મૂકવામાં આવ્યા નહોતા. ત્યાં સુધી કે, રિટેલ વેન્ડ્સનું સમાન વિતરણ, જે એક મહત્વપૂર્ણ નીતિગત ધ્યેય હતું, તે પણ અધૂરું છોડી દેવામાં આવ્યું હતું.

    CAGનો આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે, જ્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ભાજપે તેને મોટો મુદ્દો બનાવ્યો છે અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે જવાબ માંગ્યો છે. જોકે, આમ આદમી પાર્ટીએ આ અહેવાલને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. પાર્ટીના નેતા સંજય સિંઘે કહ્યું છે કે, “આ રિપોર્ટ હજુ સુધી દિલ્હી વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો નથી. ભાજપ તેને ચૂંટણીનો મુદ્દો બનાવવા માટે ખોટા દાવા કરી રહી છે.” તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ આ રિપોર્ટનો ઉપયોગ આમ આદમી પાર્ટીની છબી ખરાબ કરવા માટે કરી રહી છે.

    દિલ્હી લિકર પોલિસી

    આ સમગ્ર વિવાદના મૂળમાં દિલ્હી એક્સાઈઝ પોલિસી 2021-22 છે. આ જ નીતિમાં થયેલા કૌભાંડના કારણે આમ આદમી પાર્ટીના શીર્ષ નેતાઓ જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે. જેમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાનો પણ સમાવેશ થાય છે. આ લિકર પોલિસીને આપણે 10 બિંદુમાં સમજવાનો પ્રયાસ કરીશું.

    • લિકર પોલિસી પહેલી વખત સપ્ટેમ્બર, 2020માં પ્રસ્તાવિત કરવામાં આવી હતી, પરંતુ નવેમ્બર, 2021માં તેને લાગુ કરવામાં આવી હતી.
    • આ નીતિના કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં દારૂ વેચાણની આખી પદ્ધતિ જ બદલાઈ ગઈ હતી. બજારમાં ખાનગી ખેલાડીઓને લાવવામાં આવ્યા હતા અને સરકારી માલિકીના દારૂ વિક્રેતાઓને વિદાય આપી દેવામાં આવી હતી.
    • દિલ્હીને 32 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું હતું અને દરેક ઝોનમાં કુલ 27 ખાનગી વિક્રેતાઓ કામ કરતા હતા. દરેક મ્યુનિસિપલ વોર્ડ વિસ્તારમાં 2-3 દારૂના વિક્રેતાઓ કાર્યરત હતા.
    • દારૂની હોમ ડિલિવરી, દારૂના વિક્રેતાઓને અમર્યાદિત છૂટ આપવાની અનુમતિ, સવારે 3 વાગ્યા સુધી સ્ટોર્સ ખોલવા જેવી દરખાસ્તો પણ દિલ્હી કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
    • નીતિ પરિવર્તનને પરિણામે સરકારની આવક 27% વધીને ₹8900 કરોડ થઈ ગઈ હતી. ઉપરાંત દારૂના બિઝનેસમાંથી દિલ્હી સરકારનું સીધું બહાર આવી જવું પણ આનું એક ઉદાહરણ હોય શકે છે.
    • દારૂ નીતિ 2021-2022નો ઉદ્દેશ્ય કાળાબજારી અને દારૂ માફિયાઓને ખતમ કરવાનો હતો, જ્યારે દિલ્હી સરકાર જ ટૂંક સમયમાં ભ્રષ્ટાચારના આરોપો હેઠળ આવી ગઈ હતી.
    • દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમારે નવી લિકર પોલિસીમાં અનિયમિતતા અને પ્રક્રિયાગત ખામીઓ પણ શોધી કાઢી હતી. નરેશ કુમારની ભલામણ પર ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ CBI તપાસના આદેશ આપ્યા હતા.
    • મનીષ સિસોદિયાએ કોરોના મહામારીની આડમાં ખાનગી દારૂ વિક્રેતાઓ દ્વારા ચૂકવવામાં આવનાર લાયસન્સ ફીના ₹144.36 કરોડ માફ કરી દીધા હતા. તેના કારણે આબકારી વિભાગને નુકસાન થયું અને બીયર કેસ દીઠ ₹50ની આયાત પાસ ફી માફ કરીને દારૂના લાયસન્સધારકોને ફાયદો પણ થયો.
    • આ તમામ ફેરફારો લેફ્ટનન્ટ ગવર્નરની અંતિમ મંજૂરી વિના કરવામાં આવ્યા હતા અને આ રીતે 2010ના દિલ્હી એક્સાઈઝ નિયમો અને 1993ના વ્યાપાર નિયમોના વ્યવહારો હેઠળ તેને ગેરકાયદેસર ગણવામાં આવ્યા હતા.
    • આમ, દિલ્હી સરકારે જુલાઈ 2022માં તેની નવી આબકારી નીતિ પર યુ-ટર્ન લઈ લીધો હતો. એક મહિના પછી CBIએ મનીષ સિસોદિયા, ભૂતપૂર્વ ઓન્લી મચ લાઉડરના (OML) CEO વિજય નાયર અને અન્ય 13 સામે દિલ્હી એક્સાઈઝ પોલિસી 2021-22ના અમલીકરણમાં અનિયમિતતા માટે FIR દાખલ કરી હતી.
    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં