Friday, April 12, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટમમતા બેનર્જીની પાર્ટીમાં આંતરિક વિખવાદ: મંત્રીએ પાર્ટીના જ નેતાઓને ‘લૂંટારા’ કહ્યા, પાર્ટીએ...

  મમતા બેનર્જીની પાર્ટીમાં આંતરિક વિખવાદ: મંત્રીએ પાર્ટીના જ નેતાઓને ‘લૂંટારા’ કહ્યા, પાર્ટીએ નોટીસ પકડાવી દીધી 

  પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટીના નેતાઓ સામે તેમની જ સરકારના મંત્રી અને પાર્ટી નેતાએ સવાલો ઉઠાવી તેમને પૈસા લૂંટનારા કહી દીધા હતા.

  - Advertisement -

  એક તરફ મંત્રીઓ અને મોટા નેતાઓ ભ્રષ્ટાચારના આરોપમાં પકડાઈ રહ્યા છે ત્યાં મમતા બેનર્જીની પાર્ટીમાં વિખવાદ સામે આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના એક નેતાએ પાર્ટીના જ નેતાઓ પર ટિપ્પણી કરીને વિવાદ ઉભો કરી દીધો છે. ટીએમસી નેતા શ્રીકાંત મહતાએ એક ભાષણમાં કહ્યું હતું કે, મિમિ ચક્રવર્તી અને નુસરત જહાં જેવા પાર્ટીના નેતાઓ પાર્ટીને લૂંટી રહ્યા છે. તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. જે બાદ પાર્ટીએ તેમની સામે પગલાં લીધાં છે. 

  વાયરલ વિડીયોમાં ટીએમસી નેતા અને મમતા સરકારના મંત્રી શ્રીકાંત મહાતા કહે છે કે, અમે અમારી નાગરિકતા બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. બુદ્ધિજીવી સમાજ અને ખેડૂતો આપણી નાગરિકતા બચાવવા માટે લડી રહ્યા છીએ અને જરૂર પડી તો અમે મમતા બેનર્જી પાસે પણ જઈશું. 

  તેમણે આગળ કહ્યું હતું કે, અમે અભિષેક બેનર્જી અને સુબ્રતા બક્ષીને સમજાવવાના પ્રયત્નો કર્યા, પરંતુ તેઓ માનવા માટે તૈયાર નથી. તેઓ ખરાબ લોકોને પણ સારા સમજી રહ્યા છે. આમ આપણે કઈ રીતે ટકી શકીશું? તેમણે ખરાબને ખરાબ જ કહેવા જોઈએ. મહાદેવથી લઈને સંધ્યા રોય, જૂને માલિયા, સાયાની સાયંતિકા, મીમી અને નુસરત સુધી, જો તેઓ પાર્ટી માટે બહુ જરૂરી બની ગયા હોય તો અમે આ પાર્ટીનો હિસ્સો રહી શકીએ તેમ નથી.”

  - Advertisement -

  તેમણે આગળ કહ્યું હતું કે, જો આ લોકો પૈસા લૂંટીને પાર્ટી માટે જરૂરી બની ગયા હોય તો અમે પણ મંત્રી રહેવા માંગતા નથી. આજે લોકો તમામ મંત્રીઓને ચોર કહેવા માંડ્યા છે, પરંતુ પાર્ટી એ ચોરોને જ સાંભળશે. આપણે નવા રસ્તા તપાસવા પડશે. આ માટે એક ચળવળ શરૂ કરવી પડશે. 

  ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શિક્ષકોની ભરતીના કૌભાંડ મામલે મમતા બેનર્જી સરકારના પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ કરવામાં આવી હતી. ચેટર્જીની સહયોગી અર્પિતા મુખર્જીના બે ફ્લેટમાંથી કુલ પચાસ કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. જે બાદ ચેટર્જી અને અર્પિતા તેમજ અન્યો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, પણ ભ્રષ્ટાચારના કેસમાં અન્ય એક ટીએમસી નેતાની ધરપકડ કરવામાં આવી છે. જે બાદ આવા નિવેદનોથી મમતા બેનર્જીની પાર્ટીમાં આવનાર સમયમાં વિખવાદ વધી શકે તેવું માનવામાં આવી રહ્યું છે.

  જોકે, ટીએમસી નેતા શ્રીકાંત મહાતાના આ નિવેદન બાદ પાર્ટીએ પણ એક્શન લીધી છે અને તેમને એક શૉ કૉઝ નોટીસ જારી કરી છે. ટીએમસીના અન્ય એક નેતાએ જણાવ્યું કે, મહાતાના નિવેદનથી પાર્ટીની છબીને નુકસાન થયું છે અને આ માટે તેમની પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. 

  જાણવા મળ્યું છે કે, ટીએમસી નેતાએ નોટીસનો જવાબ આપતાં આ નિવેદન બદલ ખેદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, લાગણીઓના પ્રવાહમાં આવી જઈને તેમણે આ શબ્દો કહ્યા હતા. 

  ટીએમસી નેતાએ પાર્ટીના જ નેતાઓને લૂંટારાઓ કહ્યા બાદ ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંતા મજમુદારે કહ્યું હતું કે, શ્રીકાંત મહાતાએ સ્પષ્ટતા કરવી જોઈએ કે આ ધારાસભ્યો અને સાંસદો લૂંટી રહ્યા છે તેમ કહીને તેઓ ખરેખર શું કહેવા માંગતા હતા? તેઓ ખરેખર શું લૂંટી રહ્યા છે? તેમણે બંગાળની જનતાને આ બાબતનો જવાબ આપવો પડશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં