Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબંગાળ SSC કૌભાંડ: અર્પિતા મુખરજીના બીજા ઘરેથી મળેલી કેશ ગણી ગણાતી નથી...

    બંગાળ SSC કૌભાંડ: અર્પિતા મુખરજીના બીજા ઘરેથી મળેલી કેશ ગણી ગણાતી નથી વીણી વીણાતી નથી અને કાઉન્ટિંગ મશીનમાં સમાતી નથી

    કહેવાય છે કે અર્પિતાએ આ રૂપિયા ફ્લેટના બાથરૂમમાં સંતાડી રાખ્યા હતા. આ પૈસા એટલા હતા કે ગણવા માટે ત્રણ મશીન મંગાવવાં પડ્યાં હતાં.

    - Advertisement -

    પશ્ચિમ બંગાળમાં સરકારી શાળાઓમાં ભરતી કૌભાંડ મામલે ઇડીની કાર્યવાહી હજુ ચાલી રહી છે. દરમ્યાન, બુધવારે ઇડીએ ફરી કોલકાત્તાની આસપાસ ત્રણ ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા હતા. જેમાં ધરપકડ કરવામાં આવેલ મમતા સરકારના મંત્રી પાર્થ ચેટર્જીની સહયોગી અર્પિતા મુખર્જીનો એક ફ્લેટ પણ સામેલ છે. ઇડીને ફરી અર્પિતાના ફ્લેટમાંથી 29 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. 

    પાંચ દિવસ પહેલાં ઇડીને અર્પિતા મુખર્જીના એક ફ્લેટમાંથી 20 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. જે બાદ ઇડીએ અર્પિતા મુખર્જીની ધરપકડ કરી હતી તેમજ પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી પાર્થ ચેટર્જીની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. જે બાદ પણ ઇડીએ કાર્યવાહી ચાલુ જ રાખી છે. હવે એજન્સીને ફરી અર્પિતાના અન્ય એક ફ્લેટમાંથી 29 કરોડ રોકડા મળી આવ્યા હતા. 

    કહેવાય છે કે અર્પિતાએ આ રૂપિયા ફ્લેટના બાથરૂમમાં સંતાડી રાખ્યા હતા. આ પૈસા એટલા હતા કે ગણવા માટે ત્રણ મશીન મંગાવવાં પડ્યાં હતાં. તોપણ અધિકારીઓને રૂપિયા ગણતાં 10 કલાકનો સમય લાગ્યો હતો. ઇડીની પૂછપરછમાં અર્પિતાએ આ સંપત્તિનો ખુલાસો કર્યો હતો. જે બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. 

    - Advertisement -

    ઇડીના અધિકરીઓએ જણાવ્યું કે, “એક હાઉસિંગ કોમ્પ્લેક્સના ફ્લેટમાંથી સારી એવી રકમ મળી છે. રોકડા ગણવા માટે નોટ ગણવાનાં ત્રણ મશીનો લાવવાં પડ્યાં હતાં. એટલું જ નહીં, ફ્લેટમાંથી કેટલાક અગત્યના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. મંત્રી અને મુખર્જીની પૂછપરછને લઈને પૂછવામાં આવેલ સવાલ મામલે ઇડી અધિકારીએ જણાવ્યું કે, અર્પિતા તપાસમાં સહકાર આપી રહી છે પરંતુ પાર્થ ચેટર્જી તપાસમાં મદદરૂપ થઈ રહ્યા નથી. 

    અર્પિતા મુખર્જી પાસેથી અત્યાર સુધીમાં 50 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે. આ પહેલાં દક્ષિણ કોલકત્તા સ્થિત તેમના એક ફ્લેટમાંથી 21 કરોડ કેશ મળ્યા હતા. હવે અન્ય 29 કરોડ રોકડા મળી આવ્યા છે. ઉપરાંત, એવું પણ જાણવા મળ્યું છે કે અર્પિતા ઘરનું મેન્ટેનન્સ પણ આપતી ન હતી અને 60 હજાર રૂપિયા આપવાના બાકી હતા. 

    બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી સક્રિય થઇ છે અને ગિરફ્તાર થયેલા મંત્રી પાર્થ ચેટર્જીને કેબિનેટમાંથી બરતરફ કરવા માટેની માંગ શરૂ કરી છે. વિપક્ષ નેતા શુભેન્દુ અધિકારીએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને ચેટર્જીને કેબિનેટમાંથી બહાર કરવા માટે રજૂઆત કરી હતી. 

    ઉલ્લેખનીય છે કે આ મામલો પશ્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં થયેલ ભરતીના કૌભાંડનો છે. પશ્ચિમ બંગાળની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીમાં થયેલ અનિયમિતતા મામલે સીબીઆઈએ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. જેમાં નાણાકીય બાબતો પણ સામે આવતાં કેસમાં ઇડીની એન્ટ્રી થઇ હતી. જ્યારે આ કૌભાંડ થયું હતું ત્યારે પાર્થ ચેટર્જી રાજ્યના શિક્ષણ મંત્રી હતા. જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અર્પિતા મુખર્જી તેમની નજીકની વ્યક્તિઓ પૈકીની એક માનવામાં આવે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં