શનિવારે (1 માર્ચ, 2025) કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીમાં એસએફઆઈ અને ડાબેરી વિદ્યાર્થી સંગઠનોના અમુક ઈસમોએ મોટો હોબાળો મચાવ્યો હતો. આ અંધાધૂંધીમાં પશ્ચિમ બંગાળના શિક્ષણ પ્રધાન બ્રાત્ય બાસુ અને અન્ય અમુક પ્રોફેસરો ઘાયલ થયા હતા. વાસ્તવમાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે લાંબા સમયથી માંગ ઉઠી રહી છે. આ મુદ્દે શનિવારે (1 માર્ચ, 2025) વિરોધ શરૂ થયો હતો, જે પછીથી હિંસક બની ગયો હતો.
રિપોર્ટ્સ અનુસાર, પ્રદર્શન કરનારાઓએ શિક્ષણમંત્રીની કાર પર હુમલો કર્યો, ટાયરોની હવા કાઢી નાખી અને કાચ પણ તોડી નાખ્યા હતા. ઈંટો પણ ફેંકવામાં આવી હોવાનું મંત્રીનું કહેવું છે. જેના કારણે તેમના હાથ અને ચહેરાને ઇજા પહોંચી હતી. ત્યારબાદ સારવાર માટે એસએસકેએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
વધુ વિગતો એવી છે કે, બંગાળના શિક્ષણ મંત્રી શનિવારે (01 માર્ચ 2025) યુનિવર્સિટીમાં તૃણમૂલ સમર્થક પ્રોફેસરોના સંગઠન વેબકૂપરની બેઠકમાં સામેલ થયા હતા. બેઠક પૂરી થયા બાદ જ્યારે તેઓ બહાર નીકળ્યા ત્યારે વામપંથી ગુંડાઓએ તેમનો રસ્તો રોકી લીધો. ‘ચોર-ચોર’ અને ‘વાપસ જાઓ’ જેવા નારા લગાવવામાં આવ્યા. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે મંત્રીની કાર સાથે સાથે તેમની સુરક્ષા માટેની બે પાયલટ કારોમાં પણ તોડફોડ થઈ. આ દરમિયાન કેટલાક પ્રોફેસરોને પણ નિશાન બનાવવામાં આવ્યા. વેબકૂપરના સભ્ય અને પ્રોફેસર ઓમપ્રકાશ મિશ્રા પર હુમલાખોરોએ લાકડીઓથી હુમલો કર્યો. એક વિદ્યાર્થીના માથામાં ગંભીર ઈજા થઈ, જ્યારે બે પ્રોફેસરો પણ ઘાયલ થયા. એક મહિલા પ્રોફેસરની સાડી ફાડવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.
આ ઘટના પર બ્રાત્ય બાસુએ કહ્યું કે, “અમે પોલીસને બોલાવી શક્યા હોત, પરંતુ મેં એક પણ પોલીસકર્મીને કેમ્પસમાં આવવા દીધો નહોતો. જો આવું ઉત્તર પ્રદેશમાં થયું હોત તો શું કોઈ વિદ્યાર્થીએ આવું કર્યું હોત?” તેમણે એમ પણ કહ્યું હતું કે હુમલાખોરો ખાસ કરીને તૃણમૂલના સભ્યોને નિશાન બનાવે છે.
દરમિયાન જાદવપુર યુનિવર્સિટી ખાતેની તૃણમૂલ સંલગ્ન સ્ટાફ ઓર્ગેનાઇઝેશનની ઓફિસમાં તોડફોડ અને આગચંપીના અહેવાલો પણ સામે આવ્યા છે. આરોપ છે કે એક મંત્રીની કારે એક વિદ્યાર્થીને ટક્કર મારી હતી, જેના કારણે માથામાં ઈજા થઈ હતી.
આ ઘટના માટે એસએફઆઈ, એઆઈએસએ અને ડીએસએફ જેવાં ડાબેરી વિદ્યાર્થી સંગઠનોએ શિક્ષણ પ્રધાનને જવાબદાર ઠેરવ્યા છે. તેમનો દાવો છે કે મંત્રીએ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેના વિરોધમાં આ સંગઠનોએ સોમવારે (1 માર્ચ, 2025) વિદ્યાર્થી હડતાળની જાહેરાત કરી છે.
બીજી તરફ ભાજપના નેતા અમિત માલવિયાએ મમતા બેનર્જીની સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે આર.જી. કર રેપ અને મર્ડર કેસ બાદ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, અને શિક્ષણમંત્રી પર થયેલો હુમલો તેનું જ પરિણામ છે.
હકીકતે હોબાળો શરૂ થાય તે પહેલાં જ યુનિવર્સિટીમાં તણાવ જોવા મળ્યો હતો. ડાબેરી વિદ્યાર્થી સંગઠનો ગેટ નંબર 2 પર સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતાં. તેના જવાબમાં તૃણમૂલ સ્ટુડન્ટ કાઉન્સિલે માનવ સાંકળ રચી હતી. બ્રાત્યને ગેટ નંબર ૩ દ્વારા અંદર લઈ જવામાં આવ્યા હતા. આ હોબાળા બાદ જાદવપુર 8બી ક્રોસિંગ પર પણ રોડ બ્લોક થઇ ગયો હતો. ઘટના રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે.