
રાજકારણમાં અને આંદોલનોમાં ‘ટાઇમિંગ’નું બહુ મોટું મહત્વ હોય છે અને આ વાત ‘કોકરોચ જનતા પાર્ટી’નો અભિજીત દીપકે ખૂબ સારી રીતે સમજે છે. 26 દિવસ સુધી સોનમ વાંગચુક ભૂખ્યા પેટે બેસી રહ્યા. પરંતુ જેવા વાંગચુકે સરકાર સાથેની મંત્રણા બાદ પારણા કર્યા અને આંદોલનની વાસ્તવિક મશાલી કમાન અભિજીત દીપકેના હાથમાં આવવાનો વારો આવ્યો ત્યાં જ કુદરત (કે પછી તેમનું નસીબ!) મહેરબાન થઈ ગઈ અને તેને ‘ટાઇફોઇડ’ થઈ ગયો!
અભિજીત દીપકેએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાના આઇવી ડ્રીપ સાથેનો વિડીયો વહેતો કરી દીધો. ફેન્સને લાગ્યું કે હવે દીપકે પોતે મેદાનમાં ઉતરીને ભૂખ હડતાળનું નેતૃત્વ કરશે, પરંતુ તેણે વિડિયોમાં કહી દીધું કે, “મને ટાઇફોઇડ થયો છે, રિપોર્ટ આવી ગયા છે અને બાટલા ચડી રહ્યા છે.”
વિડીયોમાં અભિજીત દીપકેએ અત્યંત ગંભીર ચહેરે દેશભરમાં વિરોધ કરી રહેલા પોતાના સમર્થકોને અભિનંદન પાઠવ્યા અને આંદોલનને સફળ બનાવવા બદલ આભાર માન્યો. પણ મજાની વાત એ છે કે જે નેતા અત્યાર સુધી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાં વગર જંતર-મંતર છોડવાની ના પાડતો હતો, તે પોતે જ ‘ટાઇફોઇડ’નું કવચ પહેરીને ગ્રાઉન્ડ ઝીરો પરથી ગાયબ થઈ ગયો છે. હવે રસ્તા પર વિરોધ પ્રદર્શન ‘કોકરોચ’ સમર્થકોએ કરવાનું અને ‘નેતાજી’ દીપકે હોસ્પિટલમાંથી વિડીયો બાઇટ્સ આપશે!
Have been diagnosed with typhoid, but the fight will go on until Dharmendra Pradhan resigns! pic.twitter.com/8iHSZdF6K7
— Abhijeet Dipke (@abhijeet_dipke) July 25, 2026
વિચારવા જેવી વાત એ છે કે સોનમ વાંગચુકે CJPના મંચ પર આવીને 26 દિવસ સુધી ઉપવાસ કર્યા. બીજી તરફ CJPનો સ્થાપક અને આંદોલન ચહેરો બનવાનો દાવો કરતા અભિજીત દીપકે સામે જ્યારે વાસ્તવિક સંઘર્ષ કરવાનો અને આંદોલનને આગળ ધપાવવાનો સમય આવ્યો ત્યારે ‘ટાઇફોઇડ’ થઈ ગયો. હશે હવે હરિ ઈચ્છા બળવાન, પણ જંતર-મંતરના તડકામાં બેસવાને બદલે હોસ્પિટલના બેડ પરથી રાજીનામું માંગવાની આ કળા ખરેખર દાદ માંગે તેવી છે!
CJPએ હજુ પણ દાવો કર્યો છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી જંતર-મંતર પર પ્રદર્શન ચાલુ રહેશે. પણ પ્રશ્ન એ થાય છે કે પ્રદર્શન કરશે કોણ? સોનમ વાંગચુકે તો પારણા કરી લીધા અને આંદોલનનો કર્તાહર્તા દીપકે પોતે પણ બાટલા ચડાવી રહ્યો છે! મંત્રીનું રાજીનામું આવે કે ના આવે, પણ આંદોલનના નેતાઓએ પોતાની હેલ્થ અને ‘સેફ એક્ઝિટ’નું પરફેક્ટ પ્લાનિંગ કરી લીધું હોય તેમ લાગી રહ્યું છે.
અંતમાં એટલું જ કહી શકાય કે આ ‘ટાઇફોડ’ પણ બહુ સમજી-વિચારીને આવતો હોય છે! વાંગચુકના 26 દિવસ પૂરા થાય અને દીપકેની જવાબદારી શરૂ થાય, બરાબર એ જ ઘડીએ ટાઇફોઇડ થવો એ માત્ર એક તબીબી ઘટના નથી, પણ રાજકીય ટાઇમિંગનો અદ્ભુત નમૂનો છે.

