Tuesday, January 28, 2025
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિપોષ પૂર્ણિમાના પ્રથમ સ્નાન સાથે શરૂ થયો મહાકુંભનો મહાપર્વ: વહેલી સવારથી જ...

    પોષ પૂર્ણિમાના પ્રથમ સ્નાન સાથે શરૂ થયો મહાકુંભનો મહાપર્વ: વહેલી સવારથી જ હૈયે હૈયું દળાય એટલી જનમેદની, પ્રથમ દિવસે જ 1 કરોડ લોકો પવિત્ર સ્નાન કરે તેવી સંભાવનાઓ

    મહાકુંભના પ્રથમ દિવસે જ 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર અમૃત સ્નાન કરે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. કુંભમાં ભક્તો આજથી કલ્પવાસની શરૂઆત કરશે અને આગામી 45 દિવસ સુધી વિવિધ અનુષ્ઠાનો અને સાધનો સાથે કુંભ મ્હાલશે.

    - Advertisement -

    આજની પોષ પૂર્ણિમાના પાવન દિવસથી તીર્થરાજ પ્રયાગરાજમાં (Prayagraj) મહાપર્વ મહાકુંભનો (Mahakumbh 2025) શુભારંભ થઈ ગયો. કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને ધન્યતાને પામશે. કહેવામાં આવી રહ્યું છે કે વહેલી સવારથી જ સંગમ ઘાટ પર દર કલાકે 2 લાખ લોકો પવિત્ર અમૃત સ્નાન (Amrit Snan) કરી રહ્યા છે. ગઈકાલ રાતથી (12 જાન્યુઆરી 2025) જ કુંભ ક્ષેત્રમાં માનવ મહેરામણ ઉમટી રહ્યું હતું. સામે આવેલા દ્રશ્યોમાં હૈયે-હૈયું દળાય ભક્તોની તેટલી ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) પણ મહાકુંભના શુભારંભના વધામણાં આપ્યા છે.

    એક માહિતી અનુસાર મહાકુંભના પ્રથમ દિવસે જ 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર અમૃત સ્નાન કરે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. કુંભમાં ભક્તો આજથી કલ્પવાસની શરૂઆત કરશે અને આગામી 45 દિવસ સુધી વિવિધ અનુષ્ઠાનો અને સાધનો સાથે કુંભ મ્હાલશે. બીજી તરફ પ્રશાસન પણ વ્યવસ્થા જાળવવા સુસજ્જ છે. સંગમ ઘાટ સહિત 12 કિલોમીટર વિસ્તારમાં ઘાટ બનાવવામાં આવ્યા છે. પ્રયાગરાજ નિગમ અને ઉત્તર પ્રદેશ પોલીસ સતત વ્યવસ્થા અને સુરક્ષાનું ધ્યાન રાખી રહ્યા છે.

    CM યોગી આપ્યા વધામણાં

    પ્રયાગરાજમાં મહાપર્વ મહાકુંભનો શુભારંભ થતાની સાથે જ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેના વધામણાં આપ્યા છે. તેમણે X પોસ્ટમાં લખ્યું કે, “પોષ પૂર્ણિમાની શુભકામનાઓ. વિશ્વના વિશાળ આધ્યાત્મિક તેમજ સાંસ્કૃતિક સમાગમ ‘મહાકુંભ’નો આજથી તીર્થરાજ પ્રયાગરાજમાં શુભારંભ થવા જઈ રહ્યો છે. અનેકતામાં એકતાની અનુભૂતિ માટે, આસ્થા અને આધુનિકતાના સંગમમાં સાધના તેમજ પવિત્ર સ્નાન માટે પધારેલા તમામ પૂજ્ય સંતો, કલ્પવાસીઓ, શ્રદ્ધાળુઓનું હાર્દિક સ્વાગત છે. માતા ગંગા આ તમામની મનોકામના પૂર્ણ કરે. મહાકુંભ પ્રયાગરાજના શુભારંભ તેમ જ પ્રથમ સ્નાનની શુભકામનાઓ. સનાતન ગર્વ-મહાકુંભ પર્વ.”

    - Advertisement -

    નોંધવું જોઈએ કે 144 વર્ષે આવતો હોવાથી, મહાકુંભ અતિ મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે. 12 પૂર્ણ કુંભ બાદ મહાકુંભ આવે છે, આથી સનાતન સંસ્કૃતિમાં તેનું મહત્વ વધી જાય છે. કુંભ મેળાના કૂલ ત્રણ પ્રકાર છે, જેમાં અર્ધ કુંભ કે જે દર 6 વર્ષે આવે છે, દર 12 વર્ષે પૂર્ણ કુંભ અને 12 પૂર્ણ કુંભ એટલે કે 144 વર્ષે મહાકુંભનો સમાવેશ થાય છે. મહાકુંભની અવધી 45 દિવસની હોય છે, તે પોષ પૂર્ણિમાથી શરૂ થાય છે અને મહાશિવરાત્રીએ તેની પુર્ણાહુતી થાય છે.

    મહાકુંભ 2025માં 6 પ્રમુખ સ્નાનપર્વ, ત્રણ શાહી સ્નાનનો પણ સમાવેશ

    • પોષ પૂર્ણિમા/પોષી પુનમ (13 જાન્યુઆરી 2025): પ્રથમ સ્નાન, કલ્પવાસનો આરંભ
    • મકરસંક્રાંતિ (14 જાન્યુઆરી 2025): પ્રથમ અમૃત સ્નાન
    • મૌની અમાસ (29 જાન્યુઆરી 2025): દ્વિતીય અમૃત સ્નાન
    • વસંતપંચમી (3 ફેબ્રુઆરી 2025): તૃતીય અમૃત સ્નાન
    • માઘ પૂર્ણિમા (12 ફેબ્રુઆરી 2025): સ્નાન, કલ્પવાસનું સમાપન
    • મહાશિવરાત્રી (26 ફેબ્રુઆરી 2025): અંતિમ સ્નાન, મહાકુંભ 2025નો સમાપન દિન

    નોંધનીય છે કે દર 144 વર્ષે યોજાતા આ મહાકુંભને દેવો અને મનુષ્યના સંયુક્ત પર્વ તરીકે જોવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર પૃથ્વીનું એક વર્ષ દેવતાઓના એક દિવસ બરાબર હોય છે. આ ગણતરીના આધારે 144 વર્ષનું અંતર મહાકુંભ તરીકે ઉજવવામાં આવે છે. મહાકુંભનું આયોજન માત્ર પ્રયાગરાજમાં જ થાય છે, જે તેને વધુ ખાસ બનાવે છે. 2025નો મહાકુંભ માત્ર આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર જ નહીં હોય, પરંતુ તે ભારતીય સાંસ્કૃતિક વારસાનું ભવ્ય પ્રદર્શન પણ થવા જી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં