ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે યોજાનાર હિંદુઓના મહાકુંભમાં (Prayagraj MahaKumbh 2025) મુસ્લિમોને પ્રતિબંધિત (Bann on Muslim Entry) કરવાની સંતોની માંગ છે. સંતોનું કહેવું છે કે સનાતન ધર્મના રક્ષણ માટે અને તેની પવિત્રતા જાળવી રાખવા માટે આ નિર્ણય લેવો જરૂરી છે. આ મામલે હિંદુ સંતોના સહુથી મોટા મંચ અખાડા પરિષદે (Akhada Parishad) કડક નિયમો બનાવવાની માંગ કરી છે. પરિષદે સમગ્ર સંત સમાજ વતી યોગી સરકાર પાસે મહાકુંભની પવિત્રતા જાળવવા આ નિર્ણય લેવા અપીલ કરી છે. સંતોનો દાવો છે કે મેળામાં આવનાર તમામ લોકોની ઓળખ કરવામાં આવે. દાવો છે કે અહીં મુસ્લિમો હિંદુ સંત બનીને ફરી રહ્યા છે.
આ મામલે હિંદુ સાધુ સંતોના સહુથી મોટા મંચ અખાડા પરિષદના અધ્યક્ષ રવીન્દ્ર પુરીએ જણાવ્યું છે કે, “જો કોઈ મુસ્લિમ અહીં પોતાની ઓળખ છૂપાવીને પરચૂરણ વસ્તુઓનો કે ટી-સ્ટોલ લગાવશે અને તેમાં પાક્કું તે થુંકશે જ. તેમના મઝહબમાં જ આ શીખવવામાં આવે છે કે તેમને હિંદુ ધર્મને નષ્ટ કરવાનો છે. આથી જ અમે જાહેર કર્યું છે કે જે પણ બિન-હિંદુ છે તેમને મેળા ક્ષેત્રમાં જગ્યા ન ફાળવવામાં આવે. અમે આ મુસ્લીમોના વિરોધમાં નહીં પણ ધર્મના રક્ષણ માટે કહી રહ્યા છીએ.”
આ સાથે જ રવીન્દ્ર પુરીએ દાવો કર્યો હતો કે મહાકુંભમાં અનેક મુસ્લિમો નકલી સાધુ બનીને ફરે છે. તેમની માંગ છે કે અહીં આવનાર તમામ લોકોની તપાસ કરવામાં આવે. બીજી તરફ સુમેરુ પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી નરેન્દ્રાનંદ સરસ્વતીએ પણ આ મામલે કડક શબ્દોમાં કહ્યું છે કે કુંભ એ શુદ્ધ સનાતનીઓનો મેળો છે. જો મક્કા-મદીનામાં (Mecca-Medina) હિંદુઓને પ્રવેશ ન હોય તો કુંભમાં તેમને પણ ન પ્રવેશવા દેવા જોઈએ.
નોંધવું જોઈએ કે પ્રયાગરાજ ખાતે યોજાનાર મહાકુંભમાં આ વર્ષે 40 કરોડથી વધુ લોકો આવે તેની સંભાવનાઓ છે. અહીં હિંદુઓ સાથે-સાથે મુસ્લિમો પણ મેળામાં લારી-ગલ્લા ખોલીને કમાણી કરતા હોય છે. જોકે છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહેલી થુંકવાની કે ધર્મ ભ્રષ્ટ કરવાની ઘટનાઓને લઈને આ વર્ષે મુસ્લિમોને પ્રતિબંધિત કરવાની માંગ કરવામાં આવી રહી છે.
97% ફેફસા ખતમ, તે છતાં ઓક્સીજન ટેંક લઈ પ્રયાગરાજ પહોંચ્યા સંત
આ બધા વચ્ચે આવાહન અખાડાના શિબિરમાં મહંત શ્રી ઈન્દ્રગીરીએ (Mahant Shri Indragiri) મહાકુંભ 2025 માટે હાજરી આપતા સહુ કોઈ ચોંકી ઉઠ્યા છે. ઈન્દ્રગીરી મહારાજ છેલ્લા ઘણા સમયથી અસ્વસ્થ છે. તબીબોનું કહેવું છે કે તેમના 97% ફેફસા ખતમ થઇ ગયા છે. ચાર વર્ષ પહેલા જ ડોકટરોએ તેમને આશ્રમ બહાર ન જવાની સલાહ આપી હતી. જોકે તેમ છતાં તેમણે પવિત્ર મહાકુંભમાં હાજર થવાનો નિર્ણય લીધો હતો.
હરિયાણાના હિસારથી આવતા આ મહંતનું કહેવું છે કે તેઓ ત્રણ પવિત્ર સ્નાન કર્યા વગર મહાકુંભથી પરત નહીં જાય. તેમણે એમ પણ કહ્યું છે કે આ મહાકુંભ તેમના માટે અતિ મહત્વનો છે અને આ દિવ્ય અને પવિત્ર સ્નાન પહેલા તેમના સ્વાસ્થ્યને કશું જ નહીં થાય. તેમના આ દૃઢ સંકલ્પને જોઇને સહુકોઈ તેમની સામે નતમસ્તક થઈ રહ્યા છે.