દિલ્હીના ઉત્તમ નગરમાં હોળીના તહેવાર દરમિયાન થયેલી તરુણ ખટીકની મોબ લિંચિંગની ઘટના હવે વધુ વણસી છે. એક તરફ પીડિત પરિવાર ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યો છે તો બીજી તરફ આરોપી પક્ષે ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી છે. આ સતત મળી રહેલી ધમકીઓથી કંટાળીને અને ડરીને તરુણનો પરિવાર હવે ઉત્તમ નગર છોડીને પલાયન કરવાની તૈયારી કરી રહ્યો છે.
જોકે, આ દરમિયાન દિલ્હી હાઇકોર્ટે મામલાની ગંભીરતાને ધ્યાને લઈ પીડિત પરિવારને સુરક્ષા પૂરી પાડવા માટે દિલ્હી પોલીસને આદેશ આપ્યો છે. સાથે જ સોશિયલ મીડિયા પરથી આ ઘટનાને લગતા ભડકાઉ વિડીયો હટાવવાની સૂચના પણ આપી છે. આ સમગ્ર મુદ્દે ‘ઑપઇન્ડિયા’એ પીડિત પરિવાર સાથે વાતચીત કરી તેમની વ્યથા જાણી હતી.
મૃતક તરુણ ખટીકના કાકા ટેકચંદે જણાવ્યું હતું કે ગત 13 એપ્રિલના રોજ આરોપી પરિવારની કેટલીક મહિલાઓ તેમના ઘરે પહોંચી હતી. તે સમયે ઘરમાં કોઈ પુરુષ હાજર નહોતા, માત્ર તરુણની માતા અને અન્ય મહિલાઓ જ હતી. આરોપી પક્ષની મહિલાઓએ પીડિત પરિવારની મહિલાઓને જાતિસૂચક શબ્દો કહીને અપશબ્દો બોલ્યા હતા અને ધમકી આપી હતી કે જો તેઓ કેસ પાછો નહીં ખેંચે તો તેમના બીજા દીકરાને પણ ભરી બજારે વચ્ચે ઊભો રાખીને જાનથી મારી નાખવામાં આવશે.
પલાયન કરવા મજબૂર તરુણનો પરિવાર
ટેકચંદે જણાવ્યું કે, “આરોપીઓએ આપેલી ધમકી બાદ અમારો આખો પરિવાર અત્યંત ભયભીત છે. હવે અમે આ ઘર વેચી દેવા માંગીએ છીએ અને અહીંથી સ્થળાંતર કરવા ઈચ્છીએ છીએ. અમે કોઈ એવી સુરક્ષિત જગ્યા શોધી રહ્યા છીએ જ્યાં પરિવાર પર ફરી કોઈ મુસીબત ન આવે.”
ઘરની બહાર તહેનાત દિલ્હી પોલીસ અંગે ટેકચંદ કહે છે કે, “ભલે અત્યારે પોલીસ સુરક્ષા માટે તહેનાત હોય અને તાજેતરમાં એસીપી (ACP) પણ અમને મળીને સુરક્ષાનો ભરોસો આપી ગયા હોય, પણ આ પોલીસ અમારી પાસે ક્યાં સુધી રહેશે? એકને એક દિવસે તો પોલીસ અહીંથી જશે જ, ત્યારે અમારી રક્ષા કોણ કરશે? એટલે અહીંથી જતા રહેવામાં જ ભલાઈ છે.” ટેકચંદે વધુમાં ઉમેર્યું કે આરોપી પરિવારે આપેલી ધમકી અંગે તેમણે દિલ્હી પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.
દિલ્હી હાઇકોર્ટનો સુરક્ષા આપવાનો આદેશ
આ દરમિયાન દિલ્હી હાઇકોર્ટે પીડિત પરિવારની અરજી પર સુનાવણી કરતા દિલ્હી પોલીસને તાત્કાલિક સુરક્ષા પૂરી પાડવા અને સોશિયલ મીડિયા પરથી ભડકાઉ વિડીયો હટાવવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે પોલીસ કમિશનરને સૂચના આપી છે કે સંબંધિત SHO પીડિત પરિવારને પોતાનો પર્સનલ નંબર આપે જેથી કોઈપણ કટોકટીના સમયે પરિવાર સીધો તેમનો સંપર્ક કરી શકે.
શું હતી સમગ્ર ઘટના?
ઉલ્લેખનીય છે કે 5 માર્ચના રોજ હોળીના દિવસે ઉત્તમ નગરમાં રહેતો તરુણ ખટીક જ્યારે સાંજે ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે મુસ્લિમ ટોળાએ તેની હત્યા કરી નાખી હતી. વિવાદની શરૂઆત માત્ર એટલી હતી કે તરુણના પરિવારની એક બાળકી અગાશી પર હોળી રમી રહી હતી અને તેના હાથમાંથી પાણી ભરેલો ફુગ્ગો નીચે પડતા તેના છાંટા પાડોશમાં રહેતી એક મુસ્લિમ મહિલા પર ઉડ્યા હતા. આ બાબતે બોલાચાલી થયા બાદ પૂર્વ આયોજિત ભીડે 22 વર્ષીય તરુણ પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ ઘટના બાદ વિસ્તારમાં ભારે તણાવ સર્જાયો હતો અને લોકોએ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યા હતા. ઉત્તમ નગરમાં આયોજિત ‘વિરાટ આક્રોશ સભા’માં હજારો લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે વાતાવરણ વધુ ગંભીર બન્યું હતું. જોકે, વહીવટીતંત્રે તમામ આરોપીઓની ધરપકડ કરીને અને તેમના મકાનો પર બુલડોઝરની કાર્યવાહી કરીને રોષે ભરાયેલા લોકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ લેખ મૂળ હિન્દીમાં લખાયેલો છે, મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.


