24 ઑગસ્ટના રોજ બિહારના (Bihar) ભાગલપુરમાંથી બે પાકિસ્તાની મહિલાઓ (Two Pakistani women) ઈમરાના ખાનમ અને ફિરદૌસિયા ખાનમનાં નામ રાજ્યની મતદાર યાદીમાં મળી આવ્યાં. તે સિવાય આ મહિલાઓ પાસે આધાર કાર્ડ પણ હતાં. ઈમરાના 1956માં ત્રણ વર્ષના વિઝા પર અને ફિરદૌસિયા પણ તે જ વર્ષે ત્રણ મહિનાના વિઝા પર ભારતમાં આવી હતી.
આ મામલો ચૂંટણી પંચની મતદાર યાદીની SIR પ્રક્રિયા દરમિયાન સામે આવ્યો છે. આ પ્રક્રિયામાં નાગરિકતાની પણ તપાસ કરવામાં આવી રહી છે. તે હેઠળ આ બંને પાકિસ્તાની મહિલાઓની પણ તપાસ કરવામાં આવી હતી. જોકે, આ મહિલાઓનાં નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ હતાં, પરંતુ ગૃહ મંત્રાલયના નિર્દેશોને આધારે તેમને યાદીમાંથી હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ચકાસણી દરમિયાન દેખાઈ આવી ખામી
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મહિલાઓ 1956માં પાકિસ્તાની પાસપોર્ટ સાથે ભારત આવી હતી. રેકોર્ડ્સ દર્શાવે છે કે, બંનેમાંથી કોઈએ પોતાના વિઝા રિન્યૂ કરાવ્યા નહોતા અને ગેરકાયદેસર રીતે દેશમાં રહેવા લાગી હતી. ચકાસણી દરમિયાન અધિકારીઓએ પાસપોર્ટની વિગતોની તપાસ કરી હતી અને ત્યારબાદ બંને મહિલાઓને વિદેશી નાગરિક જાહેર કરી દેવામાં આવી હતી.
નામ હટાવવાની પ્રક્રિયા શરૂ
બૂથ લેવલ ઑફિસર (BLO) ફરઝાના ખાનમે પુષ્ટિ કરી છે કે, આ મામલાની જાણ થયા બાદ તેમને ગૃહ મંત્રાલય તરફથી નિર્દેશ મળ્યા હતા. ગૃહ વિભાગના આદેશોને અનુસરીને અધિકારીએ મતદાર યાદીમાંથી નામ હટાવવાની દસ્તાવેજી કાર્યવાહી શરૂ કરી દીધી છે. અધિકારીએ ઈમરાના વિશે જણાવ્યું છે કે, આ મહિલા હવે વૃદ્ધ અને અસ્વસ્થ છે અને ચકાસણી દરમિયાન તે પોતાની વાત રજૂ કરી શકે તેટલી પણ સક્ષમ નથી. ગૃહ મંત્રાલયે 11 ઑગસ્ટના રોજ એક નોટિસ જારી કરી હતી, જે આ બાદ આ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.
#WATCH | Bhagalpur, Bihar: A Pakistani woman, who came to India in 1956, has been found to be in Bihar's voter list and was even verified in the SIR carried out in the state. When the Home Ministry started carrying out an investigation regarding foreign nationals who had… pic.twitter.com/CodczsabaD
— ANI (@ANI) August 24, 2025
પ્રશાસનિક કાર્યવાહી ચાલુ
મીડિયામાં પ્રશાસનના સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે, ઈમરાનાએ અગાઉ સરકારી નોકરી પણ કરી હતી. હવે પ્રશ્નો એ ઉઠી રહ્યા છે કે, તે વિદેશી નાગરિક હોવા છતાં ભારતની સિસ્ટમમાં આટલી હદે કઈ રીતે ઊંડી ઉતરી શકે. હાલ તેની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ જાણવા મળશે કે તે કેટલા સમયથી મતદાર યાદીમાં સામેલ હતી અને તેણે ભૂતકાળની ચૂંટણીઓમાં મતદાન કર્યું હતું કે કેમ.
જિલ્લા પ્રશાસનની પ્રતિક્રિયા
ભાગલપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. નવલ કિશોર ચૌધરીએ પુષ્ટિ કરી છે કે, જિલ્લામાં બે પાકિસ્તાની નાગરિકોની ઓળખ થઈ છે, જેમની પાસે માન્ય મતદાર આઈડી કાર્ડ પણ હતાં. તેમણે જણાવ્યું છે કે, “ભાગલપુરમાં 24 લાખ મતદારો છે. BLO દરેક બૂથની મુલાકાત લઈ ચકાસણી કરે છે. આ પ્રકારનો કેસ પહેલીવાર સામે આવ્યો છે અને અમે કાયદા અનુસાર કાર્યવાહી કરી રહ્યા છીએ.”
VIDEO | Bihar: Two Pakistani nationals with valid voter IDs have reportedly been found in Bhagalpur. The district administration has started the process to remove them from the voter list.
— Press Trust of India (@PTI_News) August 24, 2025
Bhagalpur District Magistrate Dr. Nawal Kishor Choudhary says, "There are 24 lakh voters… pic.twitter.com/bt7oeHbXIv
મતદાર યાદીમાં પાકિસ્તાની નાગરિકોનાં નામ સામે આવ્યા બાદ હવે એ સાબિત થઈ ચૂક્યું છે કે રાજ્યમાં SIR પ્રક્રિયા જરૂરી હતી. આ મામલો ઘૂસણખોરી અને ગેરકાયદે રહેવાના મુદ્દાની ચર્ચાને ફરીથી ઉગ્ર બનાવે તેવી શક્યતા છે, ખાસ કરીને એપ્રિલમાં પહલગામ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોને દેશ છોડી દેવાની સ્પષ્ટ ચેતવણી આપી હતી. આ ઉપરાંત, આ ઘટનાએ આખા દેશમાં અને ખાસ કરીને ચૂંટણીની તૈયારીમાં રહેલા રાજ્યોમાં SIR પ્રક્રિયાની માંગ પર ફરી એક વખત ચર્ચા જગાવી છે.


