તાજેતરમાં બસવ રાજુ સહિત 27 નક્સલવાદીઓને ઠાર કર્યા બાદ હવે સુરક્ષાદળોએ (Security forces) વધુ બે વામપંથી આતંકીઓને ઠાર કર્યા છે. શનિવારે (24 મે) સવારે ઝારખંડના (Jharkhand) લાતેહારના ઇચાબાર વિસ્તારમાં નક્સલવાદીઓ સાથેની અથડામણમાં બે નક્સલી કમાન્ડર ઠાર કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા નક્સલીઓમાં એક પ્રતિબંધિત સંગઠન ‘ઝારખંડ જન મુક્તિ પરિષદ’નો (JJMP) ચીફ પપ્પુ લોહરા (Pappu Lohara) પણ સામેલ છે. તે સિવાય બીજા નંબરના સહયોગી પ્રભાત ગંગુને પણ ઠાર કરવામાં આવ્યો છે.
JJMP કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાનું (માઓવાદી) એક વામપંથી નક્સલી સમૂહ છે, જેને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યું છે. લાતેહાર SP કુમાર ગૌરવે આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું છે કે, “લોહરા પર ₹10 લાખનું ઈનામ હતું, જ્યારે પ્રભાત ગંગુ પર પણ ₹5 લાખનું ઈનામ જાહેર કરાયું હતું. જવાબી કાર્યવાહીમાં બંનેને ઠાર કરી દેવામાં આવ્યા છે. ઘટનાસ્થળેથી એક ઈન્સાસ રાઇફલ પણ મળી આવી છે. હથિયારો અને દારૂગોળાની હાલ તપાસ કરવામાં આવી રહી છે.”
SPએ વધુમાં જણાવ્યું છે કે, JJMPનો અન્ય એક નક્સલી ઘાયલ થયો છે અને હાલ પોલીસની કસ્ટડીમાં છે. તેની સારવાર ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. શીર્ષ અધિકારીઓએ એ પણ જણાવ્યું છે કે, વિશ્વાસુ ગુપ્ત માહિતીના આધારે આ આખું ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પપ્પુ લોહરાના નેતૃત્વમાં JJMPના નક્સલીઓ બિલ્ડરો અને કોન્ટ્રાકટરો પર હુમલો કરવાની યોજના ધરાવતા હતા. તે પહેલાં જ તેમને ઠાર કરવામાં આવ્યા છે.
સૂત્રોને ટાંકીને અહેવાલોમાં એવું પણ કહેવાય રહ્યું છે કે, સુરક્ષાદળોએ સૌપ્રથમ પપ્પુ લોહરાને આત્મસમર્પણ કરવા માટેનું કહ્યું હતું, પરંતુ તેણે ઇનકાર કરી દીધો. IG હોમકરે આ ઘટના વિશે જણાવ્યું કે, વહેલી સવારે સુરક્ષાદળોના જવાનો જંગલમાં નીકળી ગયા હતા. જ્યાં શરૂઆતમાં આગળ વધતાં જ ગોળીબાર શરૂ થઈ ગયો હતો. જે બાદ જવાનોએ જવાબી ગોળીબાર કરતા સામે પક્ષેથી ગોળીબાર બંધ થયો હતો. ત્યારબાદ તપાસ કરતાં બે નક્સલીઓના મૃતદેહો મળી આવ્યા હતા. જેની ઓળખ પપ્પુ લોહરા અને પ્રભાત ગંગુ તરીકે થઈ હતી.
બસવ રાજુને પણ કરાયો હતો ઠાર
નોંધનીય છે કે, સુરક્ષાદળોએ નક્સલવાદ વિરુદ્ધ મોટાપાયે ઑપરેશન શરૂ કર્યું છે. તાજેતરમાં જ વામપંથી આતંકીઓના મોટા નેતા બસવ રાજુને પણ ઠાર કરવામાં આવ્યો હતો. બસવ રાજુ પર ₹1 કરોડથી વધુનું ઈનામ હતું અને તે મોટાભાગના હુમલામાં સામેલ હતો. તે CPI(M)નો મહાસચિવ હતો અને IEDનો નિષ્ણાંત ગણાતો હતો. સુરક્ષાદળોએ એક મોટું ઑપરેશન પાર પાડતા બસવ રાજુ સહિત 27 વામપંથી આતંકીઓને ઠાર કર્યા હતા. હાલ પણ ઑપરેશન ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
સાથે એ પણ નોંધવા જેવું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 31 માર્ચ સુધીમાં ભારતને સંપૂર્ણપણે નક્સલવાદ મુક્ત કરવાની જાહેરાત કરી હતી. જે હેઠળ સુરક્ષાદળોએ અનેક મોટી કાર્યવાહી હાથ ધરી હતી અને નક્સલવાદીઓને ઠાર કર્યા હતા. જોકે, JJMPના ચીફ પપ્પુ લોહરાને ઠાર કર્યા બાદ હવે સંગઠન નબળું પડી ગયું હોવાની શક્યતા છે.