માર્ચ 2026 સુધીમાં નક્સલવાદને સંપૂર્ણપણે ખતમ કરવાના ધ્યેય સાથે સુરક્ષાદળો મોટાં ઑપરેશનો હાથ ધરી રહ્યાં છે. તેનું તાજું ઉદાહરણ છત્તીસગઢમાં (Chhattisgarh) જોવા મળ્યું, જ્યાં 27 નક્સલીઓ (Naxalites) ઠાર મારવામાં આવ્યા. માઓવાદીઓ વિરુદ્ધના દાયકાઓના સૌથી સફળ સુરક્ષા અભિયાન હેઠળ સશસ્ત્રદળોએ CPIના (માઓવાદી) મહાસચિવ બસવ રાજુને (Basava Raju) પણ ઠાર કર્યો છે. તેની સાથે અન્ય 26 નક્સલીઓ પણ ઠાર થયા છે.
સુરક્ષાદળોની આ કાર્યવાહીને ઐતિહાસિક સિદ્ધિ ગણાવવામાં આવી રહી છે. કારણ કે, બસવ રાજુ ‘લાલ આતંકીઓ’માં સૌથી વધુ કુખ્યાત ચહેરો હતો અને તેમનો નેતા હતો. નક્સલ મુવમેન્ટ પાછળ તેનો મુખ્ય હાથ હતો. બસવ રાજુનું મૂળ નામ નામ્બાલા કેશવ રાવ હતું. તે ભારતના નક્સલવાદી આંદોલનનો એક કુખ્યાત ચહેરો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સુરક્ષાદળોની આ કાર્યવાહીને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી છે.
ગૃહમંત્રીએ પોસ્ટ કરીને લખ્યું હતું કે, ત્રણ દશકોની લડાઈમાં આ પહેલી વખત છે કે, મહાસચિવ સ્તરના કોઈ માઓવાદી નેતાને સેનાએ ઠાર કર્યો હોય. આ સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે, 31 માર્ચ 2026 પહેલાં ભારતમાંથી નક્સલવાદને ખતમ કરવા માટે મોદી સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
કઈ રીતે પાર પડ્યું ઑપરેશન?
કુખ્યાત નક્સલી નેતા બસવ રાજુને મારવા માટે મોટી યોજના બનાવવામાં આવી હતી. સુરક્ષાદળો અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) દ્વારા આ આખું ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઑપરેશન છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં, ખાસ કરીને અબુઝમાડ અને ઇન્દ્રાવતી નેશનક પાર્કના જંગલી વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું હતું. આ વિસ્તાર નક્સલીઓનો ગઢ માનવામાં આવે છે, જ્યાં બસવ રાજુ અને તેનું જૂથ સક્રિય હતું.
સુરક્ષાદળોને ચોક્કસ ગુપ્તચર માહિતી મળી હતી કે, બસવ રાજુનું જૂથ બસ્તરના જંગલોમાં છુપાયેલું છે. આ માહિતીના આધારે CRPF, DRG અને અન્ય સ્થાનિક પોલીસદળોની સંયુક્ત ટીમે એક ઑપરેશન ઘડ્યું હતું. આ ઑપરેશનમાં ચોક્કસ ગોપનીયતા અને ઝડપ જાળવવામાં આવી હતી, જેથી નક્સલીઓને ભાગવાની એક પણ તક ન મળે.
યોજના અનુસાર, સુરક્ષાદળોએ નક્સલીઓના ઠેકાણાંને ઘેરી લીધા હતા. જે બાદ અથડામણમાં બસવ રાજુ સહિત 27 નક્સલીઓને સુરક્ષાદળોએ ઠાર કરી દીધા હતા. આ ઑપરેશન 72 કલાક ચાલ્યું હતું. જોકે, શરૂઆતમાં બસવા રાજુને ઓળખવો મુશ્કેલ હતો, કારણ કે તેની 30 વર્ષ જૂની તસવીર જ હતી. પરંતુ આત્મસમર્પણ કરનારા અન્ય નક્સલીઓની કબૂલાત અને પોલીસ તપાસ બાદ તેની ઓળખ જાહેર થઈ હતી. ત્યારબાદ ગૃહમંત્રીની પોસ્ટ પછી આધિકારિક રીતે જાણવા મળ્યું હતું કે, બસવ રાજુ માર્યો ગયો છે.
કોણ હતો બસવ રાજુ?
બસવ રાજુનો જન્મ આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં થયો હતો. તે એક સામાન્ય પરિવારમાંથી આવતો હતો અને તેણે એન્જિનિયરિંગમાં બી.ટેકની ડિગ્રી પણ મેળવી હતી. આ ઉપરાંત તે એક ખેલાડી તરીકે પણ આગળ વધ્યો હતો. રાજુએ જૂનિયર કોલેજના સ્તરે કબડ્ડી રમી હતી, પરંતુ તેની ખરી ઓળખ વોલીબોલ ખેલાડી તરીકે હતી. તેણે રાષ્ટ્રીય સ્તરે આંધ્ર પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સામાન્ય પરિવારના ધ્યેયો સાથે તે આગળ વધતો હતો અને ધીરે-ધીરે વામપંથ તરફ આગળ વધવા લાગ્યો હતો.
1980ના દાયકાના અંતમાં બસવ રાજુનું જીવન નાટકીય રીતે બદલાયું હતું. તે વામપંથી વિચારધારામાં ઘૂસવા લાગ્યો હતો અને નક્સલવાદી આંદોલન તરફ આગળ વધ્યો હતો. આ સમયે તેણે શ્રીલંકાના લિબરેશન ટાઇગર્સ ઑફ તમિલ ઈલમની (LTTE) તાલીમ પણ મેળવી હતી. રાજુએ LTTE પાસેથી વિસ્ફોટકો અને ગોરિલા યુદ્ધની તાલીમ લીધી હતી. જેના કારણે તે નક્સલીઓમાં ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ (IED) બનાવવામાં નિષ્ણાત બની ગયો હતો. તાલીમે તેને નક્સલી સંગઠનમાં એક મહત્વનું સ્થાન પણ અપાવ્યું હતું.
બસવ રાજુ ભારતના નક્સલવાદી આંદોલનના મુખ્ય સંગઠન કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાનો (CPI- માઓવાદી) નેતા હતો. તે માઓવાદીઓના સેન્ટ્રલ મિલિટરી કમિશનનો સભ્ય હતો અને દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટીનું નેતૃત્વ કરતો હતો. તેની યોજનાઓ અને ગોરીલા યુદ્ધમાં નિપુણતાને કારણે તે નક્સલી સંગઠનનો કુખ્યાત ચહેરો બન્યો હતો. રાજુ પર 1 કરોડથી વધુનું ઇનામ પણ હતું.
બસવ રાજુએ 2017માં પૂર્વ મહાસચિવ મુપલ્લા લક્ષ્મણ રાવ ઉર્ફે ગણપતિની જગ્યા લીધી હતી અને પોતે મહાસચિવ બન્યો હતો. જોકે, CPI(M)એ આ અંગેની જાહેરાત છેક 2018માં કરી હતી. 10 નવેમ્બર, 2018ના એક પ્રેસ નિવેદનમાં માઓવાદીઓએ જાહેરાત કરી હતી કે, મુપલ્લા લક્ષ્મણ રાવે ‘પોતાની જવાબદારીમાંથી હાથ ખેંચી લીધા છે’ અને નવો મહાસચિવ બસવ રાજુ છે.
પાર્ટીના ચીફ તરીકે જવાબદારી સંભાળ્યા પહેલાં રાજુ બીજા નંબરનો પાર્ટીનો મહત્વનો માણસ હતો. તે માઓવાદીઓના સેન્ટ્રલ મિલિટરી કમિશનનો કમાન્ડર-ઇન-ચીફ હતો અને છેલ્લા દોઢ દાયકામાં સુરક્ષાદળો પર થયેલા તમામ હુમલાઓનો જવાબદાર હતો. તે પાર્ટીની ઘણી પાંખોમાં પણ જોડાયેલો હતો અને મોટી જવાબદારી સંભાળતો હતો. બસવ રાજુને આક્રમક અને ક્રૂર કમાન્ડર તરીકે ઓળખવામાં આવતો હતો. તેણે માઓવાદી આંદોલનના ઇતિહાસમાં ઘણા દુસ્સાહસી અને ક્રૂર હુમલાઓનું નેતૃત્વ પણ કર્યું હતું.
સુરક્ષાદળો અને નાગરિકો પર થયેલા અનેક હુમલામાં હતો સામેલ
બસવ રાજુ અનેક હિંસક હુમલામાં સામેલ હતો, જેમાં સુરક્ષાદળો અને નાગરિકો પરના હુમલાઓનો સમાવેશ પણ થાય છે. તે મોટાભાગે ગોરિલા પદ્ધતિથી હુમલો કરતો હતો અને પછી ક્યારેય હાથમાં પણ નહોતો આવતો. તેણે અનેક હુમલાઓમાં નિર્દોષ નાગરિકોનો જીવ પણ લીધો હતો. તેના કેટલાક મુખ્ય હિંસક હુમલાઓ નીચે મુજબ છે.
2003માં આંધ્ર પ્રદેશ CM પર હુમલો- બસવ રાજુ 1 ઑક્ટોબર, 2003ના રોજ તત્કાલીન આંધ્ર પ્રદેશ CM ચંદ્રબાબુ નાયડુ પર થયેલા બૉમ્બ હુમલામાં મુખ્ય કાવતરાખોર હતો. આ હુમલામાં નાયડુ બચી ગયા હતા, પરંતુ તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
2010માં 76 CRPF જવાનો પર હુમલો- રાજુએ 2010ના દંતેવાડા હુમલા પણ મોટી ભૂમિકા નિભાવી હતી. આ હુમલામાં 76 CRPF જવાનો વીરગતિને પામ્યા હતા.
2013માં ઝીરમ ઘાટી હુમલો- બસવ રાજુએ ઝીરમ ઘાટી પર થયેલા હુમલામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ હુમલામાં ઘણા કોંગ્રેસ નેતાઓ માર્યા ગયા હતા.
2013 સુકમા IED બ્લાસ્ટ- માઓવાદીઓએ CRPF જવાનોને લઈ જઈ રહેલા એક માઇન-પ્રોટેક્ટેડ વાહનને નિશાન બનાવીને IED બ્લાસ્ટ કર્યો હતો. જેમાં 9 જવાનો વીરગતિ પામ્યા હતા.
2019 ગઢચિરૌલી સુરંગ બ્લાસ્ટ- મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં સડક નિર્માણ સ્થળ પર માઓવાદીઓએ એક પોલીસ વાહનને નિશાન બનાવ્યું હતું અને બ્લાસ્ટ કર્યો હતો. આ હુમલામાં 15 પોલીસકર્મીઓ વિરગત થયા હતા.
2021 સુકમા-બીજાપુર હુમલો- માઓવાદી વિરોધી અભિયાન દરમિયાન સુરક્ષાદળો પર ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ ભયાનક ગોળીબાર પણ થયો હતો. આ હુમલામાં 22 જવાનો વીરગતિ પામ્યા હતા. તે સિવાય બસવ રાજુ મોટાભાગના હુમલા સામેલ હતો.