પશ્ચિમ બંગાળની રાજનીતિમાં સત્તા પરિવર્તનની અસર માત્ર સચિવાલય સુધી મર્યાદિત રહી નથી, પરંતુ તેની ગુંજ હવે એવા અંતરિયાળ ગામડાઓ સુધી સંભળાઈ રહી છે જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી સત્તાધારી પક્ષના સ્થાનિક નેતાઓનું ‘જંગલરાજ’ ચાલતું હતું. બુધવારે (6 મે 2026) સવારે દક્ષિણ 24 પરગણા જિલ્લાના ઝરખલી વિસ્તારમાં એક એવું દૃશ્ય જોવા મળ્યું, જેણે લોકશાહીમાં ન્યાય પ્રત્યેની આશાને ફરી જીવંત કરી દીધી છે. લગભગ બે વર્ષથી તૃણમૂલ કોંગ્રેસના (TMC) સ્થાનિક નેતાઓના ગેરકાયદેસર કબજામાં રહેલી અરણ્યજ સ્કૂલ આખરે મુક્ત કરાવી લેવામાં આવી છે.
ચોંકાવનારી વાત એ છે કે ચૂંટણી દરમિયાન છેલ્લા એક મહિનાથી અરણ્યજ સ્કૂલના સંચાલકોને TMCના સ્થાનિક કાડર તરફથી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી રહી હતી, છતાં તેઓ પાછળ હટ્યા નહીં અને રાજ્યમાં TMCની સરકાર ધરાશાયી થતાં જ સ્કૂલને મુક્ત કરાવી લીધી. નોંધનીય છે કે સુંદરવનના જે વિસ્તારમાં આ સ્કૂલ આવેલી છે, ત્યાં હાલની ચૂંટણીમાં SC અનામત બેઠક પરથી TMC ઉમેદવાર નીલિમાએ જીત મેળવી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં સ્થાનિક લોકો અને બાળકો તે સ્કૂલનું તાળું ખોલાવતાં જોવા મળે છે, જેના પર જુલાઈ 2024થી કથિત રીતે TMCના સ્થાનિક નેતાઓનો કબજો હતો. જેવું સ્કૂલના ગેટ પર લાગેલું તાળું તોડવામાં આવ્યું, સમગ્ર પરબતીપુર વિસ્તારમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ. બે વર્ષથી શિક્ષણ અને પોતાના ભવિષ્યથી દૂર કરાયેલાં બાળકોની આંખોમાં ખુશીનાં આંસુ અને ચહેરા પર ફરી એ નિર્દોષ સ્મિત જોવા મળ્યું, જે જુલાઈ 2024ની એ કાળી સવાર બાદ ગાયબ થઈ ગયું હતું.
ઑપઇન્ડિયા સાથે વાતચીતમાં અરણ્યજ ગ્રુપ સાથે જોડાયેલા અભિજીત મુખર્જીએ જણાવ્યું હતું કે, “વર્ષ 2023માં અમૃતા બોસ ગુપ્તા દ્વારા શરૂ કરાયેલી આ ફ્રી અંગ્રેજી માધ્યમની સ્કૂલ ગરીબ બાળકોના શિક્ષણ અને મહિલાઓના સશક્તિકરણનું કેન્દ્ર હતી. જુલાઈ 2024માં TMCના સ્થાનિક નેતાઓએ તેના પર કબજો જમાવી લીધો હતો. હવે બે વર્ષ બાદ સ્કૂલ પાછી મળતા સમગ્ર પરબતીપુર વિસ્તારમાં ઉજવણીનો માહોલ છે.”
આ માત્ર એક ઇમારતની મુક્તિ નથી, પરંતુ શિક્ષણ અને સામાજિક સશક્તિકરણના એ વિચારની જીત છે, જેને TMCના ગુંડાઓએ પોતાના પગ નીચે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
‘એ ભયાનક સવાર’ જ્યારે માનવતા શરમાઈ ગઈ
અરણ્યજ સ્કૂલની સચિવ અમૃતા બોસ ગુપ્તા દ્વારા નોંધાવવામાં આવેલી FIR અને તેમના નિવેદનોમાંથી જે ચિત્ર સામે આવે છે, તે કોઈપણ સંસ્કારી સમાજને ઝંઝોળી નાખવા માટે પૂરતું છે. ઝરખલી કોસ્ટલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા પરબતીપુરમાં ગરીબ બાળકોને નિઃશુલ્ક અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપવા માટે વર્ષ 2023માં આ સ્કૂલ શરૂ કરવામાં આવી હતી.
અમૃતા બોસના જણાવ્યા અનુસાર 8 જુલાઈ 2024ની સવારે લગભગ 7:30 વાગ્યે, જ્યારે સ્કૂલ પરિસરમાં રહેલા લોકો હજુ ઊંઘમાંથી જાગ્યા પણ ન હતા, ત્યારે ઝરખલીના ઉપપ્રધાન દિલીપ મંડલના નેતૃત્વમાં ડઝનો ઉપદ્રવીઓએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ સૌપ્રથમ સ્કૂલની વીજળી કાપી નાખી અને CCTV કેમેરાના તાર તોડી નાખ્યા, જેથી તેમની હરકતોના કોઈ પુરાવા ન રહે.

અમૃતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને અને તેમની ટીમને ઊંઘમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવી. તેમની સાથે અભદ્ર ભાષામાં વાત કરવામાં આવી હતી અને તેમના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યાં હતાં. સૌથી શરમજનક બાબત એ હતી કે હુમલાખોરોમાં કેટલીક મહિલાઓ પણ સામેલ હતી, જેઓ અમૃતા અને તેમની સાથી ઉપાસનાને માર મારી રહી હતી અને તેમના કપડાં ખેંચી રહી હતી. જ્યારે અમૃતાએ સરકાર દ્વારા જમીન ફાળવણી સંબંધિત પત્ર બતાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે પરિમલ મંડલ નામના આરોપીએ તે સત્તાવાર દસ્તાવેજ ફાડી નાખ્યો હતો.
માસૂમ બાળકો અને વૃદ્ધો પર પણ ન આવી દયા
બર્બરતાની હદ તો ત્યારે વટાઈ ગઈ જ્યારે અમૃતાના 8 વર્ષના પુત્રને જમીન પર પછાડી માર મારવામાં આવ્યો. જ્યારે તેમની 65 વર્ષીય માતાએ પોતાના પૌત્રને બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે હુમલાખોરોએ તેમની નાઇટી પણ ખેંચી નાખી હતી. અર્ધનગ્ન હાલતમાં પણ તે વૃદ્ધ મહિલા પોતાના પૌત્રને બચાવવા માટે સંઘર્ષ કરતી રહી, પરંતુ TMCના કથિત કાર્યકર્તાઓએ તેમની પીઠ પર એટલી લાતો મારી કે તેઓ બેભાન થઈ ગયાં. અમૃતાને પણ સીડીઓ પરથી નીચે ફેંકી દેવામાં આવ્યાં હતાં, જેના કારણે તેઓ થોડા સમય માટે બેભાન થઈ ગયાં હતાં.
લૂંટનું સુનિયોજિત તંત્ર, શિક્ષણના મંદિરને બનાવી દીધું ‘માલખાનું’
સ્કૂલને માત્ર ખાલી જ કરાવવામાં આવી નહોતી, પરંતુ ‘અરણ્યજ સોસાયટી ફોર એજ્યુકેશનલ એન્ડ એન્વાયરમેન્ટલ ડેવલપમેન્ટ’ દ્વારા વર્ષોની મહેનતે ભેગો કરાયેલો સામાન પણ નિર્દયતાથી લૂંટી લેવામાં આવ્યો હતો. સામે આવેલી યાદી દર્શાવે છે કે આ માત્ર રાજકીય કબજો નહોતો, પરંતુ એક સુનિયોજિત લૂંટ હતી.
સ્કૂલ અને હોસ્ટેલમાંથી લૂંટી લેવામાં આવેલી સંપત્તિ-
શિક્ષણ અને ટેક્નોલોજી: સ્કૂલની લાઇબ્રેરીમાં રાખવામાં આવેલાં અંદાજે 1500 પુસ્તકો, એક LCD પ્રોજેક્ટર સેટ, પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ, બે CPU સેટ, એક Asus લેપટોપ અને મહત્વપૂર્ણ દસ્તાવેજોની ફાઇલો ગાયબ કરી દેવામાં આવી હતી.
ઊર્જા અને આધારભૂત સુવિધાઓ: એક સોલર ઇન્વર્ટર, 160Wના બે સોલર પેનલ, 8 સીલિંગ ફેન, 4 ટેબલ ફેન, 20 LED લાઇટો અને 4 હેવી ડ્યુટી હેલોજન લાઇટો પણ લૂંટી લેવામાં આવી હતી.
ફર્નિચર: 2 લાકડાના બાંકડા, 40 પ્લાસ્ટિકની ખુરશીઓ, 2 લાકડાના ટેબલ અને અલમારીઓ પણ ગાયબ કરવામાં આવી હતી.
હોસ્ટેલનો સામાન: શિક્ષકો અને સ્વયંસેવકો માટે રાખવામાં આવેલા 3 લાકડાના પલંગ, 20 ધાબળા, 20 ઓશિકા અને 5 બેડિંગ સેટ પણ લૂંટી લેવામાં આવ્યા હતા.

મહિલાઓ અને બાળકોના અધિકારો પર પણ ડાકો
આ NGO માત્ર સ્કૂલ જ ચલાવતું નહોતું, પરંતુ મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે સેનેટરી નેપકિન ઉત્પાદન એકમ પણ ચલાવી રહ્યું હતું. હુમલાખોરોએ આ યુનિટમાંથી કિંમતી મશીનોને પણ છોડ્યાં નહોતાં, જેમાં-
- 2 HPના પલ્વેરાઇઝર મશીન અને વુડ પલ્પ ગ્રાઇન્ડર.
- 2000 નેપકિન ક્ષમતાવાળા 3 UV રેડિએશન સ્ટેરિલાઇઝર.
- 100 કિલો વજનના Ball Press મશીન અને 10 સીલિંગ મશીનો.
- 600 પેકેટ તૈયાર સેનેટરી નેપકિન અને 200 કિલો વુડ પલ્પ જેવા કાચા માલનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત બાળકો માટે રાખવામાં આવેલા 450 સ્કૂલ યુનિફોર્મ, 150 વોટરપ્રૂફ બેગ અને મહિલાઓને આપવા માટે રાખવામાં આવેલી 150 નવી સાડીઓ પણ લૂંટી લેવામાં આવી હતી. રસોડામાંથી 100 કિલો ચોખા, 20 કિલો દાળ અને રેફ્રિજરેટર સુધી ઉઠાવી લઈ જવામાં આવ્યું હતું. સંસ્થાના કેશ બોક્સમાંથી 20,000 રૂપિયા અને અમૃતાના વ્યક્તિગત બેગમાંથી 15,000 રૂપિયા રોકડા પણ ચોરી લેવામાં આવ્યા હતા.

ચાર્જશીટમાં નામજોગ ‘સત્તાના રસૂખદાર’
આ સમગ્ર મામલામાં પોલીસની ભૂમિકા પર પણ ગંભીર સવાલો ઊભા થયા હતા. 9 જુલાઈ 2024ના રોજ FIR નોંધાયા બાદ પણ TMC સરકાર દરમિયાન આરોપીઓની ધરપકડને લઈને કોઈ ખાસ તત્પરતા દેખાડવામાં આવી નહોતી. જોકે, તપાસ અધિકારી પ્રિયંકા રૂઝ (LSI) દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ આ આરોપીઓના ચહેરા બેનકાબ કરવા માટે પૂરતી માનવામાં આવે છે.
મુખ્ય આરોપીઓ જેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી-
- દિલીપ મંડલ (Dilip Mondal), પિતા- અજિત મંડલ (ઝરખલીનો ઉપપ્રધાન અને હુમલાનો માસ્ટરમાઇન્ડ)
- પરિમલ મંડલ (Parimal Mondal), પિતા- સરોજિત મંડલ
- ધનંજય મંડલ (Dhananjoy Mondal), પિતા- મનમથ મંડલ
- સરોજ ચંદ્ર વિશ્વાસ
- અપૂર્વા રોય
- વિશ્વજીત બારી
- કિશોર ગાયેન
- સમિર મંડલ
આ તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (BNS) વિવિધ ગંભીર કલમો જેમ કે 329(4) (ગંભીર ઇજા પહોંચાડવી), 115(2), 76, 324(4), 351(3) અને 3(5) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ચાર્જશીટ અલીપુરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, પરંતુ સત્તાના સંરક્ષણના કારણે આ આરોપીઓ બે વર્ષ સુધી ખુલ્લેઆમ ફરતા રહ્યા હતા.

સત્તા બદલાઈ તો બદલાઈ ગયું દૃશ્ય
મે 2026માં મમતા બેનર્જીની સરકાર પડતાં જ આ લોકો ભયભીત થઈ ગયા હતા. સ્થાનિક લોકો કહી રહ્યા છે કે સત્તાનું સંરક્ષણ હટ્યું કે તરત જ આ ‘બાહુબલીઓ’ની હિંમત તૂટી ગઈ. જે સ્કૂલ છેલ્લા બે વર્ષથી સન્નાટા અને ભયનું કેન્દ્ર બની ગઈ હતી, ત્યાં હવે ફરી બાળકોના અવાજો ગૂંજવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.
TMC Looted and Locked Her Dream School — Amrita Finally Gets It Back After BJP's Victory
— Sayan Chakraborty (@sayan2024) May 7, 2026
Amrita Bose:
•Left a respected corporate job in Kolkata to serve society
•Moved from city life to a remote rural village
•Started a completely free English-medium school with her own… pic.twitter.com/VCZIW6yt1e
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોવા મળે છે કે સ્થાનિક ગ્રામજનો અને NGO કાર્યકર્તાઓ મળીને સ્કૂલની સફાઈ કરી રહ્યા છે અને કબજો હટાવ્યા બાદ તિરંગો ફરકાવી રહ્યા છે. આ વિડીયો માત્ર એક સ્કૂલની મુક્તિનો દસ્તાવેજ નથી, પરંતુ બંગાળની જનતાના એ દબાયેલા ગુસ્સાનું પણ પ્રગટીકરણ છે, જેને તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સહન કરતા આવ્યા હતા.
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં અમૃતા બોસ ગુપ્તાએ જણાવી છેલ્લા 1 મહિનાની સ્થિતિ
ઑપઇન્ડિયા સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં અરણ્યજ સ્કૂલનાં સંચાલિકા અમૃતા બોસ ગુપ્તાએ જણાવ્યું કે જેમ જેમ ચૂંટણીનું વાતાવરણ ગરમાતું જઈ રહ્યું હતું, તેમ તેમ TMCના ગુંડાઓની હરકતો પણ વધતી જઈ રહી હતી. તેમણે સ્કૂલ પર કબજો કરાવનાર અને સમગ્ર ગેંગનો માસ્ટરમાઇન્ડ બ્લોક સ્તરના TMC નેતા રાજા ગાજીને ગણાવ્યો. અમૃતા બોસે કહ્યું કે શરૂઆતમાં તેમને ખબર નહોતી પડી કે દિલીપ મંડલ અને ગેંગ પાછળ કોણ છે, પરંતુ બાદમાં TMC નેતા રાજા ગાજીનું નામ સામે આવ્યું. હાલ પોલીસ તેને શોધી રહી છે અને હવે તેની કોઈપણ સમયે ધરપકડ થઈ શકે છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 1 મહિનાથી અરણ્યજ સ્કૂલ સાથે જોડાયેલા દરેક વ્યક્તિનું જીવન જોખમમાં રહ્યું હતું.
અમૃતાએ જણાવ્યું કે છેલ્લા 1 મહિનામાં તેમને અને તેમના સહયોગીઓને અસંખ્ય વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. તેમ છતાં તેમણે સત્તા પરિવર્તન માટે પૂરી તાકાત લગાવી અને BJPના સમર્થનમાં જોરદાર પ્રચાર કર્યો. અમૃતાએ સ્પષ્ટ કહ્યું કે આ સ્કૂલની મુક્તિ ભાજપની જીત સાથે જોડાયેલી હતી. ભલે આ બેઠક પર TMC ઉમેદવારની જીત થઈ હોય, પરંતુ રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ અમને હિંમત મળી અને અમે આ સ્કૂલને મુક્ત કરાવી લીધી છે.
અમૃતા બોસ ગુપ્તાએ કહ્યું કે હાલ સ્કૂલના પુનર્નિર્માણ અને પુનઃસ્થાપન પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યા હોવાથી બાળકોને પાછા લાવવાનો પડકાર રહેશે, પરંતુ સ્કૂલની સમગ્ર વ્યવસ્થા ફરી ઊભી કરવામાં થોડો સમય લાગશે. તેમણે કહ્યું કે આ સ્કૂલ લોકોના સહયોગથી ચાલશે, તેમાં કોઈ રાજકીય પક્ષના સહયોગની જરૂર નથી. અમને જે કાયદો-વ્યવસ્થા અને ન્યાયની જરૂર હતી, તે નવી સરકાર પાસેથી મળી જશે, અમારા માટે એટલું જ પૂરતું રહેશે.
BJPએ સ્વીકાર્યો અમૃતાનો સંઘર્ષ, વીડિયો પણ કર્યો પોસ્ટ
નોંધનીય છે કે એક તરફ અત્યાર સુધી સત્તામાં રહેલી TMC અને તેના લોકો નાનાં બાળકોનું ભવિષ્ય બરબાદ કરવા પર તુલેલા હતા તો બીજી તરફ BJPએ અમૃતા બોસ ગુપ્તાના સંઘર્ષને માત્ર સ્વીકાર્યો જ નહીં, પરંતુ સ્કૂલની મુક્તિનો વિડીયો પોતાના સત્તાવાર X હેન્ડલ પરથી પણ પોસ્ટ કર્યો હતો. વાસ્તવમાં, અમૃતા જે નૈતિક સમર્થનની વાત કરી રહ્યા હતા, તે હાલ તેમને BJP તરફથી મળતું દેખાઈ રહ્યું છે.
सत्ता के अहंकार पर साहस की जीत! ✊🔥
— BJP (@BJP4India) May 8, 2026
अमृता बोस ने कॉर्पोरेट करियर छोड़ ग्रामीण बच्चों के लिए मुफ़्त अंग्रेजी स्कूल और माताओं के लिए रोज़गार शुरू किया। 📚
लेकिन TMC नेताओं ने ₹2 करोड़ की रंगदारी मांगी। इनकार पर स्कूल लूटा गया, कंप्यूटर छीने गए और ताला लगा दिया गया।
आज राजनीतिक… pic.twitter.com/ncTe2KV8Xi
ન્યાયની આશા હજુ બાકી છે
સ્કૂલ તો મુક્ત થઈ ગઈ, પરંતુ અરણ્યજ સામે હજુ પણ પડકારોનો પહાડ ઊભો છે. લૂંટાયેલો સામાન, તૂટી ગયેલાં મશીનો અને બે વર્ષનું શૈક્ષણિક નુકસાન… તેની ભરપાઈ કોણ કરશે? અમૃતા બોસ ગુપ્તાએ પ્રશાસન સમક્ષ માંગ કરી છે કે માત્ર આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં ન આવે, પરંતુ લૂંટાયેલી એક-એક વસ્તુ અને રકમની પણ વસૂલાત અને પુનઃપ્રાપ્તિ સુનિશ્ચિત કરવામાં આવે.
આ તમામ ચર્ચાઓ વચ્ચે સૌથી મહત્વપૂર્ણ દૃશ્ય તે બાળકોનું છે, જેઓ લગભગ બે વર્ષ બાદ સ્કૂલ પરિસરમાં પાછાં ફર્યાં છે. જે રૂમોમાં ક્યારેક અભ્યાસ થતો હતો, ત્યાં લાંબા સમય સુધી તાળા લટકતાં રહ્યાં. જે દીવાલો પર બાળકોના સપનાઓ લખવવાનાં હતાં, ત્યાં રાજકીય સંઘર્ષની છાયા પડી ગઈ. હવે સવાલ એ છે કે શું આ સ્કૂલ માત્ર ફરી ખૂલશે કે પછી ખરેખર ફરી એ જ સ્વરૂપમાં ઉભી થઈ શકશે, જેના માટે તેની શરૂઆત કરવામાં આવી હતી ગરીબ બાળકો માટે મફત શિક્ષણ, મહિલાઓ માટે રોજગાર તાલીમ અને ગ્રામ્ય સમાજ માટે આશાના કેન્દ્ર તરીકે.


