તાલિબાની (Taliban) નેતૃત્વવાળા અફઘાનિસ્તાનમાં (Afghanistan) મહિલાઓનું જીવવું દિવસે ને દિવસે વધુ દુશવાર થઇ રહ્યું છે. હવે તાલિબાનોને એક નવું ફરમાન બહાર પાડ્યું છે જે અંતર્ગત મહિલાઓને (Bans On Women) NGOમાં નોકરી પર રાખવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ સિવાય મહિલાઓને બારીની (Window) બહાર જોવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પહેલાં પણ તાલિબાનો મહિલાઓ પર વિવિધ પ્રતિબંધો લગાવી ચૂક્યા છે.
નોંધનીય છે કે તાલિબાને અફઘાનિસ્તાનની તમામ એનજીઓને મહિલાઓને નોકરી ન આપવાનો આદેશ જારી કર્યો છે અને એમ પણ કહ્યું છે કે મહિલાઓને રોજગારી આપતી તમામ રાષ્ટ્રીય અને વિદેશી એનજીઓને બંધ કરી દેવામાં આવશે. આ ફરમાન આપતા તાલીબાનોએ એવું કારણ આપ્યું હતું કે મહિલાઓ નોકરી દરમિયાન હિજાબ સરખી રીતે પહેરતી નથી.
અહેવાલો અનુસાર 29 ડિસેમ્બરે આ ફરમાન આવ્યું છે. તાલિબાન દ્વારા નિયંત્રિત ન હોય તેવી તમામ સંસ્થાઓમાં મહિલાઓના કામ પર રોક લગાવવાનો આદેશ છે. સહકારના અભાવના કિસ્સામાં, તે સંસ્થાની તમામ ગતિવિધિ રદ કરવામાં આવશે અને મંત્રાલયે આપેલ સંસ્થાનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે.
બારીમાંથી મહિલાઓના જોવા પર પણ પ્રતિબંધ
આ સિવાય તાલિબાનોએ બીજું એક ફરમાન પણ બહાર પાડ્યું હતું. સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે સર્વોચ્ચ નેતાના આદેશને પોસ્ટ કર્યો, જે મુજબ, “રસોડા, આંગણામાં કામ કરતી અથવા કુવાઓમાંથી પાણી ભરતી મહિલાઓની નજર અશ્લીલ કૃત્યોને ઉત્તેજન આપી શકે છે.” આદેશમાં જણાવાયું છે કે મ્યુનિસિપલ અધિકારીઓ અને અન્ય સંબંધિત વિભાગોએ પડોશીઓના ઘરોમાં જોવાનું શક્ય ન બને તે સુનિશ્ચિત કરવા માટે બાંધકામ સાઇટ્સનું નિરીક્ષણ કરવું પડશે.
New Taliban rule:
— 𝗡𝗶𝗼𝗵 𝗕𝗲𝗿𝗴 ♛ ✡︎ (@NiohBerg) December 28, 2024
Women are no longer allowed to be visible from house windows under any circumstance. If the kitchen has a window, women can't even cook near it.
This comes after other rulings that women are forbidden from making sounds or even speaking to each other. pic.twitter.com/KeRQE96WBC
નોંધનીય છે કે નવા ફરમાનમાં સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવ્યા છે કે જો ઘરોમાં એવી બારી હોય કે જ્યાંથી પડોશીઓ મહિલાઓને જોઈ શકતા હોય તો આવી બારીઓને દિવાલ બનાવીને કે કોઈ પણ રીતે બંધ કરવી જેથી બહાર ન જોઈ શકાય.
આ પહેલાં પણ લાગી ચુક્યા છે મહિલાઓ પર પ્રતિબંધ
નોંધનીય છે કે અફઘાનિસ્તાનમાં અત્યાર સુધી તાલિબાનોએ અફઘાની મહિલાઓના અધિકારો પર કેટલાય પ્રતિબંધો મુક્યા છે. માર્ચ 2022માં ધોરણ 6 અને તેના પછીની વિદ્યાર્થીઓને શાળાએ જતા જવા પર તથા મહિલાઓને યુનિવર્સીટીઓમાં પ્રવેશ લેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. આ ઉપરાંત મેડિકલ, પત્રકારિતા જેવા વિષયો માટે મહિલાઓ અયોગ્ય જાહેર કરવામાં આવી. નર્સિંગ અને મિડવાઇફરી કોર્સમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ સિવાય સરકારી નોકરીઓ અને ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં પણ મહિલાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહિલાઓને ફરજિયાત રૂપે આંખો સિવાયના શરીરના અંગો ઢાંકવા મજબૂર કરવામાં આવી હતી. મહિલાઓને ઉંચેથી બોલવા પર, સિનેમાઘરોમાં, જીમમાં, પાર્કમાં જવા પર, પોતાના લોહીના સંબંધી અને પતિ સિવાયના અન્ય કોઈ પણ પુરૂષ સાથે વાત કરવા પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.