Sunday, December 29, 2024
More
    હોમપેજરાજકારણઅફઘાનિસ્તાનમાં તાલિબાની તાનાશાહી, તબીબી-પેરામેડિકલ સ્ટાફની અછત વચ્ચે સુપ્રીમ લીડરનું ફરમાન: નર્સિંગ અને...

    અફઘાનિસ્તાનમાં તાલિબાની તાનાશાહી, તબીબી-પેરામેડિકલ સ્ટાફની અછત વચ્ચે સુપ્રીમ લીડરનું ફરમાન: નર્સિંગ અને મિડવાઇફરી કોર્સમાં મહિલાઓ પર પ્રતિબંધ, , છાત્રાઓ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી

    આ પહેલાં માર્ચ 2022માં ધોરણ 6 અને તેના પછીની વિદ્યાર્થીઓને શાળાએ જતા રોકવામાં આવી હતી. એ જ વર્ષના અંતમાં મહિલાઓને યુનિવર્સીટીઓમાં પ્રવેશ લેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. આ ઉપરાંત મેડિકલ, પત્રકારિતા જેવા વિષયો માટે મહિલાઓ અયોગ્ય છે એવું પણ કહેવામાં આવ્યું હતું.

    - Advertisement -

    અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાની (Taliban) રાજ આવ્યા બાદ માનવાધિકારોનું સતત હનન થઇ રહ્યું છે જેનો ભોગ મહિલાઓ બની રહી છે. ત્યારે હવે ફરીથી તાલિબાની વડાએ અફઘાની મહિલાઓ (Afghani Women) પર નર્સિંગ અને મિડવાઇફરી કોર્સમાં (Nursing Midwifery Course) પ્રવેશ લેવા પર પ્રતિબંધ (Ban) મૂકી દીધો છે. નોંધનીય છે કે છેલ્લાં ઘણા સમયથી તાલિબાનો મહિલાઓના અધિકારો પર તરાપ મારી રહ્યા છે.

    અહેવાલ મુજબ અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારના વડાએ નર્સિંગ અને મિડવાઇફરી કોર્સમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો ત્યારપછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મામલે આરોગ્ય મંત્રાલયના અધિકારીના જણાવ્યા મુજબ અફઘાનિસ્તાન એમ પણ આરોગ્ય વ્યવસ્થામાં પડકારોનો સામનો કરી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં તબીબી અને પેરા-મેડિકલ સ્ટાફની અછત છે અને આ પ્રતિબંધના પડકારોમાં વધારો કરશે.

    નોંધનીય છે કે આ મામલે હજી સુધી કોઈ અધિકારીક જાહેરાત કરવામાં આવી નથી, જોકે આરોગ્ય મંત્રાલયના જ અધિકારીઓએ આ મામલે પુષ્ટિ કરી હતી. તેમના જણાવ્યા મુજબ માત્ર સર્વોચ્ચ નેતાના આદેશ અંગે જાણકારી આપીને આ આદેશ લાગુ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ નિર્ણય જાહેર થયા બાદ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં મેડિકલની વિદ્યાર્થીનીઓ રડી રહી છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે જાહેર આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આ નિર્ણયની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સંસ્થાઓના નિર્દેશકોને એક બેઠકમાં જાણ કરવામાં આવી હતી કે મહિલાઓ અને છોકરીઓ હવે તેમની સંસ્થાઓમાં અભ્યાસ કરી શકશે નહીં.” તેમણે વધુમાં કહ્યું કે, “આ નિર્ણય અંગે વધુ માહિતી આપવામાં આવી નથી. માત્ર સુપ્રીમ લીડરના આદેશની જાણ કરવામાં આવી હતી અને તેનો અમલ કરવાનું કહેવામાં આવ્યું હતું.”

    આ પહેલાં પણ લાગી ચુક્યા છે મહિલાઓ પર પ્રતિબંધ

    તાલિબાનીઓએ અફઘાની મહિલાઓના અધિકારો પર પ્રતિબંધ મુક્યા હોય એવી આ પ્રથમ ઘટના નથી. આ પહેલાં માર્ચ 2022માં ધોરણ 6 અને તેના પછીની વિદ્યાર્થીઓને શાળાએ જતા રોકવામાં આવી હતી. એ જ વર્ષના અંતમાં મહિલાઓને યુનિવર્સીટીઓમાં પ્રવેશ લેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. આ ઉપરાંત મેડિકલ, પત્રકારિતા જેવા વિષયો માટે મહિલાઓ અયોગ્ય છે એવું પણ કહેવામાં આવ્યું હતું.

    આ સિવાય સરકારી નોકરીઓ અને ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં પણ મહિલાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહિલાઓને ફરજિયાત રૂપે આંખો સિવાયના શરીરના અંગો ઢાંકવા મજબૂર કરવામાં આવી હતી. મહિલાઓને ઉંચેથી બોલવા પર, સિનેમાઘરોમાં, જીમમાં, પાર્કમાં જવા પર, પોતાના લોહીના સબંધ અને પતિ સિવાયના અન્ય કોઈ પણ પુરૂષ સાથે વાત કરવા  પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં