હોમપેજદેશમેધા પાટકર દિલ્હી LGના માનહાનિ કેસમાં દોષિત: સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો હાઇકોર્ટનો...

મેધા પાટકર દિલ્હી LGના માનહાનિ કેસમાં દોષિત: સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો હાઇકોર્ટનો આદેશ, દંડ કરાયો રદ

11 ઑગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે આ પ્રોબેશન ઓર્ડરમાં ફેરફાર કર્યો છે. ફેરફાર અનુસાર કોર્ટે પાટકરને જેલની સજામાંથી મુક્તિ મેળવવા માટે બોન્ડ ભરવાનો નિર્દેશ આપ્યો. બેન્ચે પાટકરની દેખરેખની શરતો પણ દૂર કરી હતી.

- Advertisement -

નર્મદા બચાઓ આંદોલનના (Narmada Bachao Andolan) નામે જાણીતા થયેલ ‘સોશિયલ એક્ટિવિસ્ટ’ મેઘા પાટકર (Medha Patkar) સામે વર્ષ 2001માં માનહાનિનો કેસ નોંધાયો હતો. આ કેસ દિલ્હીના વર્તમાન લેફ્ટનન્ટ જનરલ વિનય કુમાર સક્સેના (VK Saxena) દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટે તેમાં દખલ કરવાનો ઇનકાર કર્યો છે અને હાઇકોર્ટના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. નીચલી અદાલત અને હાઇકોર્ટે મેધા પાટકરને માનહાનિ કેસમાં દોષિત જાહેર કર્યા હતા. જોકે, જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને એન. કોટિશ્વર સિંઘની બેન્ચે પાટકર પર લાદવામાં આવેલા ₹1 લાખના દંડને રદ કર્યો હતો તથા પ્રોબેશનના નિયમોમાં પણ રાહત આપી હતી.

11 ઑગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે આ પ્રોબેશન ઓર્ડરમાં ફેરફાર કર્યો છે. ફેરફાર અનુસાર કોર્ટે પાટકરને જેલની સજામાંથી મુક્તિ મેળવવા માટે બોન્ડ ભરવાનો નિર્દેશ આપ્યો. બેન્ચે પાટકરની દેખરેખની શરતો પણ દૂર કરી હતી. આ અંગે પાટકરના વકીલે ઘણી દલીલો કરી હતી પરંતુ કોર્ટે તેમને દોષિત ઠેરવવાનોઈ નિર્ણય યથાવત રાખ્યો હતો.

શું છે સમગ્ર મામલો?

વર્ષ 2001માં વિનય સક્સેના અમદાવાદ સ્થિત એનજીઓ ‘નેશનલ કાઉન્સિલ ઑફ સિવિલ લિબર્ટીઝ’ના વડા હતા જે સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટનું સમર્થન કરતી હતી. બીજી તરફ, મેધા પાટકરનું નર્મદા બચાઓ આંદોલન 1985થી આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યું હતું. આ સમયે મેધા પાટકરે સક્સેના વિરુદ્ધ નિવેદનો આપીને તેમને ‘કાયર’ ગણાવ્યા હતા. આ સિવાય આરોપ મૂક્યા હતા કે સક્સેના હવાલા વ્યવહારોમાં સામેલ હતા.

- Advertisement -

જોકે આ મામલે મેધાએ કોઈ ચોક્કસ પુરાવા રજૂ કર્યા નહોતા. આ નિવેદનોને સક્સેનાએ તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારાં ગણાવ્યાં અને 2001માં અમદાવાદની એક સ્થાનિક કોર્ટમાં માનહાનિનો દાવો દાખલ કર્યો. 2003માં સુપ્રીમ કોર્ટના આદેશ પર આ કેસ દિલ્હીની સાકેત કોર્ટમાં ટ્રાન્સફર થયો.

24 મે 2024ના રોજ સાકેત કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રાઘવ શર્માએ મેધા પાટકરને માનહાનિના આરોપ હેઠળ દોષી ઠેરવ્યાં. કોર્ટે જણાવ્યું કે પાટકરનાં નિવેદનો બદઇરાદાપૂર્વકનાં હતાં અને ‘જાણીજોઈને’ કરવામાં આવ્યાં હતાં, જેનો ઉદ્દેશ સક્સેનાની સામાજિક પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડવાનો હતો. કોર્ટે ખાસ નોંધ્યું કે ‘દેશદ્રોહી’ અને ‘હવાલા વ્યવહારો’ જેવા આક્ષેપો ગંભીર હતા અને તેનાથી સક્સેનાને સામાજિક નુકસાન થયું હતું.

ત્યારપછી કોર્ટે 1 જુલાઈ 2024ના રોજ પાટકરને પાંચ મહિનાની સાદી કેદ અને 10 લાખના દંડની સજા ફટકારી હતી. આ સમયે પાટકરની ઉંમર (70 વર્ષ) અને આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટે વધુ કડક સજા આપી નહોતી. આ ઉપરાંત આ સજાને એક મહિના માટે સ્થગિત કરવામાં આવી જેથી તેઓ અપીલ કરી શકે.

પાટકરે સાકેત કોર્ટના ચુકાદા સામે અપીલ કરી, પરંતુ 2 એપ્રિલ 2025ના રોજ સાકેત કોર્ટના એડિશનલ સેશન્સ જજ વિશાલ સિંઘે આ અપીલ ફગાવી દીધી હતી. 8 એપ્રિલ 2025ના રોજ કોર્ટે મેધા પાટકરને એક વર્ષના પ્રોબેશન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો અને દંડની રકમ ₹10 લાખથી ઘટાડીને 1 લાખ કરી. પાટકરે પ્રોબેશન બોન્ડ ભરવા માટે કોર્ટમાં હાજર થવાનું હતું, પરંતુ તેમણે આ આદેશનું ઉલ્લંઘન કર્યું.

ત્યારે પ્રોબેશનની શરતોનું પાલન ન કરવા બદલ સાકેત કોર્ટે 23 એપ્રિલ 2025ના રોજ પાટકર વિરુદ્ધ ગેર-જામીનપાત્ર વોરંટ (NBW) જારી કર્યું. તથા 25 એપ્રિલ 2025ના રોજ દિલ્હી પોલીસે નિઝામુદ્દીન વિસ્તારમાંથી પાટકરની ધરપકડ કરી. જોકે પછીથી છોડી મૂકવામાં આવ્યાં હતાં.

ત્યારપછી મેધાએ દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરી હતી જોકે, 29 જુલાઈ 2025ના રોજ દિલ્હી હાઇકોર્ટે મેધા પાટકરની અપીલ ફગાવી દીધી અને નીચલી અદાલતના મેધા પાટકરને માનહાનિ કેસમાં દોષી ઠેરવવાના નિર્ણયને યથાવત રાખ્યો હતો. ત્યારપછી રાહત મેળવવા પાટકરે સુપ્રીમ કોર્ટેમાં અપીલ કરી હતી. 11 ઑગસ્ટ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે પણ મેધા પાટકરની દોષિત ઠરાવવાની સજાને યથાવત રાખી, પરંતુ તેમની પ્રોબેશનની સજા અને ₹1 લાખનો દંડ રદ કર્યો.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં