Tuesday, April 23, 2024
More
  હોમપેજરાજકારણ‘મને લાગે છે કે આઝાદીની લડાઈમાં તેઓ સ્વતંત્રતા સેનાની હતા, દેશ માટે...

  ‘મને લાગે છે કે આઝાદીની લડાઈમાં તેઓ સ્વતંત્રતા સેનાની હતા, દેશ માટે લડતાં-લડતાં શહીદ થઈ ગયા’: આવું કહેવું છે કેજરીવાલનાં પત્નીનું, I.N.D.I ગઠબંધનની રેલીમાં આપ્યું ભાષણ 

  સુનીતા કેજરીવાલે પણ આ રેલીમાં નાનકડું ભાષણ આપ્યું અને કેજરીવાલનો કથિત સંદેશ લોકોને વાંચી સંભળાવ્યો હતો. દરમ્યાન, તેમણે કેજરીવાલની સરખામણી આઝાદીની લડાઇ લડેલા સ્વતંત્રતા સેનાનીઓ સાથે કરી દીધી.

  - Advertisement -

  વડાપ્રધાન મોદી અને ભાજપને સત્તા પરથી દૂર કરવાનાં સપનાં જોઈને વિપક્ષે બનાવેલા I.N.D.I ગઠબંધને રવિવારે (31 માર્ચ) દિલ્હીના જાણીતા રામલીલા મેદાનમાં એક સભા કરી હતી. સભામાં લગભગ તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ હાજર રહ્યા. આ રેલીમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલ અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનનાં પત્ની કલ્પના સોરેન પણ ઉપસ્થિત રહ્યાં. 

  સુનીતા કેજરીવાલે પણ આ રેલીમાં નાનકડું ભાષણ આપ્યું અને કેજરીવાલનો કથિત સંદેશ લોકોને વાંચી સંભળાવ્યો હતો. દરમ્યાન, તેમણે કેજરીવાલની સરખામણી આઝાદીની લડાઇ લડેલા સ્વતંત્રતા સેનાનીઓ સાથે કરી દીધી અને દાવો કર્યો કે ભાજપે તેમને જેલમાં નાખી દીધા છે પણ તેઓ વધુ સમય જેલમાં નહીં રહે, કારણ કે કરોડો લોકોના આશીર્વાદ છે. 

  સંબોધનની શરૂઆતમાં સુનીતા કેજરીવાલે કહ્યું કે, “વડાપ્રધાન મોદીએ મારા પતિને જેલમાં નાખી દીધા. (જનતાને પ્રશ્ન કરતાં) શું તેમણે સાચું કર્યું? શું તમે માનો છો કે કેજરીવાલ સાચા દેશભક્ત અને ઈમાનદાર વ્યક્તિ છે? ભાજપવાળા કહે છે કે કેજરીવાલ જેલમાં છે અને તેમણે રાજીનામું આપવું જોઈએ. શું તેમણે રાજીનામું આપવું જોઈએ?” જોકે, હકીકત એ છે કે કેજરીવાલ પર ભ્રષ્ટાચારનો આરોપ છે અને પૂરતા પુરાવાઓ હોવાથી એજન્સીએ વારંવાર પૂછપરછ માટે બોલાવ્યા છતાં હાજર ન થતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

  - Advertisement -

  આગળ સુનીતા કેજરીવાલે કહ્યું કે, “તમારા કેજરીવાલ સિંહ છે. આ લોકો (સરકાર) વધુ દિવસ જેલમાં નહીં રાખી શકે, તેઓ કરોડો લોકોના હૃદયમાં વસે છે.” આગળ તેમણે કહ્યું કે, “તેઓ જે બહાદુરી અને સાહસથી તેઓ દેશ માટે લડી રહ્યા છે તે જોઈને ઘણી વખત મને લાગે છે કે આઝાદીની લડાઇમાં તેઓ સ્વતંત્રતા સેનાની હતા, જે દેશ માટે લડતાં-લડતાં શહીદ થઈ ગયા. આ જંગમાં પણ કેજરીવાલને કદાચ ભારત માના સંઘર્ષ માટે મોકલ્યા છે.” 

  ત્યારબાદ કેજરીવાલનાં પત્નીએ તેમણે જેલમાંથી મોકલાવેલો સંદેશ વાંચી સંભળાવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું કે, ભારત માતા પીડાઈ રહ્યાં છે અને દુઃખી છે, કારણ કે દેશની હાલત 75 વર્ષ બાદ પણ હાલત ખરાબ છે. આગળ કહ્યું કે, ઉપરથી જ્યારે નેતાઓ ભાષણો કરે છે, વૈભવી જીવન જીવે છે, મિત્રો સાથે મળીને દેશ લૂંટવામાં લાગ્યા છે, તો ભારત માને બહુ ગુસ્સો આવે છે અને આવા લોકો પ્રત્યે ભારત માને સખત નફરત છે.” અહીં નોંધવું જોઈએ કે કેજરીવાલ અને તેમના સાથી મનીષ સિસોદિયા પર શરાબ નીતિ થકી કરોડોનું કૌભાંડ કરવાનો આરોપ લાગ્યો છે અને તે જ કેસમાં બંને જેલમાં છે.

  આગળ દાવો કર્યો કે જો લોકો I.N.D.I ગઠબંધનને તક આપશે તો તેઓ મહાન રાષ્ટ્રનું નિર્માણ કરશે. આગળ તેમણે કેજરીવાલે ગેરેન્ટી આપી હોવાની કહીને આખા દેશમાં વીજળી, હૉસ્પિટલો અને શાળાઓ બનાવવાની વાતો કરી, જે કેજરીવાલ વર્ષોથી કરતા આવ્યા છે. 

  આ રેલીમાં રાહુલ ગાંધીથી માંડીને ફારૂક અબ્દુલ્લા, તેજસ્વી યાદવ, ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ, શરદ પવાર વગેરે નેતાઓએ ભાગ લીધો હતો. તમામે ભાષણો પણ કર્યાં, જેમાં એ જ બધી વાતો કહેવામાં આવી છે, જે આરોપો તેઓ વર્ષોથી સરકાર પર લગાવતા રહે છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં