Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘સત્યેન્દ્ર જૈનને 60 કરોડ આપ્યા, કેજરીવાલ સાથે પણ થતી હતી વાતચીત’: તપાસ...

    ‘સત્યેન્દ્ર જૈનને 60 કરોડ આપ્યા, કેજરીવાલ સાથે પણ થતી હતી વાતચીત’: તપાસ કરતી પેનલે ઠગ સુકેશના આરોપોને ગંભીર ગણાવ્યા, એજન્સીઓ પાસે તપાસ કરાવવાની ભલામણ

    સુકેશે પેનલને જણાવ્યું હતું કે, તેણે સત્યેન્દ્ર જૈનને 60 કરોડ અને રાજ્યસભાની સીટ માટે 50 કરોડ તેમજ દક્ષિણ ભારતમાં આમ આદમી પાર્ટીના ફેલાવા માટે ‘પ્રોટેક્શન મની’ તરીકે 10 કરોડ રૂપિયા આપ્યા હતા.

    - Advertisement -

    જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને હાલ જેલમાં બંધ તેમના મંત્રી સત્યેન્દ્ર જૈન સામે લગાવેલા આરોપોની તપાસ માટે બનાવવામાં આવેલ ત્રણ સભ્યોની પેનલે પોતાનો રિપોર્ટ ઉપરાજ્યપાલને સોંપી દીધો છે. પેનલે આ આરોપોને ગંભીર ગણાવીને તેની તપાસ ઇડી અને CBI જેવી સ્પેશિયલ એજન્સીઓ પાસે કરાવવાની ભલામણ કરી છે. 

    મામલાની તપાસ કરતી પેનલે જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરની મુલાકાત લીધી હતી અને તેનું નિવેદન નોંધ્યું હતું. મીડિયા અહેવાલો અનુસાર, સુકેશે સમિતિ સામે પણ પોતાનું સ્ટેન્ડ એ જ રાખ્યું હતું અને પોતે કેજરીવાલ અને મંત્રીઓ પર લગાવેલા આરોપો પર અડગ રહ્યો હતો. 

    સુકેશે પેનલને જણાવ્યું હતું કે, તેણે સત્યેન્દ્ર જૈનને 60 કરોડ અને રાજ્યસભાની સીટ માટે 50 કરોડ તેમજ દક્ષિણ ભારતમાં આમ આદમી પાર્ટીના ફેલાવા માટે ‘પ્રોટેક્શન મની’ તરીકે 10 કરોડ રૂપિયા આપ્યા હતા. તેણે એમ પણ જણાવ્યું કે તેણે 12.50 કરોડ રૂપિયા તત્કાલીન ડીજી (જેલ) સંદીપ ગોયેલને પણ આપ્યા હતા. 

    - Advertisement -

    ટાઈમ્સ ઑફ ઇન્ડિયા સૂત્રોને ટાંકીને જણાવે છે કે, તેની પાસે સત્યેન્દ્ર જૈન સાથે પૈસાના વ્યવહારોને લઈને થયેલ તમામ વોટ્સએપ ચેટ ઉપલબ્ધ છે અને જો એજન્સીઓને તપાસ દરમિયાન આ પુરાવાઓની જરૂર પડે તો તે આપવા માટે તૈયાર છે. તેણે આ ચેટમાં પૈસાની ડિલિવરી અને સ્થળને લઈને જૈન સાથે ચર્ચા કરી હોવાનું જણાવ્યું છે. 

    સુકેશે એવો પણ દાવો કર્યો હતો કે તેણે સત્યેન્દ્ર જૈનના ફોનથી દિલ્હી CM અરવિંદ કેજરીવાલ સાથે પણ વાત કરી હતી અને પૈસાના વ્યવહારોને લઈને જણાવ્યું હતું. સુકેશ અનુસાર, 2017માં તેણે યોજેલી એક ડિનર પાર્ટીમાં કેજરીવાલ, સત્યેન્દ્ર જૈન અને કૈલાશ ગેહલોત સામેલ થયા હતા. 

    રિપોર્ટ અનુસાર, સુકેશે પેનલને જણાવ્યું હતું કે સત્યેન્દ્ર જૈને તેની મુલાકાત દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા સાથે પણ કરાવી હતી અને ત્યારબાદ તેઓ એકબીજાના સંપર્કમાં રહેતા હતા. 

    આ આરોપોની સત્યતા ચકાસવા માટે પેનલે કેસની તપાસ કરતી એજન્સીઓ ઇડી અને સીબીઆઈ સાથે પણ મુલાકાત કરી હતી. ઉપ-રાજ્યપાલને સોંપેલા રિપોર્ટમાં સમિતિએ આ આરોપોને ‘પ્રતિકૂળ’ અને ‘ગંભીર’ ગણાવ્યા છે અને તેની સત્યતા પુરવાર કરવા માટે જરૂરી સંસાધનોનો અભાવ જોતાં મામલાની તપાસ વિશેષ તપાસ એજન્સી પાસે કરાવવાની ભલામણ કરી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં