તેલંગાણામાં (Telangana) મુખ્યમંત્રી રેવંત રેડ્ડી (CM Revath Reddy) વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાના આરોપમાં બે મહિલા પત્રકારોની (Women journalists) ધરપકડ કરવામાં આવી છે. જેને લઈને તેમની થઈ રહેલી ટીકા વચ્ચે સીએમ રેવંત રેડ્ડીએ ખુલ્લેઆમ મીડિયાને ધમકી આપી છે. કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રી રેડ્ડીએ કહ્યું છે કે, તેમના અને તેમના પરિવાર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનારાઓને “નગ્ન કરવામાં આવશે, મારવામાં આવશે અને તેમની પરેડ કાઢવામાં આવશે”. તેમણે પત્રકારોને સજા આપવા માટે વિધાનસભામાં બિલ લાવવાની પણ વાત કરી છે.
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ વિધાનસભામાં કહ્યું છે કે, “એવું ન વિચારો કે, હું મુખ્યમંત્રી છું એટલે ચૂપ છું. હું તમને નગ્ન કરીશ અને માર મારીશ. મારા આહ્વાન પર લાખો લોકો તમને મારવા માટે રસ્તાઓ પર ઉતરી આવશે. પરંતુ, હું મારા પદને કારણે સહનશીલ રહું છું.” જોકે, પોતાની ધમકીને કાનૂની વળાંક આપતાં તેમણે કહ્યું, “હું જે પણ કરીશ, કાયદાના દાયરામાં રહીને કરીશ.”
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ વધુમાં કહ્યું હતું કે, ડિજિટલ મીડિયા પત્રકારો, ખાસ કરીને યુટ્યુબ ચેનલ ચલાવનારા, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિરુદ્ધ અપમાનજનક સોશિયલ મીડિયા પોસ્ટ કરે છે, તેમને સજા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, “હું જાણવા માંગુ છું કે પત્રકાર કોણ છે? શું કોઈ ‘યુટ્યુબ’ (યુટ્યુબ ચેનલ) શરૂ કરીને કોઈની ટીકા કરવાનું શરૂ કરી શકે છે? શું તેમને પત્રકાર ગણી શકાય?” વધુમાં તેમણે પત્રકારને પરિભાષિત કરવા માટે પણ મીડિયા સંઘ સાથે ચર્ચા કરવાની વાત કરી છે.
મીડિયા પર અંકુશ રાખવા બિલ લાવવાની તૈયારીમાં કોંગ્રેસ
શનિવારે (15 માર્ચ) વિધાનસભામાં બોલતા મુખ્યમંત્રી રેડ્ડીએ કહ્યું કે, આવી ઘટનાઓ અટકાવવા માટે એક બિલ લાવવામાં આવશે. રેવંત રેડ્ડીએ કહ્યું કે, “અમે જાહેર જીવનમાં છીએ અને ટીકા માટે તૈયાર છીએ, પરંતુ અમારા પરિવારના સભ્યોને કેમ નિશાન બનાવવામાં આવી રહ્યા છે?” રેવંત રેડ્ડીએ વધુમાં એવું પણ કહ્યું હતું કે, તેમની સરકાર આવા પત્રકારોને બેનકાબ કરવાનું કામ કરશે અને તેમને દંડિત પણ કરશે.
BRS પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, “મારા અને મારા પરિવારના સભ્યો વિશે અપમાનજનક ભાષા પોસ્ટ કરવામાં આવી હતી. મારા પરિવારની મહિલાઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપયોગમાં લેવામાં આવતી ભાષાથી મારું લોહી ઉકળી રહ્યું છે. જો BRS નેતાઓની માતાઓ, બહેનો અને પત્નીઓ સામે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો શું તેઓ ચૂપ રહેશે?”
પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પાર્ટી BRS પર આરોપ લગાવતા સીએમ રેડ્ડીએ કહ્યું કે, “તેઓ (BRS) તેમના પાર્ટી કાર્યાલયમાં પૈસા લઈને આવતા કલાકારોને લાવ્યા, તેનું રેકોર્ડિંગ કર્યું અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું. હવે તેઓ નારાજ છે કારણ કે, બે મહિલાઓ સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે. BRSએ આ મહિલાઓની ધરપકડનો વિરોધ કર્યો છે.
બે મહિલા પત્રકારોની કરી હતી ધરપકડ
નોંધનીય છે કે, 10 માર્ચના રોજ પોલીસે પોગદાદંડા રેવતી અને તેમના સાથી સંધ્યા ઉર્ફે તન્વી યાદવ વિરુદ્ધ સીએમ રેડ્ડી પર કથિત વાંધાજનક પોસ્ટ મૂકવા બદલ કેસ નોંધ્યો હતો. આ પછી 12 માર્ચે પોલીસે ‘પલ્સ ન્યૂઝ’ નામની યુટ્યુબ ચેનલ ચલાવતી આ બે મહિલાઓની ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે, બંને મહિલાઓએ BRS ઓફિસમાં વિડીયો શૂટ કર્યો હતો.
જે વિડીયોને લઈને સીએમ રેડ્ડી પત્રકારોને ધમકી આપી રહ્યા છે, તેમાં એક ખેડૂતે મુખ્યમંત્રી રેવંત રેડ્ડી વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. હવે આ ઇન્ટરવ્યુ ‘પલ્સ ન્યૂઝ’ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હોવાથી એવું માનવામાં આવી રહ્યું છે કે આ બધું ‘પલ્સ ન્યૂઝ’ દ્વારા મુખ્યમંત્રીની છબી ખરાબ કરવાના હેતુથી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના સોશિયલ મીડિયા સેલના રાજ્ય સચિવે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.