દિલ્હી (Delhi) JNUમાં સાબરમતી રિપોર્ટ ફિલ્મના (Sabarmati Report) સ્ક્રીનિંગ દરમિયાન પથ્થરમારો (Stone Pelting) કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે (ABVP) આરોપ લગાવ્યા છે કે, ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન કેટલાક લોકો દ્વારા પથ્થર ફેંકવામાં આવ્યા હતા. ઘટનાથી કાર્યક્રમ થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યો હતો, જોકે બાદમાં સ્ક્રીનિંગ યથાવત શરૂ કરી દેવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ગુરુવાર (12 ડિસેમ્બર) સાંજ 6:45 આસપાસની છે. આ સ્ક્રીનિંગ કાર્યક્રમ બેડમિન્ટન કોર્ટમાં આયોજવામાં આવ્યો હતો. ઘટના મામલે ABVP અધ્યક્ષ રાજેશ્વર દુબેએ વામપંથી વિદ્યાર્થીઓ પર આક્ષેપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, સ્ક્રીનિંગ શરૂ થયાના થોડા જ સમયમાં પથ્થર ફેંકવામાં આવ્યા હતા. આ પથ્થરમારાથી કેટલાક વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું પણ દુબેએ જણાવ્યું હતું.
બીજી તરફ JNU પ્રશાસને સ્ક્રીનિંગ કાર્યક્રમ શાંતિપપૂર્ણ રીતે થયો હોવાનું જણાવ્યું છે. પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો. બીજી તરફ ABVPનો દાવો છે કે, પથ્થરમારાની ઘટનાથી થોડા સમય માટે કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. JNU ABVPના X હેન્ડલ પર પથ્થરના ફોટા શેર કરીને વામપંથી વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત તે પહેલાં કેમ્પસમાં ફિલ્મના પોસ્ટ ફાડી નાખ્યા હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા હતા.
Such big stones were pelted on the JNU students including girls who were peacefully watching the screening of The Sabarmati Report organised by ABVP-JNU.
— ABVP JNU (@abvpjnu) December 12, 2024
This is another attempt made by the Leftists to not let the lies and propaganda spread by them get exposed.#JNU… pic.twitter.com/2KL7kDDLi0
નોંધનીય છે કે, ધીરજ સરના દ્વારા નિર્દેશિત અને વિક્રાંત મૈસી, રાશી ખન્ના અને રિદ્ધિ ડોગરા દ્વારા અભિનીત આ ફિલ્મ 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાવ્યા બાદ થયેલા રમખાણો પર આધારિત છે. વાસ્તવમાં આ ઘટનામાં ગોધરામાં કટ્ટરપંથી મુસ્લિમ ટોળાએ ટ્રેનના કોચમાં આગ લગાવીને હિંદુ કારસેવકોને જીવતા સળગાવી દીધા હતા. ફિલ્મમાં અભિનેતા એક પત્રકારના રોલમાં છે, જે સત્ય ઉજાગર કરવાના પ્રયાસ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ આ ફિલ્મને વખાણી ચૂક્યા છે.