Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુંબઈ બ્લાસ્ટનાં ત્રીસ વર્ષ: જ્યારે શરદ પવારે હવામાંથી શોધી કાઢ્યો હતો 13મો...

    મુંબઈ બ્લાસ્ટનાં ત્રીસ વર્ષ: જ્યારે શરદ પવારે હવામાંથી શોધી કાઢ્યો હતો 13મો બૉમ્બ બ્લાસ્ટ, સમુદાય વિશેષને પીડિત બતાવવા ચલાવ્યું હતું જુઠ્ઠાણું

    બ્લાસ્ટ અંગે જાણકારી મળતાં જ તત્કાલીન મહારાષ્ટ્ર સીએમ શરદ પવાર સીધા દૂરદર્શનના સ્ટુડિયો પહોંચી ગયા અને જાહેરાત કરી કે કુલ 13 બ્લાસ્ટ થયા છે. વાસ્તવમાં 12 થયા હતા પરંતુ એક વધારાનો બ્લાસ્ટ થયો હોવાની વાત તેમણે બનાવી કાઢી હતી.

    - Advertisement -

    આજે (12 માર્ચ, 2023) મુંબઈ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટને 30 વર્ષ પૂરાં થયાં છે. 1993ની 12મી માર્ચે મુંબઈમાં એક પછી એક સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં સેંકડો લોકો માર્યા ગયા હતા. તે સમયે શરદ પવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. પવારે સેક્યુલરિઝમ અને હિંદુ-મુસ્લિમ સમુદાયો વચ્ચે શાંતિ ટકાવી રાખવા માટે એક બૉમ્બ બ્લાસ્ટ શોધી કાઢ્યો હતો!

    વાસ્તવમાં, 12 માર્ચે મુંબઈમાં એક પછી એક એમ કુલ 12 બૉમ્બ બ્લાસ્ટ થયા હતા. જે માટે તમામ આયોજન પહેલેથી કરવામાં આવ્યું હતું અને સુનિયોજિત ષડ્યંત્રના ભાગરૂપે સમગ્ર કાવતરાને અંજામ આપવામાં આવ્યો હતો. આ બૉમ્બ બ્લાસ્ટ વખતે ભારતમાં સૌપ્રથમ વખત RDX વપરાયું હતું અને 26/11ના હુમલાની જેમ ભારત પર કરવામાં આવેલો એક સુનિયોજિત હુમલો હતો. જેમાં 300થી વધુ લોકો માર્યા ગયા અને 1400થી વધુને ઇજા પહોંચી હતી. 

    ઇન્ડિયા ટૂડેના એક રિપોર્ટ મુજબ, બ્લાસ્ટ અંગે જાણકારી મળતાં જ તત્કાલીન મહારાષ્ટ્ર સીએમ શરદ પવાર સીધા દૂરદર્શનના સ્ટુડિયો પહોંચી ગયા અને જાહેરાત કરી કે કુલ 13 બ્લાસ્ટ થયા છે. વાસ્તવમાં 12 થયા હતા પરંતુ એક વધારાનો બ્લાસ્ટ થયો હોવાની વાત તેમણે બનાવી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે 13મો બ્લાસ્ટ મસ્જિદ બંદર વિસ્તારમાં થયો હતો. 

    - Advertisement -

    બન્યું હતું એવું કે 12 બ્લાસ્ટ થયા હતા એ તમામ હિંદુ બહુમતી વિસ્તારોમાં થયા હતા. જેના કારણે મુસ્લિમો પણ આ ઘટનાનો ભોગ બન્યા છે તેવું દેખાડવા માટે શરદ પવારે કાલ્પનિક રીતે એક બ્લાસ્ટની વાત ઘડી કાઢી હતી. મહત્વની વાત એ છે કે તેમણે પોતે આ બાબતનો સ્વીકાર કર્યો છે અને એમ પણ કહી ચૂક્યા છે કે આ બાબતને લઈને તેમની પ્રશંસા પણ થઇ હતી. 

    ઘટનાના 22 વર્ષ પછી એક કાર્યક્રમમાં બોલતી વખતે પવારે કહ્યું હતું કે તેમણે એક બૉમ્બ બ્લાસ્ટ ઘડી કાઢ્યો હતો કારણ કે બાકીના તમામ બૉમ્બ બ્લાસ્ટ હિંદુ વિસ્તારોમાં થયા હતા અને તેમને ડર હતો કે ક્યાંક સાંપ્રદાયિક તણાવ ન વધી જાય. કારણ જણાવતા તેમણે દાવો કર્યો કે પાકિસ્તાન એ જ ઇચ્છતું હતું. જેથી તેઓ સ્ટુડિયો ગયા અને જાહેરાત કરી દીધી કે મુસ્લિમો પણ બ્લાસ્ટનો ભોગ બન્યા છે. DNAના રિપોર્ટ અનુસાર, પવારે એવો પણ દાવો કર્યો હતો કે આ બ્લાસ્ટની શોધ બદલ તેમને જસ્ટિસ શ્રીક્રિષ્ના કમિશન તરફથી શાબાશી પણ મળી હતી. 

    તેમણે દાવો કરતાં કહ્યું હતું કે તેમના આ જુઠ્ઠાણાંથી અનેક જીવ બવહી ગયા કારણ કે હિંદુઓએ એવું વિચાર્યું કે મુસ્લિમો પણ પીડિત છે અને જેથી સાંપ્રદાયિક હિંસા ન થઇ. એટલું જ નહીં, તેમણે કમિશન સામે બ્લાસ્ટનો દોષ LTTE પર ઢોળવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેને લઈને પણ તેમણે કહ્યું હતું કે તે પાછળનો આશય હિંદુ-મુસ્લિમ રમખાણો અટકાવવાનો હતો. તેમણે એવું પણ કહ્યું હતું કે, આ જ સમયે તેમણે એવું પણ જુઠ્ઠાણું ચલાવ્યું હતું કે બોમ્બિંગ માટે વપરાયેલું મટિરિયલ દક્ષિણના આતંકવાદીઓ દ્વારા વાપરવામાં આવે છે. 

    મુંબઈમાં ક્યાં-ક્યાં થયા હતા બ્લાસ્ટ? 

    જ્યાં ખરેખર 12 માર્ચે બ્લાસ્ટ થયા હતા તે સ્થળોમાં શિવસેના ભવન, ઝવેરી બજાર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, કોર્પોરેશન બેન્ક માંડવી, એર ઇન્ડિયા બિલ્ડીંગ, મહિમ કોઝવે, સેન્ચ્યુરી બજાર, હોટેલ સી રોક બાંદ્રા, પ્લાઝા સિનેમા, ઝૂહુ સેન્ટર હોટેલ, સહારા એરપોર્ટ અને એરપોર્ટ સેન્ટર હોટેલનો સમાવેશ થાય છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં