Wednesday, April 24, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ RSSના કાર્યક્રમમાં આપી હાજરી અને થઇ પક્ષમાંથી હકાલપટ્ટી;...

  વડોદરા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ RSSના કાર્યક્રમમાં આપી હાજરી અને થઇ પક્ષમાંથી હકાલપટ્ટી; ભાજપે કોંગ્રેસની રાષ્ટ્રવિરોધી માનસિકતા કહી

  સુરેશ પટેલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય તેમની ગેરશિસ્ત અને વડોદરામાં RSSના કાર્યક્રમમાં હાજરીને પગલે લેવામાં આવ્યો છે. તેમણે ધ્યાન રાખવું જોઈતું હતું. સસ્પેન્શન હાલ અનિશ્ચિત સમય માટે છે.

  - Advertisement -

  વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાએ તાજેતરમાં વડોદરા ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રશિક્ષણ વર્ગમાં હાજરી આપી હતી અને તેમાં પ્રવચન પણ આપ્યું હતું. કોંગ્રેસને આ વાત ખટકી હતી અને સુરેશ પટેલને સસ્પેન્ડ કરતો પત્ર મોકલ્યો હતો. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ કાર્યક્રમમાં હાજરી આપી તે યોગ્ય નથી.

  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)એ સુરેશ પટેલને સસ્પેન્ડ કરતો પત્ર મોકલ્યો હતો જેના પર પક્ષના ઉપપ્રમુખ વિજય દવેના હસ્તાક્ષર હતા. પત્રમાં GPCCએ કહ્યું હતું કે, “આપ કોંગ્રેસના સિનિયર આગેવાન હોવા છતાં આર.એસ.એસ.નો જે પ્રશિક્ષણ વર્ગ વડોદરા મુકામે ચાલે છે તેમાં ઉદ્ઘાટન સમયે અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા. એટલું જ નહીં, આપે પ્રવચન પણ કર્યું તે બરાબર નથી. આપના આ પ્રકારના ગેરવર્તનને ધ્યાનમાં લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી જગદીશ ઠાકોરની સૂચના અનુસાર આપને તાત્કાલિક અસરથી કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે.”

  વિજય દવેએ જણાવ્યું હતું કે, “સુરેશ પટેલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય તેમની ગેરશિસ્ત અને વડોદરામાં RSSના કાર્યક્રમમાં હાજરીને પગલે લેવામાં આવ્યો છે. તેમણે ધ્યાન રાખવું જોઈતું હતું. સસ્પેન્શન હાલ અનિશ્ચિત સમય માટે છે.” તો વડોદરા શહેર એકમના પ્રમુખ ઋત્વિજ જોષીએ પણ કહ્યું હતું કે સુરેશ પટેલે કાર્યક્રમમાં હાજરી ન આપવી જોઈએ.

  - Advertisement -

  વડોદરામાં RSSનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો

  કોંગ્રેસ પૂર્વ પ્રમુખ સુરેશ પટેલે 8 મેના રોજ વડોદરા ખાતે હરણીની સિગ્નસ સ્કૂલમાં આયોજિત RSSના પ્રશિક્ષણ વર્ગમાં અતિથિ તરીકે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરસંઘચાલક મોહન ભાગવત પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ પટેલે મોહન ભાગવત સાથે સ્ટેજ શેર કર્યું હતું અને પ્રવચન પણ આપ્યું હતું. જેની કોંગ્રેસે ગંભીર નોંધ લીધી હતી અને તેમને પાર્ટીમાંથી બરતરફ કરી નાખ્યા હતા.

  સુરેશ પટેલે આ અંગે શું કહ્યું?

  કોંગ્રેસ પૂર્વ પ્રમુખ સુરેશ પટેલે સસ્પેન્શન અંગે કહ્યું હતું કે, “સારા કાર્યોમાં હાજરી આપવી, ધર્મ કાર્ય અને રાષ્ટ્રહિતની વાત હોય ત્યાં જવું ખોટું નથી. હું ત્રણ પેઢીથી કોંગ્રેસમાં છું અને આ કાર્યક્રમમાં કોઈ પક્ષ વિરોધી વાત નથી કરી. રાષ્ટ્રહિતની વાતમાં જ મેં હાજરી આપી છે.”

  તો ભાજપના શહેર પ્રમુખ ડૉ. વિજય શાહે જણાવ્યું હતું કે, “હું સુરેશભાઈને અભિનંદન આપું છું કે આવા કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી. સંઘ કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલ સંગઠન નથી પરંતુ બધા જ પક્ષના કાર્યકરો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે. કોંગ્રેસનું આ પગલું નિંદનીય છે અને તેમની રાષ્ટ્ર વિરોધી માનસિકતા છતી થઈ ગઈ છે.”

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં