સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે દિલ્હીની સરકારી શાળાઓમાં રોહિંગ્યા (Rohingya Refugees) ઘૂસણખોરોના બાળકોને પ્રવેશ આપવાની માંગ કરતી અરજીનો નિકાલ કર્યો હતો. તથા કોર્ટે કહ્યું કે, આ પહેલાં બાળકો જે શાળાની પાત્રતાનો દાવો કરે છે તેનો સંપર્ક કરે અને જો ત્યાં એડમીશન ન આપવામાં આવે તો હાઇકોર્ટનો સંપર્ક કરી શકે છે. આ મામલે 17 ફેબ્રુઆરીએ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ કોટીશ્વર સિંઘની બેન્ચે સુનાવણી કરી હતી.
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, “આ બાળકો માટે યોગ્ય રસ્તો એ હશે કે, તેઓ એવી સરકારી શાળાઓમાં પ્રવેશ માટે અરજી કરે જેના માટે તેઓ પોતાને યોગ્ય સમજે છે.” સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું, “જો આ બાળકો પ્રવેશ માટે હકદાર હોય અને તેમને એડમીશન આપવાનો ઇનકાર કરવામાં આવે, તો તેઓ દિલ્હી હાઇકોર્ટનો સંપર્ક કરી શકે છે.” સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આવી સ્થિતિમાં, આ બાળકોને એ લીગલ સંસ્થાન મદદ કરશે જેણે તેમના માટે અરજી કરી છે.
નોંધનીય છે કે, આ બાળકો માટે સોશિયલ જૂરીસ્ટ અ સિવિલ રાઈટ્સ ગ્રુપ નામના સંગઠને અરજી કરી હતી. તથા અરજીમાં માંગ કરી હતી કે, રોહિંગ્યા બાળકોને આધાર કાર્ડ વિના દિલ્હીની સરકારી શાળામાં પ્રવેશ આપવામાં આવે. આ સંસ્થાનો દાવો છે કે, રોહિંગ્યા બાળકો પાસે આધાર કાર્ડ ન હોવાના કારણે દિલ્હીની સરકારી શાળાઓ તેમને પ્રવેશ આપતી નથી.
અગાઉ હાઇકોર્ટમાં કરી હતી અરજી
અગાઉ આ સંગઠને દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે કોર્ટે કહ્યું હતું કે, રોહિંગ્યાઓ શરણાર્થી નથી અને સરકારે તેમને આ દરજ્જો પણ આપ્યો નથી. દિલ્હી હાઇકોર્ટે આ કેસમાં અરજદારોને તેમની માંગ ગૃહ મંત્રાલય સુધી પહોંચાડવા કહ્યું હતું, જેથી તેના પર કાર્યવાહી કરી શકાય. હાઇકોર્ટે આ મામલો દેશની સુરક્ષા અને નાગરિકતાના પ્રશ્ન સાથે સંબંધિત ગણાવીને અરજી ફગાવી દીધી હતી.
ત્યારપછી આ સંગઠન સુપ્રીમ કોર્ટ પહોંચ્યું હતું. 29 જાન્યુઆરી, 2025ના રોજ કેસની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે આ સંસ્થા પાસેથી એવા બાળકોની માહિતી માંગી હતી, જેમને એડમીશન આપવામાં આવ્યું નહોતું. સંસ્થાએ 18 બાળકોની યાદી આપી હતી. જેના પર 17 ફેબ્રુઆરીએ કોર્ટે આ આદેશ આપીને અરજીનો નિકાલ કર્યો હતો.
આ પહેલાં પણ રોહિંગ્યાઓ માટે થઈ ચૂકી છે અરજી
તાજેતરમાં જ એક NGOએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે, કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારોને દિલ્હીમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યાઓને શાળાઓ અને હોસ્પિટલોની સુવિધા આપવાનો નિર્દેશ આપવો જોઈએ. અરજીમાં આ રોહિંગ્યા મુસ્લિમો માટે ખાદ્યાન્નની સાથે સરકારી હોસ્પિટલોમાં મફત આરોગ્ય સેવાઓની પણ માંગ કરવામાં આવી હતી.
આ અરજીમાં રોહિંગ્યા બાળકો પાસે આધાર કાર્ડ કે ભારતીય નાગરિકતા ન હોવા છતાં તેમને મફત શિક્ષણ પૂરું પાડવા માટે કેન્દ્ર અને દિલ્હી સરકારોને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. આ સિવાય માંગ કરવામાં આવી હતી કે, આ રોહિંગ્યા ‘શરણાર્થીઓ’ ને સરકાર પાસેથી ઓળખ કાર્ડ માંગ્યા વિના ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએશન સહિતની તમામ પરીક્ષાઓમાં બેસવાની મંજૂરી આપવામાં આવે.