Friday, March 7, 2025
More
    હોમપેજદેશ‘પત્રકારત્વની સ્વતંત્રતા દબાવવાનો પ્રયાસ, FIRમાં કોઈ વજન નથી’: રાજસ્થાન હાઇકોર્ટે અર્ણબ ગોસ્વામીને...

    ‘પત્રકારત્વની સ્વતંત્રતા દબાવવાનો પ્રયાસ, FIRમાં કોઈ વજન નથી’: રાજસ્થાન હાઇકોર્ટે અર્ણબ ગોસ્વામીને આપી રાહત, કોંગ્રેસી પવન ખેડાની ફરિયાદ બાદ દાખલ થયો હતો ગુનો 

    કોર્ટે અર્ણબ ગોસ્વામી સામે કોઈ પણ કડક કાર્યવાહી કરવા પર રોક લગાવી, જેનો સરળ અર્થ એ થાય કે તેમની ધરપકડ થઈ શકે નહીં. બીજી તરફ તેમની જે મૂળ અરજી છે, જેમાં કેસ રદ કરવાની માંગ કરવામાં આવી છે, તેનો કોર્ટ નિકાલ ન કરી નાખે ત્યાં સુધી આ આદેશનો અમલ ચાલુ રહેશે તેમ પણ જણાવ્યું. 

    - Advertisement -

    રાજસ્થાન હાઇકોર્ટે (Rajasthan High Court) રિપબ્લિક મીડિયા નેટવર્કના એડિટર ઇન ચીફ પત્રકાર અર્ણબ ગોસ્વામી (Arnab Goswami) વિરુદ્ધ ઉદયપુરમાં દાખલ એક FIR મામલે તેમની વિરુદ્ધ ધરપકડ કે અન્ય કાર્યવાહી કરવા પર રોક લગાવી છે. મે, 2022માં કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાની ફરિયાદ પર નોંધાયેલી આ FIR મામલે ગોસ્વામીએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કોર્ટે તેમની દલીલો ગ્રાહ્ય રાખીને કેસ રદ કરવાની માંગ કરતી અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી ધરપકડથી રાહત આપી છે. 

    કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ ફરજંદ અલીએ નોંધ્યું કે, પ્રથમ દૃષ્ટિએ અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ FIRમાં જે કલમો લગાડવામાં આવી છે (IPC 153A, જે હેઠળ ધાર્મિક સમુદાયો વચ્ચે વૈમનસ્ય સર્જવું એ ગુનો બને છે) તે લાગુ જ પડતી નથી કે. બીજી તરફ FIRમાં પણ વિગતવાર આરોપો વિશે જણાવવામાં આવ્યું નથી, ન તેમાં કોઈ નિવેદનો છે, ન ટ્રાન્સક્રિપ્ટ્સ છે કે ન અર્ણબે કોઈ ગુનો આચર્યો હોવાના આરોપોની સાબિતી આપતી કોઈ સામગ્રી છે.

    સાથે કોર્ટે ટિપ્પણીમાં કહ્યું કે, “કાયદામાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કલમ 153A લગાવવા માટે કૃત્ય જાણીજોઈને અને બદઈરાદાપૂર્વક દુશ્મનાવટ કે ઘૃણા ફેલાવવા માટે થયેલું હોવું જોઈએ. કલમ હેઠળ ગુનો ત્યારે જ બને જ્યારે કોઈ શબ્દો જાણીજોઈને, ઇરાદાપૂર્વક, ટાર્ગેટ કરીને વાપરવામાં આવ્યા હોય કે તેનાથી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કે હિંસાને પ્રોત્સાહન મળી શકે. માત્ર કોઈ ઘટનાનું રિપોર્ટિંગ કરવાથી 153A હેઠળ ગુનો બની શકે નહીં. 

    - Advertisement -

    કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે, “આ કેસમાં પૂરતા પુરાવાનો અભાવ હોવા છતાં જે રીતે સતત તપાસ કરવામાં આવી રહી છે તે દર્શાવે છે કે આ બીજું કાંઈ નહીં પરંતુ પત્રકારત્વની સ્વતંત્રતાને દબાવવાનો અને અરજદારને (અર્ણબ) ખોટી રીતે કાયદાકીય પ્રક્રિયાઓમાં ફસાવવાનો પ્રયાસ છે.”

    કોર્ટે ત્યારબાદ અર્ણબ ગોસ્વામી સામે કોઈ પણ કડક કાર્યવાહી કરવા પર રોક લગાવી, જેનો સરળ અર્થ એ થાય કે તેમની ધરપકડ થઈ શકે નહીં. બીજી તરફ તેમની જે મૂળ અરજી છે, જેમાં કેસ રદ કરવાની માંગ કરવામાં આવી છે, તેનો કોર્ટ નિકાલ ન કરી નાખે ત્યાં સુધી આ આદેશનો અમલ ચાલુ રહેશે તેમ પણ જણાવ્યું. 

    શું છે કેસ?  

    આ કેસ મે, 2022નો છે જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર હતી. અહીં રાજગઢમાં એક મંદિરનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જેના કારણે ખૂબ વિવાદ પણ થયો હતો અને કોંગ્રેસ સરકાર પર સવાલો પણ ઉઠ્યા હતા. આ મામલે રિપબ્લિક ભારતના રિપોર્ટિંગ બાદ કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ વાંધો ઉઠાવીને ઉદયપુરમાં એક ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પછીથી FIR દાખલ કરવામાં આવી. FIRમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ચેનલે ધાર્મિક ભાવનાઓ ભડકાવવા માટે રાજગઢ મંદિરના ડિમોલોશન અને અલવરની ડિમોલિશન ડ્રાઇવનું રિપોર્ટિંગ કર્યું હતું. 

    આ મામલે પછીથી અર્ણબે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા અને FIR રદ કરવાની માંગ કરી હતી. તેમણે દલીલ કરી કે FIR રાજકીય ઈરાદાથી પ્રેરિત છે અને માત્ર રિપબ્લિકને હેરાન કરવા અને કાયદાકીય પ્રક્રિયાઓમાં ફસાવવા માટે જ દાખલ કરવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે, કોંગ્રેસ સરકારને સવાલ કરવામાં આવી રહ્યા હતા અને ફરિયાદ પણ કોંગ્રેસ નેતા દ્વારા જ દાખલ કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે આખો કેસ જ રાજકીય ઇરાદાથી પ્રેરિત હતો. 

    સાથે તેમણે એમ પણ જણાવ્યું કે તેઓ રિપબ્લિક ભારતના રોજિંદા કામકાજમાં કોઈ રીતે સામેલ હોતા નથી કે ટેલિકાસ્ટ, ડિબેટ અને બ્રોડકાસ્ટમાં પણ તેમના સીધા કોઈ નિર્ણયો લાગુ પડતા નથી. બીજી તરફ, જે કેસની વાત થઈ રહી છે તે બ્રોડકાસ્ટ બાદ ન તો કોઈ કાયદો-વ્યવસ્થાની ઘટના બની કે ન હિંસા ફેલાઈ. જેથી સ્પષ્ટ થાય છે કે પ્રસારણ શાંતિભંગના ઇરાદે કરવામાં આવ્યું ન હતું. 

    કોર્ટે ગોસ્વામીને રાહત આપીને મામલાની આગલી સુનાવણી આઠ અઠવાડિયાં પછી મુકરર કરી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં