મોહમ્મદ યુનુસના નેતૃત્વની સરકારમાં બાંગ્લાદેશ (Bangladesh) ધીરે-ધીરે કટ્ટરપંથી ઇસ્લામીકરણ મામલે પાકિસ્તાનની રાહ પર ચાલી રહ્યું છે. દેશભરમાં કટ્ટરવાદને ફેલાવવામાં આવી રહ્યો છે અને દેશને ‘ઇસ્લામી રાષ્ટ્ર’ બનાવવા માટેની માંગણીઓ પણ કરવામાં આવી રહી છે. આ સાથે જ હવે પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશમાં પણ ‘ઇશનિંદા’ને (Blasphemy) લઈને બખેડા ઊભા કરવામાં આવી રહ્યા છે અને આરોપીને મૃત્યુદંડ આપી દેવા જેવી માંગણીઓ કરવામાં આવી રહી છે. હાલ જ ‘ઇશનિંદા’ના આરોપમાં બાંગ્લાદેશના એક કવિની (Poet) ધરપકડ પણ કરવામાં આવી છે.
માહિતી અનુસાર, ગુરુવારે (13 ફેબ્રુઆરી) ઢાકા મેટ્રોપોલિટન પોલીસની (DMP) ઇન્ટેલિજન્સ બ્રાન્ચે કવિ સોહેલ હસન ગાલિબની (Sohel Hasan Galib) ધરપકડ કરી હતી. તેમના પર ઇસ્લામના પ્રોફેટ મોહમ્મદના ‘અપમાન’નો આરોપ લગાવવામાં આવ્યો છે. ધરપકડ બાદ તેમની પૂછપરછ માટે તેમને ઇન્ટેલિજન્સ બ્રાન્ચની ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા. જે બાદ શુક્રવારે (14 ફેબ્રુઆરી) કવિને ઢાકા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાથી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
બાંગ્લાદેશી શાયરની ભૂલ માત્ર એટલી હતી કે, તેમણે કટ્ટરપંથી ઇસ્લામી સંગઠન ‘તૌહિદી જનતા’ની હરકતો પર વ્યંગાત્મક કવિતા લખી હતી. બાંગ્લાદેશી કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી અને ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ઇન્ટેલિજન્સ બ્રાન્ચે તેમની 10 દિવસની કસ્ટડી માંગી હતી. શાયરને માત્ર એક સોશિયલ મીડિયા પોસ્ટના આધારે નિશાન બનાવવામાં આવ્યા છે.
Sohel Hasan Ghalib, a poet, has been arrested for blasphemy for writing a satirical poetry that ironically predicts his predicament. Tawhidi Janata just jumped right into his trap and sued him. The Nobel Man’s cop didn’t bother to put him behind the bar. pic.twitter.com/KKlp129L45
— ABM Nasir (@ABMNasir) February 15, 2025
જોકે, બાંગ્લાદેશી પોલીસે એવો દાવો કર્યો છે કે, કવિ સોહેલ હસન ગાલિબની ધરપકડ, તેમની કવિતામાં પ્રોફેટ મોહમ્મદ વિશે કરવામાં આવેલી ‘અપમાનજનક ટિપ્પણી’ઓના આધારે કરવામાં આવી છે. તે કવિતા ‘અમર ખુતબલુગી’ સંગ્રહનો એક ભાગ છે. શાયર પર CrPCની કલમ 54 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
બાંગ્લાદેશમાં વધતી અસહિષ્ણુતા
બાંગ્લાદેશી શાયરનું તે પુસ્તક ઢાકામાં યોજાયેલ અમર એકૂશે પુસ્તક મેળામાં પણ ઉપલબ્ધ હતું. જે સંયોગવશ પુસ્તક મેળા પર થયેલા કટ્ટરપંથી હુમલામાં સામે આવ્યું હતું. આ હુમલો લેખિકા તસ્લીમા નસરીનના પુસ્તકના કારણે થયો હતો. આ ઘટના બની હોવા છતાં શનિવારે (15 ફેબ્રુઆરી) 105 શિક્ષણવિદોએ મોહમ્મદ યુનુસના નેતૃત્વની સરકારને સોહેલ હસન ગાલિબને મુક્ત કરવા અપીલ કરી હતી. જોકે, તેમની અપીલ અવગણી નાખવામાં આવી હતી.
જોકે, બાંગ્લાદેશી સરકાર પાસે આશા પણ તે જ હતી. કારણ કે, યુનુસ પોતાની સરકારની ટીકા કરનારા લોકોને જેલમાં નાખી રહ્યા છે અને તે સાથે જ ઇસ્લામવાદીઓની ખુશામત પણ કરી રહ્યા છે. શેખ હસીનાના રાજીનામાં બાદથી બાંગ્લાદેશ ઇસ્લામવાદીઓના હાથમાં આવી ગયું છે. તેઓ ‘ઇશનિંદા’ને લઈને વધુ કડક સજા અને દંડની જોગવાઈની માંગણી કરવા લાગ્યા છે. જેના કારણે કુરાન, ઇસ્લામ અને પ્રોફેટ મોહમ્મદનું અપમાન કરનારાઓ બચી ન શકે.
બાંગ્લાદેશની હાઇકોર્ટે પણ ઇશનિંદા માટે મૃત્યુદંડની કરી હતી ભલામણ
નવેમ્બર, 2024માં ઑપઇન્ડિયાએ અહેવાલ આપ્યો હતો કે, કેવી રીતે બાંગ્લાદેશની હાઇકોર્ટે દેશમાં ‘ઇશનિંદા’ને આજીવન કેદ અને મૃત્યુદંડની સજા યોગ્ય બનાવવા માટે સાયબર સુરક્ષા કાયદાને મજબૂત બનાવવાની ભલામણ કરી હતી. જસ્ટિસ એમઆર હસન અને જસ્ટિસ ફહમીદા કાદરની બેન્ચે કહ્યું હતું કે, “કુરાન અને મોહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) વિરુદ્ધ આ રીતના અનાવશ્યક, અવિવેકપૂર્ણ, અડિયલ અને ભડકાઉ ભાષણ અને આચરણ માટે મૃત્યુદંડ અથવા આજીવન કેદ જેવી સજાની જોગવાઈ હોવી જોઈએ, જેના પર સંસદ વિચાર કરી શકે છે.”
તેમણે વધુમાં કહ્યું હતું કે, “કોઈપણ ધર્મના લોકોના મનને ઠેસ પહોંચાડે તેવી, તેમનામાં ભય, આતંક, અસ્વસ્થતા અને આશંકા પેદા કરતી કોઈપણ ઉશ્કેરણીજનક વાણી અથવા કૃત્યને નિરુત્સાહિત કરવા અને આવા ગુનાઓ માટે સજા વધારવા તથા તેને બિનજામીનપાત્ર કરવા મામલે વિચાર કરવો જોઈએ.” બાંગ્લાદેશ હાઇકોર્ટે ઉમેર્યું હતું કે, ” જો ચાર્જશીટમાં સંબંધિત લિંક્સમાં સામેલ ગુનેગારોને કાયદા હેઠળ લાવવામાં નહીં આવે, તો દરેક કિસ્સામાં મુખ્ય ગુનેગાર, મુખ્ય કાવતરાખોર અથવા મુખ્ય સ્ત્રોત પકડથી બહાર રહેશે. તેથી, આ સંદર્ભમાં યોગ્ય આદેશની જરૂર છે. “
હાલમાં, બાંગ્લાદેશમાં ઇશનિંદા કાયદ હેઠળ આપવામાં આવતી મહત્તમ સજા 2 વર્ષની કેદ અને 5 લાખ રૂપિયાનો દંડ છે. દેશની હાઇકોર્ટ હવે મહત્તમ સજાને બિનજામીનપાત્ર આરોપ, આજીવન કેદ અને મૃત્યુદંડ સુધી વધારવાની ભલામણ કરી રહી છે.