Sunday, June 22, 2025
More
    હોમપેજગુજરાત‘ગુજરાતમાં ચારેબાજુ મને ગર્જના કરતો સિંદૂરનો સમુદ્ર અને લહેરાતો ત્રિરંગો દેખાયો’: ઑપરેશન...

    ‘ગુજરાતમાં ચારેબાજુ મને ગર્જના કરતો સિંદૂરનો સમુદ્ર અને લહેરાતો ત્રિરંગો દેખાયો’: ઑપરેશન સિંદૂર બાદ PM મોદીનો ગાંધીનગરમાં પ્રથમ રોડ શો, કહ્યું- આતંકવાદના કાંટાને જડ-મૂળમાંથી ઉખાડી ફેંકીશું

    PM મોદીએ જણાવ્યું કે આ ઑપરેશન દ્વારા ભારતે 75 વર્ષથી સહન કરેલા ‘પ્રોક્સી વોર’ને ‘ડાયરેક્ટ વોર’માં બદલી નાખ્યું. તેમણે લોકોને આ લડાઈમાં સામેલ થવા માટે વિદેશી ઉત્પાદનોનો બહિષ્કાર કરવા હાકલ કરી, જેથી આ એક જન આંદોલન બની શકે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) 27 મેના રોજ ગાંધીનગરમાં (Road Show in Gandhinagar) એક ભવ્ય રોડ શો યોજાયો હતો, જે સવારે 10:30 વાગ્યે રાજ ભવનથી શરૂ થઈ મહાત્મા મંદિર ખાતે સમાપ્ત થયો હતો. આ બે કિલોમીટર લાંબા રોડ શોમાં 30,000થી વધુ ભાજપ કાર્યકરો સહિત હજારો લોકોએ ભાગ લીધો. રસ્તાની બંને બાજુએ લોકોની ભીડ જોવા મળી, જેમણે તિરંગા લહેરાવીને અને ‘ભારત માતા કી જય’ના નારા સાથે PM મોદીનું સ્વાગત કર્યું હતું.

    રોડ શો બાદ મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાને ભાષણ આપ્યું, જેમાં ગુજરાતના શહેરી વિકાસ, રાષ્ટ્રીય સુરક્ષા અને દેશભક્તિ પર ભાર મૂક્યો હતો. આ તેમની ઑપરેશન સિંદૂર બાદ ગુજરાતની પ્રથમ મુલાકાત હતી. ઑપરેશન સિંદૂર, જે 6-7 મે, 2025ની રાત્રે શરૂ થયું, ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાંઓ સામેની કાર્યવાહી હતી, જેમાં નવ આતંકવાદી ઠેકાણાં નષ્ટ કરાયાં.

    પાકિસ્તાનને ચેતવણી

    PM મોદીએ જણાવ્યું કે આ ઑપરેશન દ્વારા ભારતે 75 વર્ષથી સહન કરેલા ‘પ્રોક્સી વોર’ને ‘ડાયરેક્ટ વોર’માં બદલી નાખ્યું. તેમણે લોકોને આ લડાઈમાં સામેલ થવા માટે વિદેશી ઉત્પાદનોનો બહિષ્કાર કરવા હાકલ કરી, જેથી આ એક જન આંદોલન બની શકે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “75 વર્ષથી આપણે આતંકવાદનો ભોગ બની રહ્યા છીએ, પણ હવે બહુ થયું. ભારત હવે તેને સહન કરશે નહીં. આપણે આતંકવાદના આ કાંટાને મૂળમાંથી ઉખેડી નાખીશું.”

    - Advertisement -

    PM નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરની સફળતાનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનને ચેતવણી આપી. તેમણે કહ્યું, “શરીર ગમે તેટલું સ્વસ્થ હોય, જો કાંટો ચોંટી જાય, તો આખું શરીર અસ્વસ્થ રહે છે. એટલા માટે અમે નક્કી કર્યું છે કે અમે તે કાંટો દૂર કરીશું.” આ સિવાય તેમણે PoK અંગેના સરદાર પટેલના વલણનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    આ ઉપરાંત તેમણે અંગ્રેજોનો ઉલ્લેખ કરતા કહ્યું કે 250 વર્ષ સુધી જેમણે આપણા પર રાજ કર્યું એમને આપણે પાછળ છોડી દીધા છે. તેમણે 2036ની ઓલિમ્પિક્સને લઈને પણ સંકેત આપતા કહ્યું કે દેશના નાગરિકો ઈચ્છે કે ઓલિમ્પિક્સ હવે ભારતમાં યોજાય. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું.

    ‘દેશભરમાં દેશભક્તિની લહેર’

    ગુજરાતની પોતાની બે દિવસની મુલાકાતનો ઉલ્લેખ કરતા PM મોદીએ કહ્યું, “હું બે દિવસથી ગુજરાતમાં છું. ગઈકાલે હું વડોદરા, દાહોદ, ભુજ, અમદાવાદમાં હતો અને આજે ગાંધીનગરમાં. હું જ્યાં પણ ગયો, ત્યાં મને ગર્જના કરતો સિંદૂરનો સમુદ્ર અને લહેરાતો ત્રિરંગો દેખાયો; મેં લોકોના હૃદયમાં માતૃભૂમિ પ્રત્યે અપાર પ્રેમ અને દેશભક્તિની લહેર જોઈ. આ દ્રશ્ય ફક્ત ગુજરાતનું નથી, તે ભારતના દરેક ખૂણામાં છે, તે દરેક ભારતીયના હૃદયમાં છે.”

    વડાપ્રધાને ગુજરાતના શહેરી વિકાસની સફળતાને બિરદાવી, જેમાં છેલ્લા 20 વર્ષમાં વિશ્વ કક્ષાના શહેરો નિર્માણનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે ગુજરાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સૌર ઉર્જા, રસ્તાઓ અને પાવર ટ્રાન્સમિશનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ કાર્યક્રમમાં તેમણે ₹5,536 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો, જેમાં સ્વચ્છ હવા કાર્યક્રમ, રેલવે પ્રોજેક્ટ્સ અને યુ.એન. ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું સેટેલાઈટ સેન્ટર શામેલ છે.

    તેમણે વિકાસ અંગેની વાત કરતા કહ્યું કે વર્ષ 2014માં ભારત વિશ્વની ટોચની અર્થવ્યવસ્થામાં 11માં ક્રમે હતું જે હવે ચોથા ક્રમે છે. આ વિકાસમાં તેમણે ગુજરાતનું યોગદાન પણ ગણાવ્યું હતું. તેમણે ગુજરાતના લોકોનો આભાર માન્યો, જેમણે તેમને મૂલ્યો અને સપનાં આપ્યાં, જે તેઓ રાષ્ટ્રસેવામાં સમર્પિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતે તેમને ઘણું બધું આપ્યું, અને તેના લોકોની દેશભક્તિ દેશ માટે પ્રેરણારૂપ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં