પીલીભીતમાં (Pilibhit) પૂરનપુરમાં માર્યા ગયેલા 3 ખાલિસ્તાની આતંકવાદીઓનું (Khalistani Terrorist) પાકિસ્તાન (Pakistan) સાથેનું કનેક્શન સામે આવ્યું છે. આ ત્રણેયને આતંકવાદી જૂથ ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સનો (KZF) લીડર પાકિસ્તાનથી ઑપરેટ કરી રહ્યો હતો. આ ત્રણ આતંકવાદીઓ પંજાબમાં એક ચોકી પર ગ્રેનેડ ફેંકીને ઉત્તર પ્રદેશ ભાગી ગયા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ₹2000-₹3000 ચૂકવીને આવા હુમલા કરાવી રહી છે. આ આતંકવાદીઓની જેમ અન્ય યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે, ઉપરાંત પંજાબમાં પણ સતત હથિયારો મોકલવામાં આવી રહ્યાં છે.
અહેવાલ મુજબ, પંજાબના ગુરદાસપુરમાં ચોકી પર આતંકવાદી હુમલો કેનેડા અને અમેરિકામાં થયેલા હુમલાના પ્લાનિંગનો ભાગ કહેવાઈ રહ્યો છે. ભારતમાં પોલીસને નિશાન બનાવવા અને હથિયારોના સપ્લાય સાથે આતંકવાદીઓને ટ્રેનિંગ આપવા માટે કેનેડા અને અમેરિકામાં ત્રણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણેય બેઠકો 2023માં થઈ હતી. આ બેઠક બાદ ચોકીઓ અને પોલીસ સ્ટેશનો પર હુમલા વધી ગયા છે. પંજાબમાં છેલ્લાં બે વર્ષમાં આવી 20 જેટલી ઘટનાઓ બની છે.
KFZએ કરાવ્યો હતો હુમલો
પીલીભીતમાં માર્યા ગયેલ આતંકીઓ અંગે એસપીએ જણાવ્યું કે, KZF એ આ લોકો પાસે માત્ર ₹2000-3000માં આ કામ કરાવ્યું છે. તેમણે કહ્યું હતું કે કે, આ આતંકવાદી સંગઠન પાકિસ્તાનથી જ ઑપરેટ થઇ રહ્યું છે અને તેનો ચીફ રણજીત નીતા પણ પાકિસ્તાનમાં તેની ગતિવિધિઓ વધારી રહ્યો છે. ISI હથિયારો મોકલવા ઉપરાંત પાકિસ્તાનની અંદર અલગ-અલગ જગ્યાએ શીખ યુવાનોને આતંકી ટ્રેનિંગ પણ આપી રહી છે. આ સિવાય આ કામ માટે પાકિસ્તાનમાં ઘણાં ટ્રેનિંગ પેડ બનાવવામાં આવ્યાં છે. ઉપરાંત ISI ખાલિસ્તાની આતંકીઓને પૈસા એકઠા કરવામાં મદદ કરી રહ્યું છે.
પીલીભીતમાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકીઓ પાછળ પાકિસ્તાન : ISI આપી રહી છે ટ્રેનિંગ, 3 હજાર આપીને ગ્રેનેડ હુમલા કરાવ્યા; 7 રાજ્યોના 30 શહેરોમાં નેટવર્કhttps://t.co/pU5tml66RO#Pilibhit #Khalistan #Terrorist #Pakistan #ISI #Attacks pic.twitter.com/oZEzxExn3L
— Divya Bhaskar (@Divya_Bhaskar) January 1, 2025
આ પૈસા એકઠા કરવા માટે વસૂલી, ખંડણી અને ડ્રગ્સ જેવા ગુના કરવામાં આવે છે. ISI અને પાકિસ્તાનની અન્ય એજન્સીઓ પણ પંજાબમાં ડ્રગ્સ અને હથિયારો પહોંચાડી રહી છે. છેલ્લાં બે વર્ષમાં પંજાબ બોર્ડર પર 200થી વધુ વખત ડ્રોન જોવા મળ્યાં છે. ઘણી વાર BSF આવાં ડ્રોન નષ્ટ કરી નાખે છે તો કેટલીક વાર બચી પણ જતાં હોય છે. આમાં હથિયારો અને ડ્રગ્સ બંને સપ્લાય કરવામાં આવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. પીલીભીતમાં પણ માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી જે હથિયારો મળ્યાં છે તે વિદેશી છે.
7 રાજ્યોમાં ફેલાયું છે ISIનું નેટવર્ક
ISIએ આ નેટવર્કને ભારતના 7 રાજ્યો અને 30 શહેરોમાં ફેલાવ્યું છે. પંજાબ ઉપરાંત તેમાં હરિયાણા અને યુપી-ઉત્તરાખંડના શીખ વસ્તીવાળા જિલ્લાઓનો સમાવેશ થાય છે. સરહદ પાર દાણચોરી થકી જે કામ નથી થઇ શકતું તેના માટે પૈસા મોકલવામાં આવે છે. આ કામ માટે હવાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ કામમાં ISIની સાથે વાધવા સિંઘ અને નીતા જેવા આતંકવાદીઓ પણ સામેલ છે. પાકિસ્તાનમાં ઘણા ખાલિસ્તાનીઓ પણ માર્યા ગયા છે. પંજાબ પોલીસ, યુપી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ આ અંગે સતર્ક છે.
આ જ દરમિયાન સ્થાનિક સ્તરે પોલીસ પીલીભીત કેસની તપાસમાં કોઈ કસર છોડી રહી નથી. પોલીસે તાજેતરમાં જ સનીને પકડ્યો હતો, જેણે પૂરનપુરમાં રૂમ મેળવવામાં આતંકવાદીઓને મદદ કરી હતી. આ સિવાય પણ પોલીસે ઘણા લોકોને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી છે. તે પણ સામે આવ્યું છે કે માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ ડ્રગ્સના બંધાણી હતા અને તેમણે પૂરનપુરની એક મેડિકલ ફેસિલિટીમાંથી ડ્રગ કેપ્સ્યુલ્સ ખરીદ્યા હતા. પોલીસ પૂછપરછ માટે મેડિકલ સેન્ટર પણ પહોંચી હતી.
એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા આતંકીઓ
નોંધનીય છે કે 23 ડિસેમ્બર, 2024ના રોજ પોલીસ એન્કાઉન્ટરમાં ખાલિસ્તાની ઝિંદાબાદ ફોર્સના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ આતંકવાદીઓ થોડા સમય પહેલાં પંજાબના ગુરદાસપુર પોલીસ મથક પર થયેલા ગ્રેનેડ હુમલામાં સામેલ હતા. આ ઑપરેશન યુપી અને પંજાબ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ ગુરવિંદર સિંઘ, વીરેન્દ્ર સિંઘ ઉર્ફે રવિ અને જસપ્રીત સિંઘ ઉર્ફે પ્રતાપ સિંઘ તરીકે થઈ છે.