29 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પશ્ચિમ બંગાળમાં (West Bengal) જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે ‘ઑપરેશન સિંદૂર’ વિશે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે પાકિસ્તાનને આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ ચેતવણી પણ આપી હતી. વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું હતું કે, ‘ઑપરેશન સિંદૂર હજી પૂર્ણ થયું નથી.’
પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારથી પાકિસ્તાનને ફરી એકવાર ચેતવણી આપવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની જાહેર સભામાં કહ્યું, “આજે જ્યારે હું સિંદૂર ખેલાની આ ભૂમિ પર આવ્યો છું, ત્યારે આતંકવાદ અંગે ભારતના નવા સંકલ્પની ચર્ચા થવી સ્વાભાવિક છે. 22 એપ્રિલે પહલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી બર્બરતા પછી પશ્ચિમ બંગાળમાં પણ ઘણો ગુસ્સો હતો.”
આગળ તેમણે કહ્યું, “હું તમારી અંદર રહેલા ગુસ્સાને સારી રીતે સમજી શક્યો. આતંકવાદીઓએ આપણી બહેનોનું સિંદૂર ભૂંસી નાખવાની હિંમત કરી. આપણી સેનાએ તેમને સિંદૂરની શક્તિનો અનુભવ કરાવી દીધો. આપણે આતંકવાદનાં એવાં ઠેકાણાંનો નાશ કર્યો, જેની પાકિસ્તાને કલ્પના પણ નહોતી કરી.”
તેમણે પાકિસ્તાનને આડેહાથ લેતાં કહ્યું કે, આતંકવાદને પોષનાર પાકિસ્તાન પાસે દુનિયાને આપવા માટે કંઈ સકારાત્મક નથી. જ્યારથી તે અસ્તિત્વમાં આવ્યું છે, ત્યારથી તેણે ફક્ત આતંકવાદને પ્રોત્સાહન આપ્યું છે. 1947માં ભાગલા પડ્યા ત્યારથી તેણે ભારત પર આતંકવાદી હુમલાઓ કર્યા છે. પાકિસ્તાની સેનાએ બાંગ્લાદેશમાં જે રીતે બળાત્કાર અને હત્યાઓ કરી તે કોઈ ભૂલી શકે એમ નથી. આતંકવાદ અને નરસંહાર એ પાકિસ્તાની સેનાની સૌથી મોટી એક્સપર્ટીઝ છે.
Operation Sindoor is not over; if they fire, we will fire, and if they attack, we will attack: Sources pic.twitter.com/jrn8WZ2Vuq
— ANI (@ANI) May 11, 2025
આ દરમિયાન પ્રધાનમંત્રીએ અગાઉના યુદ્ધોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું, “જ્યારે સીધું યુદ્ધ થાય છે, ત્યારે તેની (પાકિસ્તાનની) હાર નિશ્ચિત હોય છે. આ જ કારણ છે કે પાકિસ્તાનની સેના આતંકવાદીઓની મદદ લે છે. પહલગામ હુમલા પછી ભારતે હવે દુનિયાને કહી દીધું છે કે જો હવે ભારત પર આતંકવાદી હુમલો થશે તો દુશ્મનને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાને સમજવું જોઈએ કે અમે તેમના ઘરોમાં ઘૂસીને ત્રણ વખત હુમલો કર્યો છે. બંગાળની આ ભૂમિ પરથી 140 કરોડ ભારતીયોની આ ઘોષણા છે કે ઑપરેશન સિંદૂર હજી પૂરું થયું નથી.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ નિવેદન ભારતની આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં નવું ભારતનું વલણ દર્શાવે છે. ‘ઑપરેશન સિંદૂર’ હજુ પૂર્ણ નથી થયું’ આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે ભારત આગામી સમયમાં પણ આતંકવાદ સામે કડક પગલાં લેવા માટે તૈયાર છે. આ નિવેદનથી ન માત્ર પાકિસ્તાનને ચેતવણી મળી છે, પરંતુ ભારતની જનતામાં પણ રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે.