જેની ચર્ચા ઘણા સમયથી થઈ રહી છે તે તે ‘વન નેશન વન ઈલેક્શન’ (One Nation, One Election) માટેનું બિલ લોકસભામાં રજૂ થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ સોમવારે (16 ડિસેમ્બર, 2024) તેને રજૂ કરશે તેવા અહેવાલો મળી રહ્યા છે. આ પહેલાં ગુરૂવારે કેન્દ્રીય કેબિનેટે બે બિલને મંજૂરી આપી હતી, જેમાંથી એક બંધારણમાં સંશોધન કરવા માટેનું બિલ છે, જે તમામ રાજ્યોની વિધાનસભા અને લોકસભા ચૂંટણીને એક સાથે યોજવા માટેનો માર્ગ મોકળો કરશે અને બીજું બિલ કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક સાથે ચૂંટણી કરવા સંબંધિત છે.
જાણવા મળ્યા અનુસાર, બિલનો ડ્રાફ્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને તેની નકલ પણ સાંસદોને પહોંચાડી દેવામાં આવી છે. બીજી તરફ વિપક્ષ સતત બિલનો વિરોધ કરતો આવ્યો છે, જેથી બની શકે કે સોમવારે ફરી એકવાર વિપક્ષી દળો સંસદમાં હોબાળો કરીને તેનો વિરોધ કરે.
અહેવાલો જણાવી રહ્યા છે કે, સરકાર બિલ સંસદમાં રજૂ કર્યા બાદ વક્ફની જેમ જ એક સંયુક્ત સંસદીય સમિતિ બનાવી શકે છે. ત્યારબાદ બિલ JPC પાસે મોકલવામાં આવશે. JPC તમામ હિતધારકો, રાજકીય પાર્ટીઓ સાથે ચર્ચા કરીને ભલામણો કરશે. ત્યારબાદ તેની ઉપર ચર્ચા કરીને બંને ગૃહમાંથી પસાર કરવામાં આવશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પાસે જશે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થશે અને ચૂંટણી એકસાથે યોજવા માટે માળખું તૈયાર કરવામાં આવશે.
Proposed bill for #OneNationOneElection pic.twitter.com/WCPx8xkWQW
— Jay (@Junkie4news_) December 13, 2024
વન નેશન, વન ઈલેક્શન પર બની હતી ખાસ કમિટી
ઉલ્લેખનીય છે કે ‘વન નેશન વન ઈલેક્શન’ પર વિચાર-વિમર્શ કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં સપ્ટેમ્બર, 2023માં એક ખાસ કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદ, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, એનકે સિંઘ, સુભાષ કશ્યપ, પૂર્વ CVC સંજય કોઠારી સહિત 8 સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી.
બાદમાં આ સમિતિમાં પછીથી કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલને સ્પેશિયલ મેમ્બર તરીકે ઉમેરવામાં આવ્યા હતા. કમિટીએ ‘એક દેશ, એક ચૂંટણી’ પર એક રિપોર્ટ તૈયાર કરીને ગત માર્ચ માહિનામાં આ રિપોર્ટને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મોકલી આપવામાં આવ્યો હતો. બાદમાં 18 સપ્ટેમ્બર, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટે રિપોર્ટ સ્વીકારી લીધો હતો.
વડાપ્રધાન મોદી કરી ચૂક્યા છે અનેક વાર ઉલ્લેખ
વાસ્તવમાં વન નેશન વન ઈલેક્શન મોદી સરકારમાં ઘણા લાંબા સમયથી વિચારણા હેઠળ છે. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વાર જાહેર મંચ પરથી તેના વિશે વાત કરી ચૂક્યા છે. તેમણે આને ચર્ચાની નહીં, પરંતુ ભારતના પાયાની જરૂરિયાત ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, દેશમાં દર મહિને ક્યાંકને ક્યાંક ચૂંટણીઓ યોજાતી જ રહે છે અને તેની પાછળ ખર્ચ પણ એટલો લાગે છે જે દેશના વિકાસ પર પ્રભાવ પાડે છે. નોંધનીય છે કે જો આખા દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજાય છે, તો તેની પાછળ લાગતા કરોડોના ખર્ચમાં એક મોટો કાપ મૂકાશે.