Tuesday, May 7, 2024
More
    હોમપેજએક્સપ્લેઇનરશું છે ‘વન નેશન, વન ઈલેકશન’ અને કઈ રીતે કરશે કામ? કાર્યકાળ...

    શું છે ‘વન નેશન, વન ઈલેકશન’ અને કઈ રીતે કરશે કામ? કાર્યકાળ પૂર્ણ થવા પહેલાં સરકાર ભંગ થવાની સ્થિતિમાં શું?- સમિતિના રિપોર્ટ પરથી સમજો સરળ ભાષામાં

    અલગ-અલગ ચૂંટણીઓના કારણે દેશનાં સંસાધનો પણ એટલાં જ ખર્ચાય છે, માનવશક્તિ પણ એટલી જ ખર્ચાય છે અને રૂપિયાનો ખર્ચ પણ એટલો જ થાય છે. આ સમિતિ ભલામણ કરે છે કે એકસાથે ચૂંટણી યોજવા માટે સરકારે હવે ફરીથી એક સુવ્યવસ્થિત તંત્ર વિકસાવવાની જરૂર છે. 

    - Advertisement -

    2024ની લોકસભા ચૂંટણી જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે ત્યાં ગુરુવારે (14 માર્ચ) અગત્યના સમાચાર સામે આવ્યા. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં નીમાયેલી સમિતિએ ‘વન નેશન-વન ઈલેકશન’ પર પોતાનો વિસ્તૃત રિપોર્ટ રાષ્ટ્રપતિને સુપરત કરી દીધો છે. 18 હજાર પાનાંના આ રિપોર્ટમાં ‘એક દેશ, એક ચૂંટણી’ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે અને અંતે અમુક ભલામણો કરવામાં આવી છે. 

    જો સમિતિની આ ભલામણો સ્વીકારી લેવામાં આવે તો શક્ય છે કે 2029માં લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવશે. જો રિપોર્ટ સ્વીકારી લેવામાં આવે તો 2024ની લોકસભા ચૂંટણી બાદ નવી સરકાર સંસદમાં એક બિલ લાવશે અને બંધારણમાં સુધારો કરવામાં આવશે. સંસદની બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવશે કે તેને અધિસૂચિત કયારે કરવું. જેનાથી ‘‘વન નેશન-વન ઈલેકશન’ માટેનો રસ્તો સાફ થઈ જાશે. પરંતુ પછી પણ ઘણા પ્રશ્નો રહે છે, જેના જવાબ રિપોર્ટમાં જ છે. 

    હાલ દેશમાં લોકસભા ચૂંટણી અને વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અલગ-અલગ થાય છે. દર વર્ષે દેશનાં કોઈને કોઇ રાજ્યની ચૂંટણી યોજાય છે. સ્વતંત્રતા બાદ થોડાં વર્ષો સુધી ચૂંટણીઓ સાથે થઈ હતી પરંતુ પછી જેમ-જેમ સરકારો સમય પહેલાં ભંગ થતી ગઈ તેમ ત્યાં ચૂંટણી યોજાઈ અને તેના કારણે કાર્યકાળ પૂર્ણ થવાના સમય પણ આગળ-પાછળ થઈ ગયા. આ જ કારણ છે કે આજે દેશમાં ચૂંટણીઓ અલગ-અલગ યોજવામાં આવે છે. 

    - Advertisement -

    અલગ-અલગ ચૂંટણીઓના કારણે દેશનાં સંસાધનો પણ એટલાં જ ખર્ચાય છે, માનવશક્તિ પણ એટલી જ ખર્ચાય છે અને રૂપિયાનો ખર્ચ પણ એટલો જ થાય છે. ચૂંટણી પંચનું પણ એટલું કામ વધે છે. આખી સિસ્ટમ ઉપર સમગ્ર વર્ષ દરમિયાન ભારણ રહે છે અને ચૂંટણીઓનું આ ચક્ર સતત ચાલ્યા કરે છે. આ સમિતિ ભલામણ કરે છે કે એકસાથે ચૂંટણી યોજવા માટે સરકારે હવે ફરીથી એક સુવ્યવસ્થિત તંત્ર વિકસાવવાની જરૂર છે. 

    લોકસભા-વિધાનસભા ચૂંટણી સાથે, 100 દિવસમાં પંચાયતો અને પાલિકાઓની ચૂંટણી 

    સમિતિએ ભલામણ કરી છે કે પહેલા તબક્કામાં લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે. ત્યારબાદ બીજા તબક્કામાં મહાનગરપાલિકા-નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી યોજાય. જે સંસદ-વિધાનસભાની ચૂંટણીના 100 દિવસોની અંદર કરવામાં આવે. 

    રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એકસાથે ચૂંટણી યોજવા માટે લોકસભા ચૂંટણી બાદ સંસદની પહેલી બેઠક મળે તે દિવસે રાષ્ટ્રપતિ અધિસૂચના જારી કરીને તેના અમલીકરણની એક તારીખ નક્કી કરી શકે છે. આ નિયત તારીખ બાદ જે કોઇ પણ રાજ્યની વિધાનસભાઓમાં ચૂંટણી થશે તેનો કાર્યકાળ ત્યાં સુધી જ રહેશે જ્યારે સમાનાંતર ચૂંટણી થાય. એટલે કે જો 2029માં સમાનાંતર ચૂંટણી કરવાની હોય તો 2024થી 2028 સુધી જેટલાં રાજ્યોની ચૂંટણી થશે તેમની સરકારોનો કાર્યકાળ 2029 સુધી જ રહેશે અને ત્યારબાદ એકસાથે ચૂંટણી યોજાશે.

    આને થોડા સરળ શબ્દોમાં ઉદાહરણ સાથે સમજીએ.

    ગુજરાતમાં 2022માં વિધાનસભા ચૂંટણી થઈ. બંધારણ અનુસાર, સરકારનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. તેથી આગલી ચૂંટણી 2027માં કરવાની રહે છે. જો સરકાર 2029માં ‘એક દેશ, એક ચૂંટણી’ લાગુ કરવાનો નિર્ણય કરે તો 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી તો થશે, પરંતુ તેનો કાર્યકાળ 5 વર્ષનો નહીં પણ 2 જ વર્ષનો હશે, 2029 સુધી. આ રીતે 2025માં કોઇ રાજ્યની ચૂંટણી થાય તો તેમનો કાર્યકાળ 4 વર્ષનો જ રહેશે. 2028માં જેમની ચૂંટણી થાય તેમના માટે કાર્યકાળ 1 વર્ષનો હશે. ત્યારબાદ એકસાથે આખા દેશમાં ચૂંટણી યોજાશે. 

    જો સરકાર પહેલાં ભંગ થઈ ગઈ તો શું?

    અહીં પ્રશ્ન આવે છે કે ‘વન નેશન-વન ઈલેકશન’ લાગુ કર્યા બાદ ધારો કે 2029માં એકસાથે ચૂંટણી થઈ ગઈ અને કેન્દ્રની અને તમામ રાજ્યોની ચૂંટણી એકસાથે યોજાઇ, પરંતુ ત્યારબાદ પણ કોઇ રાજ્યની (કે કેન્દ્રની પણ) સરકાર ભંગ થવાની શક્યતાઓ છે જ અને તેને નકારી શકાય નહીં. 5 વર્ષે ફરી ચૂંટણી થાય ત્યાં સુધી તમામ રાજ્યોની સરકાર ટકશે જ એવું માની લેવાય નહીં, કારણ કે વ્યવહારિક રીતે શક્ય નથી. વધુમાં, બંધારણમાં ‘અવિશ્વાસ મત’ અને અન્ય કેટલીક જોગવાઈઓ છે, જેનાથી સરકાર નિયત કાર્યકાળ કરતાં પહેલાં ભંગ થઈ શકે છે. કોઇ પણ કારણોસર સરકારો તૂટી શકે છે. આ પરિસ્થિતિનો પણ તોડ રિપોર્ટમાં છે. 

    સમિતિ કહે છે કે આવી પરિસ્થિતિ સર્જાય તો નવા ગૃહની રચના માટે (નવી સરકાર બનાવવા, સરળ ભાષામાં) ચૂંટણી કરવી જરૂરી છે. પરંતુ, આ નવી સરકાર બને તેનો કાર્યકાળ આગામી સામાન્ય ચૂંટણી સુધીનો જ હશે. 

    ઉદાહરણ તરીકે, 2029માં એક દેશ-એક ચૂંટણી થઈ અને ગુજરાતમાં ફલાણી પાર્ટીની સરકાર બની. પરંતુ કોઇ કારણોસર 2030માં આ સરકાર ભંગ થઈ ગઈ. તો ત્યારે ગુજરાતમાં ફરીથી વિધાનસભાની ચૂંટણી યોજાશે. પરંતુ આ સરકારનો કાર્યકાળ પાંચ વર્ષ માટે (2035 સુધી) નહીં પણ જ્યારે લોકસભાની અવધિ પૂર્ણ થાય (2034) ત્યાં સુધી જ હશે. એટલે 2030માં બનેલી સરકાર 2034 સુધી કામ કરશે અને 2034માં ફરી ‘એક દેશ-એક ચૂંટણી’ થાય ત્યારે ફરી ત્યાં ચૂંટણી યોજાશે. જો 2033માં સરકાર ભંગ થાય તોપણ ચૂંટણી થશે, પણ કાર્યકાળ 1 જ વર્ષનો હશે. 

    આવું જ કેન્દ્ર સરકાર સાથે પણ લાગુ પડશે. કોઇ કારણોસર લોકસભા વહેલી ભંગ થઈ ગઈ તો ચૂંટણી થશે, પરંતુ તેનો કાર્યકાળ આગલી લોકસભાના બાકી સમય સુધીનો જ હશે. ઉદાહરણ તરીકે, 2029માં ચૂંટણી થઈ અને કોઈ કારણોસર 2031માં કેન્દ્ર સરકારે બહુમત ગુમાવી દીધો, તો ફરી ચૂંટણી યોજાશે, પણ તેનો કાર્યકાળ 2034 સુધીનો જ રહેશે. 2034માં ફરી કેન્દ્રની અને તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજવી પડશે. 

    આ વ્યવસ્થા માટે બંધારણીય સુધારો જરૂરી છે. આર્ટિકલ 83 (લોકસભાનો કાર્યકાળ) અને આર્ટિકલ 172 (વિધાનસભાઓનો કાર્યકાળ) બંનેમાં સુધારા કરવા પડશે. જોકે, તેના માટે રાજ્ય સરકારોની સહમતી હોવી જરૂરી નથી. સરકાર સંસદમાં બહુમતીથી પસાર કરાવી શકે છે. 

    એક જ મતદાર યાદી અને એક ફોટો આઇડીની પણ ભલામણ 

    આ સિવાય સમિતિએ સંસદ, વિધાનસભા, નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી માટે એક જ મતદાર યાદી અને એક જ ફોટો આઇડેન્ટિટી કાર્ડની પણ ભાલામાં કરી છે. આ માટે આર્ટિકલ 325માં સુધારો કરવો પડશે અને ચૂંટણી પંચ રાજ્યોનાં કમિશનો સાથે મળીને આ કામ કરી શકશે. જોકે, આ સુધારા માટે રાજ્યોની સહમતી જરૂરી છે. 

    સપ્ટેમ્બરમાં રચાઈ સમિતી, 65 બેઠકો મળી 

    આ સમિતિની રચના 2 સપ્ટેમ્બર, 2023ના રોજ કરવામાં આવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ તેના અધ્યક્ષ છે. બાકીના સભ્યોમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યસભામાં પૂર્વ વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદ, ફાયનાન્સ કમિશનના પૂર્વ ચેરમેન એન.કે સિંઘ, લોકસભાના પૂર્વ સેક્રેટરી જનરલ સુભાષ કશ્યપ, વરિષ્ઠ વકીલ હરીશ સાલવે વગેરે તેના સભ્યો છે. કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલ આમંત્રિત સદસ્ય છે. લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીને પણ સભ્ય નીમવામાં આવ્યા હતા, પરંતુ તેમણે રાજીનામું આપી દીધું હતું.

    સમિતિએ કુલ 65 બેઠકો કરીને વિવિધ રાજકીય પાર્ટીઓ સહિત અનેક હિતધારકો, નિષ્ણાતોના મત લઈને, ચર્ચા-વિચારણાને અંતે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. જે રાષ્ટ્રપતિને સોંપવામાં આવ્યો છે. સરકાર હવે તેની ઉપર કોઇ પણ નિર્ણય કરશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં